વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સંવાદમાં જસદણના રામળિયાના લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા
છેવાડાના માણસોની ચિંતા કરતા વડાપ્રધાનશ્રી મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ પાંચ વર્ષ લંબાવી:" મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના રામળિયા ખાતે આજે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતગર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથેનો સંવાદ કાર્યક્રમ, રાજ્યના જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વડાપ્રધાનશ્રી મોદીએ દેશભરમાં વિવિધ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદમાં રામળિયા ગામના લાભાર્થીઓ, નાગરિકો પણ ઓનલાઇન જોડાયા હતા.
આ તકે ઉજ્જવલા ગેસ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લાભાર્થીઓને સરકારી સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રામળિયા ગામ પંચાયતને ૧૦૦ ટકા ખુલ્લામાં શૌચમુક્ત અને ઘન કચરા નિકાલ, ૧૦૦ ટકા નળથી જળ, ગામમાં પાત્રતા ધરાવતા ૧૦૦ ટકા ખેડૂતોને વાર્ષિક રૂ. ૬૦૦૦ પી.એમ. કિસાન સહાય, ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ તથા ૧૦૦ ટકા જનધન ખાતા વગેરે જેવી સરકારી યોજનાઓના સફળ અમલીકરણ બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરાયું હતું. ઉપરાંત સફળ મહિલા કારીગરો-ખેડૂત, રમતવીરો તથા કલાકારોનું સન્માન કરાયું હતું. આ અવસરે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો.
આ તકે જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, "દેશના છેવાડાના માનવી અને જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મળે તેની ચિંતા કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આ યાત્રા શરૂ કરાવી છે. ગરીબોની ચિંતા કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં શરૂ કરાવેલી એન.એફ.એસ.એ. કાર્ડધારકો માટેની ગરીબ કલ્યાણ અન્ન યોજના (વિનામૂલ્યે અન્ન વિતરણ યોજના) વધુ પાંચ વર્ષ માટે લંબાવી છે."
રાજકોટ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આગામી દિવસોમાં માથાદીઠ ૧૦૦ લીટર પાણી આપવા માટે ભાડલા જૂથ યોજના માટે ગુજરાત સરકારે રૂપિયા ૩૫ કરોડ મંજૂર કર્યા હોવાની જાહેરાત મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કરી હતી. અને ઉમેર્યું હતું કે, "અમરેલી, રાજકોટ, કચ્છ જિલ્લામાં આંતરિયાળ વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડવા સુધારણા યોજના પણ બનાવાઈ રહી છે."
'મેરી કહાની મેરી જુબાની' અંતર્ગત વિવિધ લાભાર્થીઓએ સરકારી યોજનાથી પોતાને થયેલા લાભો અને સરળતાથી મળેલી સહાયના ઉદાહરણ રજૂ કરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, "આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ સાથે સરકાર આપને દ્વાર આવી છે." અહીં બનાવાયેલા વિવિધ સ્ટોલ પરથી સરકારની વિવિધ લોકાભિમુખ યોજનાઓનો લાભ લેવા તેમણે લોકોને અપીલ કરી હતી.
આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રવિણાબેન રંગાણી, વિધાનસભાના નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ શુભેચ્છા સંદેશ વ્યકત કર્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ આભાર વિધિ કરી હતી.
આ તકે ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રી આર.એસ. ઠુંમર, જસદણના પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિભાગના અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિભાગનાશ્રી હિતેષ ગઢવીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.