સોના ચાંદીમાં એકધારો ઘટાડો :છેલ્લા બે દિવસમાં સોનામાં એક હજાર અને ચાંદીમાં બે હજારનું ગાબડું
અમેરિકાનું ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન ધારણા કરતાં વધારે આવતાં ફેડની આગામી સપ્તાહે મળનારી મીટિંગમાં ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાશે એવી ધારણાને પગલે છેલ્લા ચાર દિવસથી સતત ઘટતો ડૉલર માત્ર ૨૪ કલાકમાં ૧.૪ ટકા ઊછળ્યો હતો, જેને કારણે સોનામાં ખરીદીનું આકર્ષણ સાવ તળિયે ગયું હતું. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થયા પહેલાં સોનું ૧૭૩૩.૧૧ ડૉલર હતું, જ્યારે ઇન્ફ્લેશનના ડેટા જાહેર થયા બાદ સોનું ગગડીને ૧૬૯૬.૫૦ ડૉલર થયું હતું. બુધવારે સવારથી સોનું ઘટતું રહ્યું હતું, પણ અત્યંત નીચા મથાળે નવેસરથી લેવાલી નીકળતાં સોનું બુધવારે બપોર બાદ સુધર્યું હતું. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં.
અમેરિકાનું ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન ૮.૩ ટકા રહ્યું હતું જે જુલાઈમાં ૮.૫ ટકા હતું અને માર્કેટની ધારણા ૮.૧ ટકા રહેવાની હતી. ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન છેલ્લા ચાર મહિનાનું સૌથી ઓછું હતું. અમેરિકામાં ગેસોલીનના ભાવ ઑગસ્ટમાં ૨૫.૬ ટકા વધ્યા હતા જે જુલાઈમાં ૪૪ ટકા વધ્યા હતા, જ્યારે ફ્યુઅલ ઑઇલના ભાવ ૬૮.૮ ટકા વધ્યા હતા જે જુલાઈમાં ૭૫.૬ ટકા વધ્યા હતા, પણ ફૂડ પ્રાઇસ ૧૧.૪ ટકા વધ્યા હતા જે ૪૩ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા.
અમેરિકાનું ઇન્ફ્લેશન વધતાં વૈશ્વિક લેવલે મોટી અસર જોવા મળી હતી. ઇન્ફ્લેશનના વધારાને પરિણામે ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં વધુ આક્રમક બનશે એ ધારણાએ મંગળવારે ડૉલર ૧.૪ ટકા ઊછળ્યો હતો જે છેલ્લાં ચાર સેશનમાં બે ટકા કરતાં વધુ ઘટ્યો હતો. ડૉલરના સુધારાની સૌથી મોટી અસર જૅપનીઝ યેન પર પડી હતી. જૅપનીઝ યેનનું મૂલ્ય ડૉલર સામે ઘટીને ૨૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જૅપનીઝ યેન ૨૦૨૨માં અત્યાર સુધીમાં ડૉલર સામે ૨૫ ટકા તૂટ્યો છે. બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય ડૉલર સામે ૩૭ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. યુરો અને ઑસ્ટ્રેલિયન ડૉલર પણ ઘટ્યા હતા. ઑસ્ટ્રેલિયન ડૉલર ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકન ફેડના આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાની ઇકૉનૉમિક ગ્રોથ પર મોટી અસર પડી રહી છે. અમેરિકાની બજેટ ડેફિસિટ ઑગસ્ટમાં ૨૯ ટકા વધીને ૨૨૦ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૭૧ અબજ ડૉલર હતી. માર્કેટની ધારણા ઑગસ્ટમાં બજેટ ડેફિસિટ ૨૧૪ અબજ ડૉલર રહેવાની હતી. જોકે ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષના ૧૧ મહિનામાં અમેરિકાની બજેટ ડેફિસિટ ૬૫ ટકા ઘટીને ૯૪૬ અબજ ડૉલર રહી હતી.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને ૪૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑગસ્ટમાં ૩૮.૧ પૉઇન્ટ હતો. ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ વધ્યો હોવા છતાં પણ સતત ૧૩ મહિને આ ઇન્ડેક્સ નેગેટિવ ટેરિટરીમાં હતો. અમેરિકાનો છ મહિનાના ઇકૉનૉમિક આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૨૧.૨ ટકા વધીને સપ્ટેમ્બરમાં ૩૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑગસ્ટમાં ૩૨.૬ પૉઇન્ટ હતો. હાઉસહોલ્ડ ફાઇનૅન્શિયલ આઉટલુક પણ ૧૧.૮ ટકા વધીને બાવન પૉઇન્ટે પહોંચ્યું હતું, જ્યારે ઇકૉનૉમિક પૉલિસીના સપોર્ટને બતાવતો ઇન્ડેક્સ ૨૧ ટકા વધીને ૪૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ૩૨ ટકા અમેરિકન પબ્લિકને ઇકૉનૉમી ઇમ્પ્રુવ થવાની આશા તારણ સપ્ટેમ્બરમાં આવ્યું હતું, ઑગસ્ટમાં માત્ર ૨૧ ટકા જ અમેરિકન પબ્લિકને ઇકૉનૉમી ઇમ્પ્રુવ થવાની આશા હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.