વિંછીયાના વાંગધ્રા ગામના બસસ્ટેન્ડ સામે જ સાયકલ સવાર ધોરણ-10 ની વિદ્યાર્થીનીને લકઝરી બસના ચાલકે હડફેટે લીધી
વિંછીયાના વાંગધ્રા ગામના બસસ્ટેન્ડ સામે જ સાયકલ સવાર ધોરણ-10 ની વિદ્યાર્થીનીને લકઝરી બસના ચાલકે હડફેટે લીધી, બસનો ચાલક બસને રેઢી મૂકી નાસી ગયો, વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં આટકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઈ.
- બસના ચાલકે અકસ્માત સર્જી નાસી જવાનો પ્રયાસ કર્યો, પણ અન્ય લોકો આડા ઉભા રહી ગયા ને બસને રોકી દીધી.
- આજુબાજુના ગામ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા’ને વિંછીયા-બોટાદ હાઈવે રોડ બંધ કર્યો, ટ્રાફિકજામ થતા વિંછીયા અને પાળીયાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો
વિંછીયા તાલુકાના પીપરડી ગામે રહેતી અને વાંગધ્રા ગામે આવેલ ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ-10 માં અભ્યાસ કરતી શીતલ દિનેશભાઈ કાગડીયા નામની વિદ્યાર્થીની શાળાએથી સાયકલ લઈને પોતાના ઘરે જવા નીકળી હતી. ત્યારે આ વિદ્યાર્થીની વાંગધ્રા ગામના બસસ્ટેન્ડ પાસે પહોંચી હતી અને રોડ પસાર કરતી હતી. ત્યારે વિંછીયા સાઈડથી સુરત તરફ મુસાફરો ભરીને જતી શ્રી દત્ત કૃપા લકઝરી બસ નં.GJ-32T-9898 ના ચાલકે આ વિદ્યાર્થીનીને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સાયકલનું પડીકું વાળી દીધું હતું. જો કે આ અકસ્માત સર્જી બસના ચાલકે નાસી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ અન્ય લોકો તે બસની આડા ઉભા રહી જતા ચાલક મુસાફરોને ભગવાન ભરોસે રસ્તામાં છોડી બસ રેઢી મુકીને નાસી ગયો હતો. આ બનાવના પગલે વાંગધ્રા સહિતના આજુબાજુના ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવી વિંછીયા-બોટાદ હાઈવે પર પથ્થરો અને બાવળો ગોઠવી રોડ બંધ કરી દીધો હતો. જેના કારણે હાઈવે રોડ પર દૂર-દૂર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતા વિંછીયા અને પાળીયાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને પ્રથમ વિંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. આ તકે ગ્રામજનોએ માંગ કરી હતી કે, જ્યાં સુધી આ વિદ્યાર્થીનીને ન્યાય નહી મળે અને બસના ચાલકને પકડી પાડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સાથોસાથ તાત્કાલિક અકસ્માત સ્થળે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી. જેથી સ્થળ પર હાજર પોલીસ જવાનોએ અકસ્માત સ્થળે તાત્કાલિક હંગામી ધોરણે સ્પીડ બ્રેકર બનાવી આપવાની સમજાવટ કરી અકસ્માત સર્જનારા બસના ચાલક સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. બાદમાં પોલીસે રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિકજામ હટાવી વાહનવ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો. આ તકે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વાંગધ્રા ગામનું બસસ્ટેન્ડ વિંછીયા-બોટાદ હાઈવે રોડ પર આવેલું હોવાથી અવારનવાર આ જગ્યા પર અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેથી તંત્ર દ્વારા કાયમી ધોરણે આ બસસ્ટેન્ડ નજીક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
નરૅશ ચૉહલીયા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.