રાજમોતી મીલ પાસે તાપણાની ઝાળે યુવાન દાઝયો
ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે રાત્રીના તાપણું કરવા માટે ઘરમાં સળગતુ તગારૂ રાખી યુવાન ઉંઘી ગયો હતો.દરમિયાન તાપણામાંથી તણખો પડતા ગાદલું સળગી ગયું હતું.જેથી યુવાન ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ સીતારામનગરમાં રહેતો મુકેશ મણીભાઇ લોલારીયા(ઉ.વ 35) નામનો યુવાન દાઝી જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુવાનનું નીવેદન લેતા તેણે જણાવ્યુ હતું કે, રાત્રીના તે તાપણું કરવા માટે તગારામાં દેતવા રાખી આ તગારૂ ઘરમાં રાખ્યું હતું.દરમિયાન તે ઉંઘી જતા તણખો ગાદલાં પર પડતા ગાદલું સળગી જતા તે દાઝી ગયો હતો.યુવાન ચાર ભાઇના પરિવારમાં વચેટ છે.અને કચરો વીણી પોતાનુ ગુજરાન ચલાવે છે.અગાઉ તેના લગ્ન થયા હતાં હાલ છુટાછેડા થઇ ગયા છે.પિતા હૈયાત નથી માતા કંકુબેનનું પણ દશ દિવસ પૂર્વે જ અવસાન થયું હોવાનું માલુમ પડયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.