શું 10 દિવસમાં રેપિસ્ટ ફાંસીએ લટકશે?:દુષ્કર્મીઓને આજીવન કેદની સજા તો પહેલેથી જ હતી, તો BNS કરતા મમતા સરકારનું બિલ કઈ રીતે અલગ? 7 પોઈન્ટમાં સમજો - At This Time

શું 10 દિવસમાં રેપિસ્ટ ફાંસીએ લટકશે?:દુષ્કર્મીઓને આજીવન કેદની સજા તો પહેલેથી જ હતી, તો BNS કરતા મમતા સરકારનું બિલ કઈ રીતે અલગ? 7 પોઈન્ટમાં સમજો


કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને પછી હત્યાની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવું એન્ટી રેપ બિલ જાહેર કર્યું છે. આ બિલમાં રેપ સાથે જોડાયેલાં કાયદાને વધુ કડક કરવામાં આવ્યા છે. મમતા સરકારનું નવું બિલ ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા (BNSS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ એક્ટ(POCSO)માં સુધારા કરે છે. 'અપરાજિતા વીમન એન્ટ ચાઇલ્ડ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ) બિલ 2024'ના નામથી આવેલું આ બિલ જો કાયદો બને છે તો આ આખા બંગાળમાં લાગુ થઈ જશે. આ સુધારા દ્વારા મહિલાઓ અને બાળકો સામેના તમામ જાતીય અપરાધોને કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે. એટલે કે આવા ગુનાઓમાં પોલીસ કોઈપણ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકે છે અને તેને જામીન મળવા મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં આ બિલમાં તમામ જાતીય અપરાધોમાં મૃત્યુદંડની જોગવાઈ છે. જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં બળાત્કાર સંબંધિત તમામ ગુનાઓમાં મૃત્યુદંડની જોગવાઈ નથી. બિલમાં શું-શું છે દરખાસ્તો છે?
મમતા સરકારના નવા બિલમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની થોડી તે ધારાઓમાં સુધારાનો પ્રસ્તાવ છે, જે મહિલા ગુનેગારો માટે સજાની જોગવાઈ કરે છે. તેમાં કલમ 64, 66, 68, 70, 71, 72, 73 અને 124માં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સિવાય, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 193 અને 346માં સુધારાનો પ્રસ્તાવ છે, જ્યારે પોક્સો એક્ટની કલમ 4, 6, 8, 10 અને 35માં સંશોધનનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. BNSથી કઈ રીતે અલગ છે મમતા સરકારનું બિલ? 1. દુષ્કર્મની સજા
BNSમાં શું છે? કલમ 64માં દુષ્કર્મની સજાની જોગવાઈ છે. તેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે, જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે. તેમાં આજીવનનો અર્થ દોષી જ્યાં સુધી જીવિત રહેશે, ત્યાં સુધી જેલમાં જ રહેશે. દંડની જોગવાઈ પણ છે. બંગાળ સરકારનું બિલ શું છે? આજીવન કેદની જોગવાઈ છે. આવા કેસમાં કોર્ટ દોષિતને આજીવન જેલની સજા પણ સંભળાવી શકે છે. ફાંસીની સજા અને દંડની જોગવાઈ પણ છે. 2. રેપ પછી મર્ડરની સજા
BNSમાં શું છે? કલમ 66 હેઠળ, જો રેપ પછી પીડિતાનું મોત થઈ જાય છે અથવા તે કોમા જેવી સ્થિતિમાં પહોંચી જાય છે તો ઓછામાં ઓછી 20 વર્ષની જેલની સજાની જોગવાઈ છે, જેને ઉંમરકેદ સુધી વધારી શકાય છે. મોતની સજાની પણ જોગવાઈ છે. બંગાળ સરકારનું બિલ શું છે? આવા મામલાઓમાં દોષિતને મૃત્યુની સજા ફટકારવામાં આવશે. દંડની પણ જોગવાઈ છે. 3. ગેંગરેપ પર સજા
BNSમાં શું છે? કલમ 70(1) જણાવે છે કે જો કોઈ મહિલા સાથે ગેંગરેપ થાય છે તો બધા દોષિતોને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થશે, જેને આજીવન કારાવાસ સુધી વધારી શકાય છે. જો પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી છે તો બધા જ દોષિતોને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે. બધા જ દોષિતોને ફાંસીની સજા પણ થઈ શકે છે. બંગાળ સરકારનું બિલ શું છે? ગેંગરેપના મામલે બધા દોષિતોને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે. તેમાં પણ આજીવનનો અર્થ હશે કે દોષિત જીવિત રહેતા જેલની બહાર આવી શકશે નહીં. મૃત્યુની સજાની જોગવાઈ પણ છે. દંડ પણ ફટકારવામાં આવશે. 4. સતત ગુનો કરનારને સજા
BNSમાં શું છે?કલમ 71 પ્રમાણે, જો કોઈ વ્યક્તિ સતત રેપનો દોષી મળી આવે છે તો તેને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે. મૃત્યુની સજા પણ ફટકારવામાં આવી શકે છે. દંડ પણ લાગશે. બંગાળ સરકારનું બિલ શું છે? આવા મામલાઓમાં દોષિત વ્યક્તિએ આજીવન કેદમાં જ રહેવું પડશે. તેને મૃત્યુની સજા પણ ફટકારવામાં આવી શકે છે. દંડની જોગવાઈ પણ છે. 5. પીડિતની ઓળખ ઉજાગર થાય તો સજા
BNSમાં શું છે? જો કોઈપણ વ્યક્તિ રેપ કે ગેંગરેપની પીડિતાની ઓળખ ઉજાગર કરે છે તો દોષિત સાબિત થવા પર 2 વર્ષની જેલ અને દંડની સજાની જોગવાઈ કલમ 72(1)માં કરવામાં આવી છે. બંગાળ સરકારનું બિલ શું છે? આવા મામલાઓમા દોષિ સાબિત થવા પર 3 થી 5 વર્ષની સજાની જોગવાઈ છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવશે. 6. કોર્ટ સાથે જોડાયેલી કાર્યવાહી પબ્લિશ કરે તો સજાૉ
BNSમાં શું છે? આવા મામલાઓમાં મંજૂરી વિના કોર્ટ સાથે જોડાયેલી કાર્યવાહી પલ્બિશ થવા પર 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાથે જ, દંડની પણ ફટકારવામાં આવશે. કલમ 73માં તેની જોગવાઈ છે. બંગાળ સરકારનું બિલ શું છે? આવું કરવાથી 3 થી 5 વર્ષની જેલ અને દંડની સજાની જોગવાઈ છે. 7. એસિડ એટેક પર
BNSમાં શું છે? કલમ 124(1) હેઠળ જો કોઈ વ્યક્તિ એસિડ એટેક કરે ઠે અને દોષિત સાબિત થાય છે તો તેને ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે, જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે. ત્યાં જ, કલમ 124 (2) હેઠળ, એસિડ એટેકના દોષિત સાબિત થવા પર 5 થી 7 વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે. બંને જ કેસમાં દંડ ફટકારી શકાય છે. બંગાળ સરકારનું બિલ શું છે? બંને કલમોમાં સુધારાનો પ્રસ્તાવ છે, જેના હેઠળ દોષિત વ્યક્તિ માટે આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે. આવા કેસમાં પણ આજીવન કેદનો અર્થ એવો છે કે ગુનેગાર જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી તેણે જેલમાં જ રહેવું પડશે. દંડની પણ જોગવાઈ છે. સગીર પર બળાત્કાર કરનારને શું સજા?
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 65(1), 65(2) અને 70(2) સગીર સાથે બળાત્કાર અને ગેંગરેપના ગુનાઓ માટે સજાની જોગવાઈ કરે છે. કલમ 65(1) 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર માટે સજાની જોગવાઈ કરે છે. જો આવા કેસમાં દોષી સાબિત થાય તો ઓછામાં ઓછી 20 વર્ષની જેલની જોગવાઈ છે, જે આજીવન કેદ સુધી વધારી શકાય છે. તે જ સમયે, કલમ 65(2) હેઠળ, જો કોઈ વ્યક્તિ 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કારનો દોષી સાબિત થાય છે, તો તેને ઓછામાં ઓછી 20 વર્ષની જેલની સજા થશે, જે આજીવન કેદ સુધી વધારી શકાય છે. આવા કિસ્સામાં મૃત્યુદંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. BNSની કલમ 70(2) 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સામૂહિક બળાત્કાર માટે સજાની જોગવાઈ કરે છે. જો આવા કેસમાં દોષી સાબિત થાય તો આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ છે. બંગાળ સરકારના બિલમાં આ ત્રણ કલમો હટાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેના બદલે બળાત્કારના તમામ ગુનેગારો માટે સમાન સજાની જોગવાઈ કરવામાં આવી છે. બાળકો સામેના જાતીય અપરાધો માટે શું બદલાશે?
મમતા સરકારના બિલમાં POCSO એક્ટ 2012ની કેટલીક કલમોમાં સુધારાનો પણ પ્રસ્તાવ છે. POCSO એક્ટની કલમ 4 હેઠળ, જો કોઈ વ્યક્તિ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે જાતીય અપરાધ કરે છે, તો તેને 20 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને જો તે 16 થી 18 વર્ષની વયના બાળક સાથે જાતીય અપરાધ કરે છે. તો તેને 10 વર્ષની જેલની સજા થશે. બંગાળ સરકારના બિલમાં આ બંને કેસમાં દોષિતોને આજીવન કેદની સજાની જોગવાઈ છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક પર પેનેટ્રેટિવ જાતીય હુમલો કરે છે, તો POCSO એક્ટની કલમ 6 હેઠળ દોષિત સાબિત થાય તો 20 વર્ષની જેલની સજા છે. જ્યારે બંગાળ સરકારના બિલમાં આવા ગુના માટે આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ છે. આ સિવાય બંગાળ સરકારના બિલમાં કહેવામાં આવ્યું છે કે બાળકો વિરુદ્ધ જાતીય અપરાધોના મામલામાં પોલીસે સાત દિવસની અંદર કોર્ટમાં પુરાવા રજૂ કરવા પડશે, જ્યારે કોર્ટે એક વર્ષની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની રહેશે. શું 10 દિવસમાં ફાંસીની સજા થશે?
બંગાળ સરકારના બિલમાં ગુનેગારને 10 દિવસમાં મોતની સજા આપવાનો ક્યાંય ઉલ્લેખ નથી. જોકે, આ બિલમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) માં સુધારાનો પ્રસ્તાવ છે, જેના કારણે પોલીસ તપાસ અને ટ્રાયલ પૂર્ણ કરવાની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. બંગાળ સરકારના બિલમાં કહેવામાં આવ્યું છે કે પહેલી માહિતી મળ્યા બાદ પોલીસે 21 દિવસની અંદર તેમની તપાસ પૂર્ણ કરવી પડશે. જો 21 દિવસમાં તપાસ પૂરી ન થાય તો કોર્ટ વધુ 15 દિવસનો સમય આપી શકે છે, પરંતુ આ માટે પોલીસે લેખિતમાં મોડું થવાનું કારણ જણાવવું પડશે. જ્યારે, BNSS પોલીસને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો સમય આપે છે. જો બે મહિનામાં તપાસ પૂરી નહીં થાય તો વધુ 21 દિવસનો સમય આપવામાં આવી શકે છે. આ સિવાય બંગાળ સરકારના બિલમાં એવી પણ જોગવાઈ છે કે મહિલાઓ અને બાળકો સાથે સંબંધિત અપરાધોના મામલામાં ચાર્જશીટ દાખલ થયાના એક મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાની રહેશે. જ્યારે, BNSSમાં બે મહિનાનો સમય છે. હવે આગળ શું?
હાલમાં મમતા સરકારે આ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે. જો આ બિલ વિધાનસભામાં પસાર થઈ જશે તો તેને રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ આ બિલ કાયદો બનશે. આ પણ વાંચો
રેપ દોષિતને 10 જ દિવસમાં ફાંસી:ભોગ બનનાર યુવતીનું મૃત્યુ થશે કે કોમામાં જશે તો ગુનેગારને લટકાવી દેવાશે, બંગાળમાં એન્ટિ રેપ બિલ પાસ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મંગળવારે એન્ટી રેપ બિલ પસાર કરવામાં આવ્યું છે. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર દોષીતને ફાંસી આપવામાં આવશે. હવે તેને રાજ્યપાલને મોકલવામાં આવશે. તેમની સહી બાદ તે કાયદો બની જશે. સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.