પગમાં ફ્રેક્ચર, ચાલવા માટે અસહાય દર્દી વોર્ડમાંથી બહાર રસોડા નજીકથી ઠૂંઠવાયેલો મળ્યો - At This Time

પગમાં ફ્રેક્ચર, ચાલવા માટે અસહાય દર્દી વોર્ડમાંથી બહાર રસોડા નજીકથી ઠૂંઠવાયેલો મળ્યો


સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત જે થઇ રહી છે અને સમયાંતરે અલગ અલગ કિસ્સા બહાર આવી રહ્યા છે તે શરમજનક છે. કિસ્સા બહાર આવ્યા બાદ તપાસના નાટક થાય છે અને દેખાડા પૂરતી સજા કરી મામલો સમેટી લેવાય છે અને આવા જ કારણે આવી ઘટના અટકતી નથી. બુધવારે સવારે સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. તેણે માત્ર ચડ્ડી પહેરેલી હતી. જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી અને પૂછપરછ કરતાં તે વ્યક્તિ પોતાનું નામ મનોજ ઉદ્ધવ એટલું જ બોલી શક્યો હતો.

આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતાં મનોજ ઉદ્ધવ મંગળવારે બપોરે અઢી વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હતી અને તે ચાલી શકવા સક્ષમ નહોતો. તેને સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરાવવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે. જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તે ચાલવા સક્ષમ નહોતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો?, તેને રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું?, આવા અનેક સવાલો ઉઠ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.