16 વર્ષમાં 16 કલાકારોએ TMKOC છોડ્યું:હવે ‘ગોલી’ બનતા કુશ શાહે પણ ‘તારક મહેતા’ને અલવિદા કહ્યું, અડધાથી વધુ કલાકારો બદલાયા
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોલીનો રોલ નિભાવનાર કુશ શાહે 16 વર્ષ બાદ આ શોને અલવિદા કહી દીધું છે. થોડા મહિના પહેલાં કુશે શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. આ પહેલાં અનેક કલાકારોએ કોઈને કોઈ કારણોસર આ શોને અલવિદા કહી દીધું હતું. આવો જાણીએ કયા-કયા કલાકારોએ અત્યાર સુધી અલવિદા કહ્યું. અત્યાર સુધી કયા કલાકારોએ આ શો છોડ્યો તેના પર એક નજર… દિશા વાકાણી (દયાભાભી) દિશા વાકાણી આ શો શરૂ થયો ત્યારથી એટલે કે વર્ષ 2008થી આ શો સાથે જોડાયેલી હતી. તેણે આ શોમાં વર્ષ 2017 સુધી કામ કર્યું હતું. ‘દયાભાભી’ તરીકે દિશા વાકાણી ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. શોમાં દયાભાભી કોઈ પણ વાતે ‘હે મા, માતાજી’ બોલતા હતા અને આ વાત દર્શકોને હંમેશાં યાદ રહી ગઈ છે. આ ઉપરાંત દયાભાભી કોઈ પણ પ્રસંગે ગરબા રમે તે વાત પણ ચાહકો ભૂલ્યા નથી. શોમાં દયાભાભીની આગવી લઢણ લોકપ્રિય હતી. જોકે, વર્ષ 2017માં દિશાએ સપ્ટેમ્બર મહિનામાં મૅટરનિટી લીવ લીધી હતી અને તે સમયે એવી ચર્ચા હતી કે દિશા માર્ચ, 2018માં શોમાં પરત ફરશે. જોકે, દિશા આજ દિવસ સુધી પરત ફરી નથી. મેકર્સે જ્યારે દિશાનો શોમાં પરત ફરવા અંગે સંપર્ક કર્યો ત્યારે દિશાએ એવું કહ્યું હતું કે તે દીકરીના ઉછેર પર ધ્યાન આપવા માગે છે અને તેણે હજી થોડો સમય બ્રેક જોઈએ છીએ. મેકર્સે આ વાત માની લીધી હતી. પછી બીજીવાર જ્યારે મેકર્સે દિશા શોમાં કામ કરશે કે નહીં તે અંગે પૂછ્યું ત્યારે તેના પતિ મયુર પડિયાએ વિવિધ શરતો મૂકી હતી. મયુર પડિયાની મુખ્ય શરતો કામના ઓછા કલાકો, દીકરી માટે અલગથી રૂમ, નાઈટ શિફ્ટ નહીં અને ફીમાં વધારો હતો. શરૂઆતમાં મેકર્સે આ શરતો માનવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ એવી પણ ચર્ચા થઈ હતી કે દિશા મેકર્સ સાથે વાત કરતી નથી પરંતુ તેને બદલે તેનો પતિ મયુર જ મેકર્સ સાથે ડીલ કરે છે. પછી એવું પણ કહેવાયું હતું કે દિશાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ મયુરે પ્રોડ્યૂસર અસિત મોદી પર આક્ષેપ મૂક્યો હતો કે તેમણે દિશાનું બાકી પેમેન્ટ હજી સુધી ચૂકવ્યું નથી. આ સમયે સિરિયલના સૂત્રોના હવાલેથી એવી વાતો કહેવામાં આવી હતી કે મયુરે જે રકમની વાત કરી છે તેટલી રકમ બાકી નીકળતી જ નથી. ત્યારબાદ થોડો સમય દિશા વાકાણી શોમાં આવશે કે નહીં તે મુદ્દો જ ચર્ચાતો બંધ થઈ ગયો હતો. થોડા સમય બાદ મેકર્સે મયુરની તમામ શરતો માની લીધી હતી. જોકે, તેમ છતાંય હજી સુધી દિશા આ શોમાં પરત ફરી નથી. અસિત મોદીએ 28 જુલાઈ, 2020ના રોજ સિરિયલનાં 12 વર્ષ પૂરાં થયાં ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે કહ્યું હતું, ‘દયાબેનના પાત્રને લઈ હાલમાં કોઈ ચર્ચા થતી નથી. સાચું કહું તો આ પાત્ર વગર પણ શો અઢી વર્ષ સારો ચાલ્યો છે. દયાભાભી વગર પણ શોની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. તે નહીં આવે તો શો બંધ થશે નહીં. દર્શકોએ દયાભાભી વગર પણ શોને પ્રેમ આપ્યો છે. હકીકતમાં દિશા શોમાં આવે કે ના આવે હવે તે ચર્ચાનો વિષય જ નથી. તે પરત આવે છે તો સારી વાત છે અને નથી આવતી તો show must go on. અમે બીજી દયાભાભી લાવીને અમારું કામ ચાલુ રાખીશું. લૉકડાઉન પીરિયડમાં તેમની સાથે વાત થઈ હતી અને દરેકની પોત-પોતાની સમસ્યા હોય છે. કોઈની પર દબાણ લાવીને કામ કરાવી શકાય નહીં. જોઈએ હવે આગામી દિવસોમાં શું થાય છે.’ ભવ્ય ગાંધી (ટપુડો) ભવ્યએે આ શોમાં 2008થી સિરિયલની શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. ભવ્યે આ શોમાં નવ વર્ષ સુધી કામ કર્યું હતું. જ્યારે તેણે આ સિરિયલ છોડી ત્યારે તે મીઠીબાઈ કોલેજમાં B.Comના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ભવ્ય ગાંધીએ જ્યારે શો છોડ્યો ત્યારે પ્રોડ્યૂસર અસિત મોદી સાથે ઘણો જ વિવાદ થયો હતો. બંનેએ એકબીજા સામે આરોપ-પ્રત્યારોપો મૂક્યા હતા. ભવ્ય ગાંધીના નિકટનાં સૂત્રોએ એ સમયે એવી વાતો કરી હતી કે પ્રોડ્યૂસર અસિત મોદીને હવે ભવ્ય ગાંધીની જરૂર નથી અને તેના સીન કાપી નાખવામાં આવે છે અને છેલ્લા છ-આઠ મહિનાથી તેને બહુ જ ઓછું કામ આપવામાં આવતું હતું. આથી જ તેણે આ શો છોડી દીધો હતો તે સમયે ભાવ્ય ગાંધીએ પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ સાઈન કરી હતી. તો ભવ્ય ગાંધીની આ વાતો સાંભળીને પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ જવાબ આપ્યો હતો. અસિત મોદીએ કહ્યું હતું કે ભવ્ય ગાંધી માટે તે પિતા સમાન છે. તેમણે આટલાં વર્ષો સુધી તેને સપોર્ટ કર્યો હતો પરંતુ ભવ્ય ગાંધીએ તેમની જાણ બહાર ગુજરાતી ફિલ્મ સાઈન કરી લીધી હતી. જ્યારે તેઓ રિપબ્લિક ડેનું શૂટિંગ કરતા હતા ત્યારે ભવ્ય ગાંધીની હાજરી જરૂરી હતી પરંતુ તેણે શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. તેના આવા અનપ્રોફેશનલ વલણથી તેમને દુઃખ થયું હતું અને તેથી જ તેમણે ભવ્ય ગાંધીને બદલે નવો એક્ટર લેવાનો નિર્ણય લીધો હતો. ભવ્ય ગાંધીને બદલે રાજ અનડકટને લેવામાં આવ્યો છે. રાજ અનડકટ (ટપુડો)
રાજ અનડકટ 2017થી 2022 સુધી ટપુડાનો રોલ કર્યો હતો. આ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. મુનમુન દત્તાના અફેરની વાત સામે આવી ત્યારે રાજે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને આ વાતને ખોટી ગણાવી હતી. મોનિકા ભદોરિયા (બાંવરી) મોનિકા ભદોરિયા શોમાં બાંવરીનો રોલ પ્લે કરતી હતી. મોનિકાએ પોતાની ફી વધારવાની ડિમાન્ડ કરી હતી. જોકે, લાંબી ચર્ચા-વિચારણા બાદ પણ મોનિકાની ફીમાં વધારો ના થયો તો તેણે આ શો છોડવાની નિર્ણય કર્યો હતો. શોમાં બાંવરીનું પાત્ર ઘણું જ મનોરંજક હતું. ‘હાય હાય, ગલતી સે મિસ્ટેક હો ગઈ’ એ તેનો તકિયાકલામ હતો, જે ખાસ્સો પ્રચલિત થયો હતો. આ ઉપરાંત તે જેઠાલાલ (દીલિપ જોષી)નાં વિવિધ નામો પાડતી હતી અને તેમને હેરાન કરતી હતી. બાંવરી તથા બાઘાનો રોમાન્સ પણ ચાહકોને ગમતો હતો. મોનિકાએ આ શોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. હજી સુધી શોમાં નવી બાંવરી જોવા મળી નથી. એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં મોનિકાએ કહ્યું હતું કે શો તથા કેરેક્ટર તેના દિલની નજીક છે. તે સારા પે-સ્કેલની આશા રાખે છે પરંતુ મેકર્સ-પ્રોડ્યૂસર્સ આ અંગે સહમત થયા નહીં. ખરી રીતે તો તેણે જેટલા પે-સ્કેલની ડિમાન્ડ કરી છે, તેટલો પે-સ્કેલ આપવામાં આવે તો તેને આ શોમાં પરત ફરવામાં કોઈ જ વાંધો નથી. જોકે, તેને નથી લાગતું કે તેઓ તેની આ વાત માનશે. મોનિકાએ ગયા વર્ષે 20 ઓક્ટોબરે લાસ્ટ એપિસોડ શૂટ કર્યો હતો. ઝીલ મહેતા (સોનુ) ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલ આ શોમાં ‘સોનુ ભીડે’નું પાત્ર ભજવતી હતી. ઝીલે લગભગ ચાર-સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.ઝીલ મહેતાને દસમા ધોરણમાં 93 ટકા આવ્યા હતા અને પછી તેણે BBAમાં એડમિશન લીધું હતું. ઝીલ મહેતાએ શો છોડ્યો પછી નિધિ ભાનુશાલીએ આ રોલ પ્લે કર્યો હતો. નિધિ ભાનુશાલી (સોનુ) સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ આ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બી.એ. કરે છે અને તે બ્રાઈટ સ્ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માગે છે. જોકે, પ્રોડક્શન હાઉસે નિધિ ભણવા પર ધ્યાન આપી શકે તે માટે શૂટિંગના કલાકો ઓછા કરી આપ્યા હતા, પરંતુ નિધિ માટે શૂટિંગ કરવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જતું હતું અને અંતે તેણે શોને અલવિદા કહી દીધું હતું. નિધિએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ શો છોડ્યો હતો. નિધિ વર્ષ 2012માં જ્યારે આ શો સાથે જોડાઈ ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે. આમ સોનુનું પાત્ર ત્રીજીવાર નવું આવ્યું. ગુરુચરણ સિંહ (સોઢી)
ગુરુચરણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી સિરિયલમાં સોઢીનો રોલ કર્યો હતો. જોકે, પછી મેકર્સને ગુરુચરણ સામે વાંધો પડ્યો હતો અને તેને કારણે ગુરુચરણે શો છોડી દીધો હતો. જોકે, તે સમયે ચર્ચા હતી કે ગુરુચરણ સેટ પર મોડો આવે છે અને તેના આવા વલણથી મેકર્સે તેને શોમાંથી કાઢી મૂક્યો હતો. ગુરુચરણને સ્થાને લાલ સિંહ માન આવ્યો હતો. હવે ફરીથી ચર્ચા છે કે ગુરુચરણે શો છોડી દીધો છે અને તેના સ્થાને ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહની એન્ટ્રી થશે. લૉકડાઉન બાદથી સિરિયલનું શૂટિંગ શરૂ થયું ત્યારથી ગુરુચરણ સેટ પર આવ્યો નથી. જોકે, મેકર્સે હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. શોના ડિરેક્ટરે માલવ રાજડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લૉકડાઉન બાદના એપિસોડમાં ગુરુચરણના કોઈ સીન નથી અને તે જ કારણે તે સેટ પર આવ્યો નથી લાડ સિંહ માન (સોઢી) ગુરુચરણ સિંહે શો છોડ્યા બાદ સિરિયલમાં રોશન સિંહ સોઢીનો રોલ ટીવી એક્ટર લાલ સિંહ માને ભજવ્યો હતો. જોકે, લાલ સિંહ માને માત્ર એક જ વર્ષ આ શોમાં કામ કર્યું હતું. ચાહકોને સોઢીના રોલમાં લાલ સિંહ માન પસંદ આવ્યો નહોતો અને આ જ કારણે મેકર્સે તેને રિપ્લેસ કર્યો હતો અને તેના સ્થાને ફરી વાર ગુરુચરણ સોઢીને લાવ્યા હતા. જોકે, હવે પાછી એવી ચર્ચા થઈ રહી છે કે ગુરુચરણે બીજીવાર આ શો છોડી દીધો છે. જોકે, મેકર્સે આ વાતને માત્ર અફવા ગણાવી હતી. જેનિફર મિસ્ત્રી (રોશન સોઢી) જેનિફર મિસ્ત્રી શોમાં મિસિસ રોશન કૌર સોઢીના રોલમાં જોવા મળે છે. તેણે આ શોમાં વર્ષ 2008થી કામ કરવાની શરૂઆત કરી હતી. જોકે, 2013માં જેનિફરે મૅટરનિટી લીવ લીધી હતી. તેના સ્થાને દિલખુશ રિપોર્ટર આવી હતી. દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી)
વર્ષ 2013માં જેનિફર મિસ્ત્રીના સ્થાને દિલખુશ રિપોર્ટરને લેવામાં આવી હતી. જોકે, ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2016માં દિલખુશે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. ચર્ચા હતી કે દિલખુશની તબિયત સારી રહેતી ના હોવાને કારણે તેણે શો છોડવાનું નક્કી કર્યું હતું. જોકે, દિલખુશે એવું કારણ આપ્યું હતું કે ડેઈલી સોપમાં વધુ કામના વધુ કલાકો હોય છે અને તે પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતી નથી. હવે તે પરિવારને વધુ સમય આપવા ઈચ્છે છે અને તેથી જ તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. દિલખુશે શો છોડતાં ફરી મિસિસ રોશનના રોલમાં જેનિફર મિસ્ત્રીને લેવામાં આવી હતી. પ્રિયા આહુજા (રીટા રિપોર્ટર) સિરિયલમાં પ્રિયા આહુજાએ રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી હતી. રીટાએ આ શોમાં 2008થી લઈ 2010 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તેણે પાછો 2013માં શો જોઈન કર્યો હતો. જોકે, વચ્ચે તેણે મૅટરનિટી લીવ પણ લીધી હતી. પ્રિયા આહુજાએ આ સિરિયલના ડિરેક્ટર માલવ સુરેશ રાજડા સાથે લગ્ન કર્યાં છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)
વર્ષ 2009માં નિર્મલ સોનીના ગયા બાદ ડૉ. હાથીના રોલમાં કવિ કુમાર આઝાદ જોવા મળ્યા હતા. તેઓ શો સાથે નવ વર્ષ સુધી જોડાયેલા રહ્યા હતા. વર્ષ 2018માં જુલાઈ મહિનામાં કવિ કુમાર આઝાદને કાર્ડિએક અરેસ્ટ આવતાં તેમનું અવસાન થયું હતું અને આ રીતે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથેની સફરનો તેમનો અંત આવ્યો હતો. તેમના અવસાન બાદ આ રોલ માટે ફરી નિર્મલ સોનીને લેવામાં આવ્યો હતો. શૈલેષ લોઢા (તારક મહેતા)
છેલ્લાં 14 વર્ષથી આ સિરિયલમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ઓછું ફૂટેજ મળતું હોવાથી તેઓ આ વાતથી નારાજ હતાં. તેથી 2022માં શોને અલવિદા કહી દીધું હતું. સિરિયલના ઘણા એક્ટર્સ શૈલેષ લોઢાની વિરુદ્ધમાં હોવાનું માનવામાં આવ્યું હતું. શૈલેષ લોઢા દેશના જાણીતા કવિમાંથી એક છે. શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ જાણીતા મેનેજમેન્ટ ઑથર છે. તેમને દીકરી સ્વરા છે. નેહા મહેતા (અંજલિ મહેતા)
સૂત્રોના મતે, અભિનેત્રી તથા શોના પ્રોડ્યૂસર અસિત મોદી વચ્ચે મતભેદ થવાને કારણે નેહાએ આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે નેહા પ્રોડ્યૂસર અસિત મોદી સાથે કેટલીક બાબતોનો યોગ્ય ઉકેલ લાવી શકી નહીં. આ શો છોડ્યા બાદ નેહા ગુજરાતી ફિલ્મ 'હલકી ફુલકી'માં જોવા મળી હતી. નેહાએ 2008થી 2020 સુધી આ સીરિયલમાં કામ કર્યું હતું. ઘનશ્યામ નાયક (નટુકાકા)
વર્ષ 2008થી સિરિયલમાં નટુકાકાના રોલમાં ઘનશ્યામ નાયક જોવા મળતા હતા. જોકે, 2020માં લૉકડાઉન બાદ સિનિયર સિટીઝન સેટ પર આવી શકે નહીં તેવા નિયમને કારણે તેઓ સિરિયલમાં જોવા મળતાં નહોતા. ત્યારબાદ તેમને કેન્સર થયું હતું અને તેઓ સિરિયલમાં આવતા નહોતા. 3 ઓક્ટોબર, 2021ના રોજ ઘનશ્યામ નાયકનું અવસાન થયું હતું. તેમના સ્થાને હવે કિરણ ભટ્ટ આ રોલ પ્લે કરે છે. કુશ શાહ (ગોલી)
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોલીનો રોલ નિભાવનાર કુશ શાહે 16 વર્ષ બાદ આ શોને અલવિદા કહી દીધું છે. થોડા મહિના પહેલાં કુશે શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. જો કે હવે પોતે જ એક વીડિયોમાં આ જાણકારી આપી હતી. નિર્મલ સોની (ડૉ. હંસરાજ હાથી) વર્ષ 2008માં જ્યારે આ સિરિયલ શરૂ થઈ ત્યારે ડૉ. હાથીના રોલમાં ટીવી એક્ટર નિર્મલ સોની જોવા મળતો હતો. તે આ શોમાં એક વર્ષ સુધી જોવા મળ્યો હતો. જોકે, પછી મેકર્સને નિર્મલ સોની સામે વાંધો પડ્યો હતો અને નિર્મલ સોનીએ આ શો છોડી દીધો હતો. નિર્મલ સોનીને બદલે કવિ કુમાર આઝાદને લેવામાં આવ્યા હતા. કવિ કુમારે આ શોમાં 2009થી 2018 સુધી કામ કર્યું હતું. જોકે, 2018માં કાર્ડિએક અરેસ્ટને કારણે કવિ કુમાર આઝાદનું અવસાન થયું હતું અને ત્યારબાદ ફરી ડૉ. હાથીના રોલમાં નિર્મલ સોનીને લેવામાં આવ્યો હતો. વચ્ચે એક સ્ટોરીમાં નિર્મલ સોની પોતે ડૉ. હાથીના ભાઈ તરીકે જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.