તે અમારૂ વિજ કનેકશન કેમ કાપ્યું’ કહી જીઇબીના લાઇનમેન પર બે શખ્સોનો હુમલો
માંડાડુંગર પાસે આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં વિજ ફોલ્ટ રીપેર કરવા ગયેલા પીજીવીસીએલના લાઇનમેન પર તે અમારું વિજ કનેકશન કેમ કાપ્યું કહી ભીમરાવનગર વિસ્તારના બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરથી હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા. જેને સારવારમાં સીવીલે ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર પીજીવીસીએલના આજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર વિભાગમાં આસીસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા ગોપાલભાઇ બટુકભાઇ સોજીત્રા (ઉ.44) રહે. આરસીસી બેંક સામે, સંતકબીર રોડ) ગત રોજ ઓફીસે હતા ત્યારે સાંજના સમયે માંડાડુંગર પાસે આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં લાઇન ફોલ્ટ થઇ તેવી ફરીયાદ નોંધાતા ગોપાલભાઇ ટીમ સાથે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રીપેર કરતા હતા ત્યારે ધસી આવેલા ભીમરાવનગરમાં રહેતા રામદેવ ભરત ચૌહાણ અને સાથેના અજાણ્યા શખ્સે બોલાચાલી કરી પથ્થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.
બાદમાં સાથેના કર્મચારીઓએ 108ને બોલાવી ઇજાગ્રસ્ત કર્મચારીને સારવારમાં સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સ. એમ.ડી. પરમાર સહીતનો સ્ટાફ સીવીલે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર હાપલીયાએ જણાવ્યું હતું કે, ગત રોજ આજીડેમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની વિજ ફોલ્ટની ફરીયાદ મળી હતી. જે બાદ આસીસ્ટન્ટ લાઇનમેન ગોપાલભાઇ સહીત સાત કર્મચારીઓ પીજીવીસીએલના વાહનમાં વિજ ફોલ્ટ સ્થળે જતા હતા ત્યારે રસ્તામાં રામદેવ ચૌહાણ સહિત બે શખ્સોએ તમે અમારું લાઇટ કનેકશન કેમ કાપ્યું કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો. જે બાદ સ્ટાફ રીપેરીંગ સ્થળે ગયા બાદ પાછળથી બંને શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને ફરીથી ઝઘડો કરી પથ્થરથી હુમલો કરતા ગોપાલભાઇ ગંભીર રીતે ઘવાયા હતા.
સામાપક્ષે રામદેવ ભરતભાઇ ચૌહાણ (ઉ.29) પણ ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ કરી સારવારમાં સીવીલે દાખલ થયા હતા.
ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવવા તજવીજ
માંડાંડુંગર બાલાજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિજ કનેકશન કાપવા બાબતે પીજીવીસીએલના આસીસ્ટન્ટ લાઇનમેન પર હુમલો કરનાર શખ્સો પર ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી સહીતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું નાયબ ઇજનેર હાપલીયાએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.