તાનાશાહ કિમ જોંગને મોટાપાના લીધે ડાયાબિટીસ-બ્લડ પ્રેશર:દાવો- 140 કિલો વજન થયું; નોર્થ કોરિયાના અધિકારીઓ વિદેશમાં દવાઓ શોધી રહ્યા છે
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું વજન ફરી વધી ગયું છે. જેના કારણે તેઓ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડિત છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે સોમવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના અધિકારીઓ કિમનું વજન ઘટાડવામાં મદદ કરવા માટે વિદેશમાં દવાઓ શોધી રહ્યા છે. 40 વર્ષીય કિમ જોંગ ખૂબ જ દારૂ પીવે છે અને ધૂમ્રપાન પણ કરે છે. રિપોર્ટ અનુસાર તેનું વજન 140 કિલો સુધી પહોંચી ગયું છે. અગાઉ 2021માં કિમે તેના આહારમાં ફેરફાર કર્યા બાદ તેનું વજન ઘટાડ્યું હતું. વધતા વજનના કારણે કિમ જોંગને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી ગયું છે. પિતા અને દાદાનું મૃત્યુ હૃદય સંબંધિત બિમારીઓને કારણે થયું હતું
હકીકતમાં, તેમના પરિવારના લોકોને પહેલા પણ હૃદય સંબંધિત બીમારીઓ થઈ ચૂકી છે. આ કારણે કિમના પિતા અને દાદા બંનેનું મૃત્યુ થયું હતું. કિમના પિતા કિમ જોંગ ઈલનું 2011માં 70 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જ્યારે ઉત્તર કોરિયાના સ્થાપક અને કિમના દાદા કિમ ઇલ સુંગનું પણ 1994માં 82 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. દક્ષિણ કોરિયાના સાંસદ લી સિયોંગ કવાને કહ્યું કે કિમની ઊંચાઈ 5 ફૂટ 8 ઈંચ છે. તેમની તબિયતને જોતા, તે ટૂંક સમયમાં હૃદયની કોઈ બિમારીનો શિકાર બને તેવી પુરી સંભાવના છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે હજુ સુધી દેશની સત્તા સંભાળવા માટે ઉત્તરાધિકારીની નિમણૂક કરી નથી. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમ તેમની પુત્રી કિમ જુ એને પોતાનો ઉત્તરાધિકારી બનાવશે. આ માટે તેણે પોતાની દીકરીને ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. દીકરી કે બહેન કિમ જોંગની ઉત્તરાધિકારી બની શકે છે
કિમ પોતાની દીકરીને અલગ-અલગ ઈવેન્ટ્સ અને ફંક્શનમાં સાથે લઈ જાય છે. ઉત્તર કોરિયાના મિસાઈલ લોન્ચિંગ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમોમાં કિમ જુને પણ તાનાશાહ સાથે જોવા મળી છે. જો કે કિમના ઉત્તરાધિકારી બનવાની રેસમાં તેની બહેન કિમ યો જોંગનું નામ પણ સામેલ છે. યો જોંગ કિમ કરતા પણ વધુ આક્રમક છે. તે 2014થી ઉત્તર કોરિયાના પ્રચાર અને આંદોલન વિભાગની પ્રમુખ બની હતી. 2017માં તેમને પોલિટબ્યુરોના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ ટોચની સંસ્થા ઉત્તર કોરિયા સંબંધિત તમામ મોટા નિર્ણયો લે છે. સરમુખત્યાર કિમ ધૂમ્રપાન માટે પ્રખ્યાત
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ખૂબ ધૂમ્રપાન કરે છે. 2019માં ટ્રમ્પ સાથે સમિટ માટે વિયેતનામ જતી વખતે કિમ જોંગ ટ્રેનમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો. મે 2022 માં, યુએસએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને ઉત્તર કોરિયામાં તમાકુની નિકાસ પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. જો કે રશિયા અને ચીને તેને વીટો કરી દીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.