રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમુના લેવા તૂટી પડતું તંત્ર : 15 સેમ્પલ લેવાયા
રાજય સરકારના ફૂડ વિભાગ દ્વારા હાલ ફૂડ સેફટી પખવાડીયાની ઉજવણી થઇ રહી છે ત્યારે મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમુના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્ટોર અને દુકાનો, માર્કેટ યાર્ડમાંથી સીંગતેલ, કપાસીયા તેલ, તલ તેલ, રાયડા સહિત 15 તેલના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
નવી મગફળીની આવક બાદ હવે તેલની સિઝન શરૂ થવાની છે તે પૂર્વે સરકારે સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ શહેર અને જિલ્લામાં આ ફૂડ સેફટી ડ્રાઇવ શરૂ કરાવી છે. રાજકોટમાં જથ્થાબંધ વિક્રેતાથી માંડી રિલાયન્સ મોલ સહિતની જગ્યાએથી નમુના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગે આપેલી માહિતી મુજબ યુનિ. રોડ પર 1-જલારામ પ્લોટ કોર્નરમાં આવેલ ભાવેશ એજન્સીમાંથી રાણી ગોલ્ડ ફિલ્ટર અને ગુલાબ ગોલ્ડ ફિલ્ટર સીંગતેલના નમુના લેવાયા હતા. 150 ફુટ રોડ પર રિલાયન્સ રીટેલર લી., રિલાયન્સ માર્કેટમાંથી કોર્નડ્રોપ મકાઇ તેલ, ગુડલાઇફ સીંગતેલ, સીગા એકસ્ટ્રા વર્જીન ઓલીવ ઓઇલ અને રાઇસ બ્રાન્ડ સિંગતેલના પાઉચના સેમ્પલ લેવાયા હતા.
રાજનગર ચોક આગળ પંચવટી સોસાયટી પાસે આવેલ ગોલ્ડન સુપર માર્કેટ-3માંથી સપ્તશકિત તલ તેલ અને એટીલ સીસમ તેલનું સેમ્પલ લેવાયું હતું. કરણ પાર્ક, વિદ્યુતનગર મેઇન રોડ પર આવેલ દેવ જનરલ સ્ટોરમાંથી ઉમા પુત્ર તલ તેલના બે નમુના અને ન્યુટ્રેલા કાચી ઘાણી મસ્ટર્ડ તેલનો નમુનો લેવાયો હતો. નજીકમાં આવેલ ગીરીરાજ શોપીંગ સેન્ટરમાંથી અપ્પુ કાચી ઘાણી મસ્ટર્ડ ઓઇલનું સેમ્પલીંગ કરવામાં આવ્યું હતું.
જુના માર્કેટ યાર્ડમાં આવેલ સ્વસ્તિ એન્ટરપ્રાઇઝ શોપમાંથી શ્રી ગીતા અલ્ટ્રા લાઇટ રીફાઇન્ડ કપાસીયા તેલનો નમુનો લેવાયો હતો. પેડક રોડ ગાંધી સ્મૃતિ-1, શેરી નં. 3માં આવેલ ચામુંડા પ્રોવીઝન સ્ટોરમાંથી પાયલ શુધ્ધ સીંગતેલ અને કાકા કપાસીયા તેલના બે નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ રીતે પેકડ ખાદ્ય તેલની ગુણવત્તા ચકાસવા સરકારે ચેકીંગ ડ્રાઇવ શરૂ કરાવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.