લેબનોન પેજર બ્લાસ્ટમાં ભારતીય મૂળના યુવકનું નામ ખૂલ્યું!:વિસ્ફોટોનું આશ્ચર્યજનક કેરળ કનેક્શન સામે આવ્યું; રિન્સન જોસની કંપની પર પેજર સપ્લાયની શંકા - At This Time

લેબનોન પેજર બ્લાસ્ટમાં ભારતીય મૂળના યુવકનું નામ ખૂલ્યું!:વિસ્ફોટોનું આશ્ચર્યજનક કેરળ કનેક્શન સામે આવ્યું; રિન્સન જોસની કંપની પર પેજર સપ્લાયની શંકા


લેબેનાનમાં હજારો પેજર્સ વિસ્ફોટ થતાં લગભગ 20 લોકો મૃત્યુ પામ્યા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા, જેમાંથી મોટા ભાગના હિઝબુલ્લાહ સાથે જોડાયેલા લોકો હોવાનું કહેવાય છે. આખી દુનિયામાં ચર્ચા છે કે પેજર કઈ કંપનીથી હિઝબુલ્લાહ સુધી પહોંચ્યાં હતા. આ બધાની વચ્ચે આ વિસ્ફોટોનું એક આશ્ચર્યજનક કેરળ કનેક્શન પણ સામે આવ્યું છે. હકીકતમાં હિઝબુલ્લાહે આ વિસ્ફોટો માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે. ઈઝરાયલે હજુ સુધી આની સીધી જવાબદારી લીધી નથી. વિસ્ફોટો પછી વિશ્વ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઈઝરાયલની જાસૂસી એજન્સીઓ પેજરથી કેવી રીતે વિસ્ફોટો કરે છે. આશ્ચર્યની વાત એ છે કે કંપનીઓ અને શેલ ફર્મ્સની વેબમાં કેરળમાં જન્મેલી એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે, જે હવે નોર્વેનો નાગરિક છે. નોર્ટા ગ્લોબલ કંપની કેરળનો રહેવાસી રેન્સન જોસની છે
હંગેરિયન મીડિયા આઉટલેટ ટેલેક્સે અહેવાલ આપ્યો છે કે લેબેનાનમાં મંગળવારે થયેલા પેજર બ્લાસ્ટના સંબંધમાં મલયાલી અને હવે નોર્વેના નાગરિક રેન્સન જોસની સંડોવણીની તપાસ થઈ રહી છે. ટેલેક્સના જણાવ્યા અનુસાર, પેજર ડીલ પાછળ બલ્ગેરિયન કંપની નોર્ટા ગ્લોબલ લિમિટેડનો હાથ હતો. નોર્ટા ગ્લોબલની સ્થાપના નોર્વેના નાગરિક રિન્સન જોસે કરી હતી. તે મૂળ મનનથાવડી, વાયનાડ, કેરળનો છે. કેરળના કેટલાક મીડિયા આઉટલેટ્સે શુક્રવારે અહેવાલ આપ્યો કે રિન્સન જોસનો જન્મ વાયનાડમાં થયો હતો અને એમબીએ પૂરું કર્યા પછી નોર્વે જતો રહ્યો હતો. કેટલીક સ્થાનિક ટીવી ચેનલોએ તેના સંબંધીઓ સાથે પણ વાત કરી હતી. રિન્સનના પિતા દરજી છે
મનોરમા ઓનલાઈન રિપોર્ટ અનુસાર, રિન્સનના પિતા જોસ મૂથેડમ એક દરજી છે અને માનંતવાડીમાં દરજીની દુકાનમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે એ વિસ્તારમાં 'ટેલર જોસ' તરીકે ઓળખાય છે. બલ્ગેરિયન સુરક્ષા એજન્સી SANSએ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે રિન્સન જોસ અને તેના નોર્ટા ગ્લોબલને મંજૂરી આપવામાં આવી હોય એવું કોઈ શિપમેન્ટ દેશમાંથી પસાર થયું નથી. રિન્સન કોણ છે?
બલ્ગેરિયાની નેશનલ સિક્યોરિટી એજન્સીએ રિન્સન જોસને ક્લીનચિટ આપી એ પહેલાં જ ભારતમાં ખાસ કરીને તેના ગૃહ રાજ્ય કેરળમાં તેની ચર્ચા થઈ રહી છે. રિન્સનના પિતરાઈ ભાઈ અજુ જ્હોને મનોરમા ઓનલાઈનને જણાવ્યું હતું કે "તેણે મને ક્યારેય બલ્ગેરિયામાં તેની કોઈ કંપની કે ત્યાંના તેના કોઈપણ વ્યવસાય સંબંધો વિશે જણાવ્યું નથી. અમે ખૂબ જ ચિંતિત છીએ, કારણ કે તે આતંકવાદી સંગઠનો પરના હુમલાઓ સાથે જોડાયેલો છે." સ્થાનિક મીડિયાએ પણ અહેવાલ આપ્યો છે કે રિન્સનનો એક જોડિયા ભાઈ છે, જિન્સન, જે યુકેમાં છે અને એક બહેન આયર્લેન્ડમાં છે. રિન્સન ગયા વર્ષે નવેમ્બરમાં ભારત આવ્યો હતો અને જાન્યુઆરીમાં પાછો ગયો હોવાનું બહાર આવ્યું હતું. તેના કાકા થનકાચને મનોરમા ઓનલાઈનને જણાવ્યું હતું કે, "રિન્સન મેરી માથા કોલેજ, માનન્થવાડીમાંથી ગ્રેજ્યુએટ થયો છે. એમબીએ પૂર્ણ કરીને કેરટેકર તરીકે નોર્વે ગયો અને પછીથી કેટલીક બિઝનેસ ફર્મ્સમાં જોડાયો. અમને તેની નોકરી વિશે માહિતી મળી નથી કે તેના વ્યવસાય વિશે ખબર નથી." આ બધાની વચ્ચે એ જાણવું રસપ્રદ છે કે કેરળમાં જન્મેલી વ્યક્તિ એવા લોકોની યાદીમાં કેવી રીતે સામેલ થઈ ગઈ, જેમના વાયર કોઈપણ રીતે પેજર સાથે જોડાયેલા હોઈ શકે છે. હિઝબુલ્લાહના સભ્યોના ઉપયોગમાં લેવાતાં હજારો પેજર્સ વિસ્ફોટ થયાં પછી દરેકનું ધ્યાન પેજરઉત્પાદક કોણ છે એના પર ગયું. હંગેરિયન CEO, જે 7 ભાષા જાણે છે, તે શંકાના દાયરામાં અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાઈવાનની કંપની ગોલ્ડ એપોલોએ આ પેજર્સ બનાવ્યાં હતાં, પરંતુ ગોલ્ડ એપોલોએ આ વાતને નકારી કાઢી હતી. ગોલ્ડ એપોલોએ કહ્યું હતું કે તેની કંપનીનું નામ પેજર પર હોવા છતાં તેણે એ સપ્લાય કર્યાં નથી. ગોલ્ડ એપોલોએ કહ્યું હતું કે તે હંગેરિયન કંપની બીએસી કન્સલ્ટિંગ દ્વારા બનાવવામાં આવ્યાં હોઈ શકે છે. તેમનો BAC કન્સલ્ટિંગ સાથે કરાર છે. આ કંપનીનું મુખ્યાલય રાજધાની બુડાપેસ્ટમાં છે. ત્યાર બાદ હંગેરિયન મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે BAC કન્સલ્ટિંગ આ વ્યવહારમાં માત્ર મધ્યસ્થી હતી. BAC કન્સલ્ટિંગ કાર્યરત નથી, તેની પાસે ઓફિસ પણ નથી. BAC કન્સલ્ટિંગના સીઇઓ ક્રિસ્ટિયાના બારસોનીએ જણાવ્યું હતું કે BAC કન્સલ્ટિંગ KFT ગોલ્ડ એપોલો સાથે કામ કરે છે, પરંતુ તેણે પેજર બનાવવાનો ઇનકાર કર્યો હતો. બારસોની 7 ભાષામાં અસ્ખલિત છે અને તેની પાસે પ્રેક્ટિકલ ફિઝિક્સમાં પીએચડી છે. કેવી રીતે રિન્સન જોસ તપાસ હેઠળ આવ્યો
ટેલેક્સના જણાવ્યા મુજબ, "જોકે કાગળ પર તે BAC કન્સલ્ટિંગ હતું, જેણે ગોલ્ડ એપોલો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, વાસ્તવિકતામાં નોર્ટા ગ્લોબલ સોદા પાછળ હતો." તે મધ્ય પૂર્વ-કેન્દ્રિત વેબસાઇટ ધ ક્રેડલ હતી, જેણે નોર્ટા ગ્લોબલને રિન્સન જોસ સાથે જોડ્યું હતું. ધ ક્રેડલના અહેવાલ મુજબ, નોર્ટા ગ્લોબલની સ્થાપના 2022માં નોર્વેના નાગરિક રિન્સન જોસે કરી હતી. તે બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં સ્થિત છે. બલ્ગેરિયાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (SANS)એ હાથ ધરેલી તપાસમાં રિન્સન જોસ અને તેના નોર્ટા ગ્લોબલને ક્લીનચિટ આપવામાં આવી હતી. લેબેનાનમાં હિઝબુલ્લાહે ઉપયોગમાં લેવાતાં પેજરનું ઉત્પાદન કોણે કર્યું એ હજુ સ્પષ્ટ નથી. કેરળમાં જન્મેલી વ્યક્તિ પણ કંપનીઓના જટિલ જાળામાં સ્કેનર હેઠળ આવી હતી. જોકે રાહતની વાત એ છે કે તે અને તેની કંપની ઘાતક વિસ્ફોટો સાથે જોડાયેલા હોવાના આરોપોમાંથી મુક્ત થઈ ગયાં છે.+


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.