ઉ.ગુ.માં 24 કલાક દરમિયાન 20 તાલુકામાં હળવા ઝાપટાં : 13માં હાથતાળી - At This Time

ઉ.ગુ.માં 24 કલાક દરમિયાન 20 તાલુકામાં હળવા ઝાપટાં : 13માં હાથતાળી


મહેસાણા,
તા.17ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં છેલ્લાં ૩ દિવસથી ઝરમર વરસાદ
વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ૨૦ તાલુકામાં હળવા ઝાપટાં પડયા હતા.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ત્રણેય જિલ્લાના ૨૦ તાલુકામાં હળવો વરસાદ થયો હતો. જ્યારે
૧૩ તાલુકામાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. મહેસાણા જિલ્લાના જોટાણામાં સૌથી વધુ બે
ઈંચ, સરસ્વતી, કડી અને
ચાણસ્મામાં અડધો ઈંચ અને ૧૪ તાલુકામાં ૧ થી ૮ મીમી વરસાદ નોંધાયો હતો.ઉત્તર ગુજરાતમાં વરસાદ જાણે કે વિરામ લઈ રહ્યો હોય તેમ છૂટા
છવાયા ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પાટણ જિલ્લાના ૯ તાલુકા પૈકી
૪ માં વરસાદ થયો હતો અને પાંચ કોરાધાકોર રહ્યા હતા. મહેસાણા જિલ્લાના ૧૦ તાલુકા
પૈકી ૭ માં વરસાદ વરસીને ૩ તાલુકામાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. જ્યારે બનાસકાંઠા
જિલ્લામાં ૧૪ તાલુકા પૈકી ૯ તાલુકામાં હળવો વરસાદ થયો હતો. જ્યારે પાંચ તાલુકામાં
વરસાદે વિરામ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોટાણામાં બે ઈંચ અને સૌથી ઓછો
પાટણ, દાંતા, પાલનપુર, લાખણી અને
વડગામમાં ૧ મીમી વરસાદ થયો હતો. સરસ્વતી,
કડી અને ચાણસ્મામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠામાં 71 ટકા વધુ , મહેસાણામાં 14 ટકા ઓછો વરસાદ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદનુ એનાલીસીસ કરવામાં આવે
તો ગત વર્ષે ૧ જૂન ૨૦૨૧ થી ૧૭ જુલાઈ ૨૦૨૧ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ
૨૭૩.૮ મીમી વરસાદ થતો હોય છે. તેની તુલનાએ ચાલુ વર્ષે ૧ જૂનથી ૧૭ જુલાઈ સુધીમાં
૪૬૯.૧ મીમી વરસાદ થયો છે. એટલે કે ગત વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ૭૧ ટકા વધુ વરસાદ
થયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૬૧.૫ મીમી વરસાદની સામે ચાલુ વર્ષે
૧૮૭.૨ મીમી વરસાદ થતાં ૧૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં
અત્યાર સુધીમાં સરેરાશ ૨૧૯.૭ મીમી વરસાદની તુલનાએ ૧૮૯.૩ મીમી વરસાદ થતાં ૧૪ ટકા
ઓછો વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.