ફક્ત ખેડૂત સામે જ કેસ ? અધિકારીઓ સામે કેમ નહીં ? - At This Time

ફક્ત ખેડૂત સામે જ કેસ ? અધિકારીઓ સામે કેમ નહીં ?


ફક્ત ખેડૂત સામે જ કેસ ? અધિકારીઓ સામે કેમ નહીં ?

આ દેશમાં ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે પરંતુ આ અન્નદાતાને જ ઘણી વખત વગર વાંકે દંડવામાં આવી રહ્યો છે અને કહેવાતા લોક પ્રતિનિધિઓ મૂકપ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહ્યા છે. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના સુરગપુરા ગામ પાસે આવેલા ખુલ્લા બોરમાં કમનસીબે દોઢ વર્ષની દીકરી આરોહીએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈને તંત્ર દ્વારા ખેતીકામનું ભાગીયું રાખતા ખેડૂત ઉપર કેસ નોંધવામાં આવ્યો છે. દેશમાં લાખોની સંખ્યામાં ખેડૂતોએ ખેતરની અંદર કૂવાઓ અને બોર બનાવ્યા છે. ઘણી વખત ખેડૂતો આવા બોરને ઢાંકી દેતા હોય છે જ્યારે ઘણી વખત કામ ચાલુ હોય એટલે કે મોટર ફીટીંગ કરવાનું ચાલુ હોય કે એવું કંઈ કામ કરતા હોય ત્યારે બોર ખુલ્લા પણ હોય છે. ત્યારે આવી આકસ્મિક રીતે બનતી ઘટનાઓમાં ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવા તે કેટલું વ્યાજબી છે? સુરગપરાની ઘટનામાં પણ ખેડૂતોએ આ બોરને વ્યવસ્થિત રીતે પાણાથી ઢાંકેલો હતો. છતાં પણ તેના પર કેસ કરવામાં આવ્યો છે. દેશની અંદર શહેરોમાં મોટાભાગની મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તેમાં ગટરના ઢાંકણાઓ અથવા તો ગટરો ખુલ્લી હોય છે જેમાં હજારોની સંખ્યામાં રાહદારીઓએ અકસ્માતે જીવ ગુમાવ્યો છે અથવા તો હાથ પગ ભાંગ્યા છે. છતાંપણ આજ દિવસ સુધી એક પણ જવાબદાર અધિકારી સામે તંત્રએ ક્યારેય પણ કેસ કર્યો નથી. જ્યારે પોતાની જ માલિકીના ખેતરમાં ખેતી કામના ઉપયોગ માટે કરવામાં આવતા બોર અથવા તો કૂવામાં જ્યારે કોઈક આવી આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે તંત્ર અચાનક જ હરકતમાં આવી અને ખેડૂતો ઉપર કેસ કરી દે છે. નવાઈની વાત તો એ છે કે આવા સમયે જન પ્રતિનિધિઓે ખેડૂતોની સાથે રહેવાને બદલે મૂકપ્રેક્ષકો બની અને તમાશો જોતા હોય છે.
અમરેલી જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો પણ ખેડૂતો છે તે પોતાના વિસ્તારના ખેડૂતોની સાથે તંત્ર દ્વારા આવા પ્રકારની કાર્યવાહી થતી હોય ત્યારે સાથે રહેવાને બદલે મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતા હોય છે. આજે કોઈ પણ ખેડૂત ઉપર એક વખત કેસ કરે એટલે ન્યાયની પ્રક્રિયાઓમાંથી તેમને પસાર થવું પડતું હોય છે અને કોઈપણ વાંક વગર તેમને તેમના જિંદગીના અમૂલ્ય વર્ષો આમાં વિતાવવા પડતા હોય છે ત્યારે આવી અકસ્માતે બનતી ઘટનાઓ બાબતે લોક પ્રતિનિધિઓએ મૂક્પ્રેક્ષક બની બેસવાને બદલે ખોટા કેસ કરનાર જે જવાબદાર અધિકારીઓ હોય તેમના કાન અમળવા જોઈએ. ફક્ત સ્લોગનથી ખેડૂત પુત્ર છું એવી વાત કરનારા નેતાઓએ સાચા સમયે ખેડૂતોની સાથે પણ ઉભું રહેવું જોઈએ તેવી પણ લોકોમાંથી માંગ ઉઠી છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.