ગરીબ કલ્યાણ મેળામાં નીલમબેનને કુંવરબાઈનું મામેરૂં યોજના અન્વયે રૂ. ૧૨,૦૦૦ની સહાય મળી - At This Time

ગરીબ કલ્યાણ મેળામાં નીલમબેનને કુંવરબાઈનું મામેરૂં યોજના અન્વયે રૂ. ૧૨,૦૦૦ની સહાય મળી


(અજય ચૌહાણ દ્વારા)
"વિકાસ સર્વસમાવેશક, સર્વપોષક અને સર્વ વ્યાપક હોવો જોઈએ." આવા સ્પષ્ટ અભિગમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ સુધીના વિવિધ તબક્કાઓ માટે ઉપયોગી બને તેવી રાજ્ય સરકારની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે. આખરે પ્રત્યેક યોજનાનો મૂળ હેતુ છેવાડાના માનવીના કલ્યાણનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લોક કલ્યાણકારી અનેક યોજનાઓ સુઅમલી છે. ત્યારે બોટાદ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુંવરબાઈનું મામેરૂં યોજનામાં બોટાદ લાભાર્થી નીલમ ભરતભાઈ ઉપાધ્યાયને લાભ અર્પણ કરાયો હતો.
નીલમબેનને રૂ. ૧૨,૦૦૦ની સહાય આપવામાં આવી હતી. સહાય પ્રાપ્ત થયા બાદ નીલમબેને જણાવ્યું હતું કે, “આ સહાયથી હું મારા લગ્નનો નાનો મોટો ખર્ચ કરી શકવા સક્ષમ બનીશ. આ સહાય બદલ હું સરકારશ્રીની આભારી છું.” અનુસૂચિત જાતિની કન્યાઓને તેમના લગ્નપ્રસંગે આર્થિક મદદ કરવાના હેતુથી કુંવરબાઈનું મામેરું યોજના કાર્યરત છે. શહેરી અને ગ્રામ્ય માટે આવક મર્યાદા રૂા.૬,૦૦,૦૦૦ સુધીની છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે. કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી લાભ મળવાપાત્ર છે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.