ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી બી.એ.વૈષ્ણવના હસ્તે સૂત્રાપાડા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ - At This Time

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી બી.એ.વૈષ્ણવના હસ્તે સૂત્રાપાડા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ —————-


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી બી.એ.વૈષ્ણવના હસ્તે સૂત્રાપાડા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ
----------------
જસ્ટિસ શ્રી ડી.એમ.દેસાઈની ગરિમામય ઉપસ્થિતિ
----------------
રૂ. ૭ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે નવીન કોર્ટ બિલ્ડિંગ
----------------
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી બી.એ.વૈષ્ણવના હસ્તે અને ગીર સોમનાથના એડમિનિસ્ટ્રેટિવ જજ અને જસ્ટિસ શ્રી ડી.એમ.દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં સૂત્રાપાડા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગનું આજે કાયદાજગતના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ અવસરે જસ્ટિસ શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, નાગરિકોને ઝડપી અને સરળતાપૂર્વક ઘરઆંગણે જ ન્યાય મળે એ માટે દરેક જિલ્લા અને તાલુકામાં નવીન અને આધુનિક કોર્ટ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે આ નવીન બિલ્ડિંગના કારણે એક નવું સોપાન ઉમેરાયું છે.

પરસ્પર સૌના સહકારથી ન્યાયની મીઠાશ જળવાઈ રહે અને છેવાડાના માનવીને પણ સમયસર યોગ્ય ન્યાય મળવા સાથે આ ન્યાયમંદિર સકારાત્મક પરિવર્તનનું ઉદ્ભવસ્થાન બની રહે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના ઈન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જે.જે.પંડ્યાએ જણાવ્યું હતું કે, આકાંક્ષાઓનું પ્રતિક એવી આ ઈમારતમાં અલાયદી ન્યાય વ્યવસ્થા મળી રહે અને લોકોને સુલભ રીતે ન્યાય પ્રાપ્ત થાય એવી અત્યાધુનિક માળખાકિય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ન્યાયપ્રક્રિયાને વેગવંતી રાખવા ૪૦૦૦ ચો.મી ક્ષેત્રફળમાં નિર્માણ પામેલું આ ન્યાયસંકૂલ તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં આનાથી વધુ એક કોર્ટ બિલ્ડિંગનો વધારો થયો છે. સૂત્રાપાડા અને આસપાસના નાગરિકોને હવે ઘરઆંગણે જ ન્યાય સુલભ બનશે.

સૂત્રાપાડાના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી અભય બારડે જણાવ્યું હતું કે, સૂત્રાપાડા જેવા છેવાડાના તાલુકાના ન્યાય મંદિરમાં અત્યાધુનિક સવલતો ઉપલબ્ધ થતા હવે નાગરિકોને વેરાવળ સુધી દૂર નહીં થવું પડે. લાંબા સમય સુધી કોર્ટ ભાડાના મકાનમાં કાર્યરત હતી. પરંતુ, હવે આ નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગ ન્યાયવાંચ્છૂઓનું નવું સરનામું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, સરકારના આર્થિક સહયોગથી કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ રૂ. ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવાં મોડેલ કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલા અને પુરુષ વકીલ માટે અલગ અલગ બાર રૂમ, બાર લાઇબ્રેરી, ઓફિસ, ફાઈલિંગ સેન્ટર, મીડિએશન સેન્ટર સાથે કેન્ટીન માટેની વ્યવસ્થા પણ છે. પોસ્ટ ઓફિસ તેમજ બેંકની શાખા ઉભી કરવા અલાયદી ઓફિસ બનાવવામાં આવી છે અને પ્રાથમિક સારવારની જરૂરિયાત ધ્યાનમાં લઇ મેડિકલ સગવડતા ધરાવતો રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

નવનિર્માણ કોર્ટ બિલ્ડીંગમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બે કોર્ટ કાર્યરત થઈ શકે તે રીતનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે. તેમજ, પક્ષકારોને વિશેષ સવલતો મળી રહે અને કુદરતી આપત્તિ સમયે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

સૂત્રાપાડાના સિવિલ જજ શ્રી આર.એમ.ચાવડાએ આભારવિધિ કરી ટૂંકાગાળામાં આધુનિક સુવિધાસભર બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા જે સહયોગ મળ્યો છે. તેની પ્રશંસા કરી હતી.

આ તકે, ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી.એસ.ગઢવી, બાર એસોસિએશનના સભ્યો, વકીલો તથા જિલ્લા ન્યાયતંત્રના અધિકારી તેમજ કાયદાજગતના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image