"નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા મુશાયરો યોજાયો - At This Time

“નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા મુશાયરો યોજાયો


"નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા મુશાયરો યોજાયો
●●●●●●●●
મુશાયરામાં ગુજરાતના ખ્યાતનામ કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી
●●●●●●●●
મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા.

પોરબંદરમાં નવ જેટલી કલાઓને મંચ પૂરું પાડવા "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો છે અને પ્રથમ કાર્યક્રમ સ્વરૂપે કવિ સંમેલન મુશાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટય, ચિત્ર, છબીકલા સહિત નવ જેટલી કલાઓને જીવંત રાખવા અને આ તમામ કલાના સર્જકો અને કલા રસિકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા પોરબંદરના સાહિત્ય પ્રેમીઓએ સાથે મળીને "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનનું નિર્માણ કર્યું છે. આ સંસ્થા દ્વારા આગામી સમયમાં દરેક કલા માટેના કાર્યક્રમો તથા નવોદિત કલા સર્જકો માટે વર્કશોપ પણ શરૂ કરવામાં આવશે.

■ મુશાયરાની મોજ માણી :
નવરંગ દ્વારા આયોજિત મુશાયરામાં ગુજરાતના ગૌરવ સમાન કવિઓ સર્વશ્રી હિમલ પંડ્યા ભાવનગર, મનોજ જોશી જામનગર, વિમલ અગ્રાવત રાજુલા અને અગન રાજ્યગુરૂ અમરેલીથી ખાસ ઉપસ્થિત રહી પોતાની રચનાઓ રજૂ કરી પોરબંદરના સાહિત્ય રસિકોને રસતરબોળ કરી દીધા હતા. ઘણા સમય પછી પોરબંદરમાં આવા સુંદર કવિ સંમેલનના આયોજનથી કલા સરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

■ મહાનુભાવોની ઉપસ્થિતિ:
નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના શુભારંભ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જાણીતા ઇતિહાસવિદ અને સાહિત્ય જગતનું ઘરેણું નરોત્તમ પલાણ, અતિથી વિશેષ ડો. સુરેશ ગાંધી તથા કવિ જ્યંત મોઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, હિરલબા જાડેજા, ડો. સુરેખાબેન શાહ આ ઉપરાંત જેસીઆઈ, લાયન્સ કલબ, રોટરી કલબ, ભારત વિકાસ પરિષદ, પાયોનિયર કલબ, નેચર કલબ, માહી ગૃપ, સ્વસ્તિક ગૃપ, મહેર સુપ્રીમ કાઉન્સિલ લિયો કલબ, જુદી જુદી શાળા કોલેજોના પ્રાધ્યાપકો અને શિક્ષકો તથા પોરબંદરના તમામ સાહિત્ય પ્રેમીઓ અને કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

■ મહાનુભાવોના પ્રવચનો :
નવરંગ સંસ્થાના શુભારંભે પ્રમુખ લાખણશી ગોરાણીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે સાહિત્ય અને દરેક કલાઓમાં પોરબંદરનો ભૂતકાળ ભવ્ય રહ્યો છે, ત્યારે કલા ક્ષેત્રમાં પોરબંદરના ઉજ્જવળ ભવિષ્ય માટે અને આપણી આવનારીને આપનો સાહિત્ય અને કલાનો ઉજળો વારસો આપવા માટે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા શરૂ કરવામાં આવી છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી પોરબંદરને એક કલા નગરી તરીકે પણ જાણીતી કરવા આહવાન કર્યું હતું.
નવરંગ સંસ્થાના સેક્રેટરી ડો. સ્નેહલ જોશીએ નવરંગ કલા પ્રતિષ્ઠાનની પૂર્વભૂમિકા રજૂ કરી અને આગામી સમયમાં આ સંસ્થા દ્વારા કેવા અને ક્યાં પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે તેની રૂપરેખા રજૂ કરી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત નરોત્તમ પલાણ અને અતિથિ વિશેષ ડો. સુરેશ ગાંધીએ નવરંગ સંસ્થા શરૂ થયાનો રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોરબંદરને સાહિત્ય અને કલા માટે એક સારી સંસ્થાની જરૂર હતી તે આજે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન શરૂ થતાં ખોટ પુરાઈ છે. આ ઉપરાંત નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની ટીમને અભિનંદન અને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં જ નવરંગ સંસ્થા ગુજરાતની એક જાણીતી સાહિત્ય અને કલા સંસ્થા તરીકે ઉભરી આવશે.

નવરંગ સંસ્થાના શુભારંભ અને આ કવિ સંમેલનને સફળ બનાવવા પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી ડો. સ્નેહલ જોશી, સંયોજક લાખણશી આગઠ તથા નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સ્નેહલ જોશી અને જય પંડ્યાએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.