ભીસ્તીવાડના નામચીન હકુભાએ યુવતિને માર મારી કહ્યું-હું પોલીસનો’ય બાપ છું: યુવતિ ફિનાઇલ પી ગઇ
ભીસ્તીવાડના નામચીનની છાપ ધરાવતાં અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા અબ્દુલ ઉર્ફ હકુભાએ ફરી એક વખત ડખ્ખો કર્યો છે. પારેવડી ચોક પાસે ખોડિયારપરામાં રહેતાં પોતાના મિત્રની ૧૯ વર્ષની દિકરીને ગાળો દઇ માર મારી ‘પોલીસ મારું કઇં બગાડી ન શકે, હું પોલીસનો બાપ છું' તેમ કહી ધમાલ મચાવતાં યુવતિએ ગભરાઇને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ યુવતિના પિતાને હકુભા દારૂ પીવડાવતો હોઇ યુવતિએ આવું કરવાની ના પાડતાં આ માથાકુટ થઇ હતી. યુવતિ ફિનાઇલ પી જતાં હકુભાએ પણ એક શખ્સ સાથે મળી ફિનાઇલ પીવાનું નાટક કર્યુ હતું અને એ બંને પણ સારવાર માટે દાખલ થઇ ગયા હતાં!
વિગત એવી છે કે પારેવડી ચોક પાસે ખોડિયારપરા-૧માં અજુબેન ભરવાડના મકાનમાં ભાડેથી રહેતી પાયલ ભાવેશભાઇ સુરતી (દરજી) (ઉ.વ.૧૮) સાંજે ફિનાઇલ પી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનમાં જાણ કરવામાં આવતાં પોલીસે હોસ્પિટલે પહોંચી પાયલ પાસેથી વિગતો જાણ્યા બાદ તેની ફરિયાદ પરથી ભીસ્તીવાડના નામચીન હકુભા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.
પાયલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પિતા સાથે રહુ છું અને એક ભાઇથી મોટી છું. મારા પિતા ભાવેશભાઇ ઘડીયાળના કારખાનામાં કામ કરે છે. એકાદ મહિનાથી ભીસ્તીવાડના મુસ્લિમ શખ્સ કે જે હકુભાના નામે ઓળખાય છે તે મારા પિતા ભાવેશભાઇના મિત્ર હોઇ જેથી મારા પિતા અને આ હકુભા સાથે દારૂ પીતા હતાં. હકુભાને રોજેરોજ દારૂ પીવાની ટેવ હોઇ અને અવાર-નવાર મારા ભાડાાની મકાનની બાજુમાં ખાલી મકાન હોઇ ત્યાં પીવા આવતાં હોઇ જેથી મેં હકુભાને ઘણીવાર સમજાવેલ કે મારા પિતાને તમે દારૂ પીવાના રવાડે ન ચડાવતાં આ કારણે હકુભાને ગુસ્સો ચડયો હતો.
શુક્રવારે ૧૪મીએ સાંજે સાતેક વાગ્યે હું ઘરમાં રસોઇ બનાવી રહી હતી ત્યારે હકુભાએ ઘરની ડેલી ખખડાવી મને બહાર બોલાવી જાહેરમાં ભુંડાબોલી ગાળો ભાંડી હતી અને ‘પોલીસ મારું કંઇ બગાડી નહિ શકે હું પોલીસનો બાપ છું' તેમ કહી મને ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં તે ભાગી ગયો હતો.
આથી મને માઠુ લાગી જતાં મેં ઘરમાં જઇને રૂમ સાફ કરવા માટે રાખેલી ફિનાઇલ માંથી બે-ત્રણ ઢાંકણા પી લીધી હતી. એ દરમિયાન મારા પિતા અને નાનો ભાઇ આવી જતાં મને રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. હકુભાએ મને મારકુટ કરી ગાળો દેતાં હું ફિનાઇલ પી ગઇ હતી. તેમ વધુમાં પાયલે જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજી તરફ પાયલ ફિનાઇલ પી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાની ખબર પડતાં જ હકુભા ઉર્ફ અબ્દુલ અકબરભાઇ ખીયાણી (ઉ.૬૫) તથા તેની સાથેનો શબ્બીર દાઉદભાઇ શેખ (ઉ.૪૩) પણ થોડી મિનીટો બાદ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં પહોંચ્યા હતાં અને પોતે સાંજે આઠેક વાગ્યે પારેવડી ચોક ખોડિયારપરા-૭માં જુમમાભાઇના ઘર નજીક બંને ફિનાઇલ પી ગયાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં બી-ડિવીઝનમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.
જો કે પોલીસ હકુભા અને શબ્બીરનું નિવેદન નોંધે એ પહેલા બંને હોસ્પિટલમાંથી જતાં રહ્યા હતાં. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હકુભા વિરૂધ્ધ ગુનો નોંધાયો હોઇ તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસના કહેવા મુજબ ભીસ્તીવાડના હકુભાનો પુત્ર એઝાઝ સહિતની ટોળકી વિરૂધધ અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધાયો હોઇ એ બધા જેલહવાલે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.