દબાણ હટાવ પુરજોશમાં: લારી-કેબીન-ટેબલો જપ્ત
લોકોને શિયાળાની સીઝનમાં વહેલી સવારે વોકીંગમાં સરળતા રહે તે માટે રાજમાર્ગો-ફુટપાથ-સર્વિસ રોડ ઉપરથી રેકડી, કેબીનો તથા પાથરણાવાળાઓને દુર કરવાની ઝુંબેશ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.
શરીર સૌષ્ઠવ માટે શિયાળુની ઋતુ શ્રેષ્ઠ ગણાય છે. આ સીઝનમાં લોકો વિવિધ જાતના પાક, દેશી ઓષડીયાનું સેવન કરવાની સાથે કસરત-વોકિંગ પણ કરે છે. જે માટે શહેરનો રેસકોર્ષ રિંગ રોડ, વિવિધ વોર્ડના ગાર્ડનો તથા રાજમાર્ગો ઉપર વહેલી સવારથી લોકો ચાલવા નિકળે છે.
લોકો સવારે રાજમાર્ગો, સર્વિસ રોડ, ફુટપાથ ઉપર સહેલાયથી કોઇ અડચણ વિના પાકિંગ કરી શકે તે માટે દબાણો હટાવવા આ અંગે મેયર ડો. પ્રદિપ ડવે મનપા તંત્રને બે દિવસ પહેલા જ સુચના આપી દબાણ હટાવ ડ્રાઇવ ફરી શરૂ કરવા સ્ટાફને રૂબરૂ બોલાવી તાકીદ પણ કરી હતી.
શિયાળામાં મોર્નીંગ વોકર્સની સંખ્યા વધુ હોવાથી ફુટપાથ ઉપરથી દબાણ હટાવ્યા બાદ ફરી દબાણ ન થાય અને દબાણમુકત જ રહે તે પણ ખાસ સુચના આપી હતી. ઉપરાંત રાજમાર્ગો, ફુટપાથ, સર્વિસ રોડ સહિતના સ્થળો ઉપરથી રેકડી, કેબીનો, પાથરણાવાળાઓ સામે કાર્યવાહીના નિર્દેશ અપાતા જ કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી.
ઉપરાંત શહેરના જે વિસ્તારોમાંથી દબાણ અંગેની ફરીયાદો આવી હોય ત્યાં પ્રાયોરીટીના ધોરણે કામગીરી કરવાની સુચના પણ આપવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર ઉભેલ લારી/કેબીન માટેની ઝુંબેશ કરેલ જે નાયબ કમિશનર એ.આર.સિંહનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ દબાણ હટાવ શાખાના અધિકારી એન્ક્રોચમેન્ટ ઓફિસર કેપ્ટન બારીયા અને તેમની ટીમ દ્વારા વિવિધ ધંધાર્થીઓની જાહેર માર્ગો પર અડચણરૂપ લારી/કેબીન, ટેબલ અને અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરેલ છે. મહાનગરપાલિકાની આ ટીમ દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ જેવા કે, લક્ષ્મીનગરના નાલા પાસે, ફુલછાબ ચોક, આનંદ બંગલા ચોક અને રૈયા રોડ પરથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ રૂ. ૨૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.