રૂ.28 લાખની લેતીદેતીમાં અમદાવાદથી સુરત આવેલા યુવાનનું કારમાં અપહરણ - At This Time

રૂ.28 લાખની લેતીદેતીમાં અમદાવાદથી સુરત આવેલા યુવાનનું કારમાં અપહરણ


- બેન્કની નોકરી છોડી મરી મસાલાના ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર શરૂ કરવા યુવાને રાજકોટના બે યુવાન પાસે પૈસા લીધા પણ ધંધો ચાલ્યો નહોતો- નજર સામે જ અપહરણ થતા મિત્રોએ પોલીસને જાણ કરતા વાસદ ચોકડી પાસે પોલીસે ઝડપી પાડી યુવાનને મુક્ત કરાવી રાજકોટના બંને યુવાનની ધરપકડ કરીસુરત, : સુરતમાં અગાઉ બેન્કમાં નોકરી કરતા અને તે નોકરી છોડી અમદાવાદ જઈ રાજકોટના બે યુવાન અને અન્યો પાસેથી પૈસા લઈ મરી મસાલાના ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર શરૂ કરનાર યુવાનનો ધંધો ચાલ્યો નહોતો.આથી તે પૈસા આપ્યા વિના સુરત આવી નવો વેપાર શરૂ કરવા મિત્રો સાથે મથામણ કરતો હતો ત્યારે રાજકોટના બંને યુવાને તેમના રૂ.28 લાખ કઢાવવા તેનું મિત્રોની નજર સામેથી જ કારમાં અપહરણ કર્યું હતું.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અગાઉ સુરતમાં રહેતા અને યશ બેન્કમાં નોકરી કરતા પ્રતિક પરષોતમભાઇ પાઘડાળે બે વર્ષ અગાઉ નોકરી છોડી અમદાવાદ જઈ સંબંધીઓ અને પરિચિતો પાસેથી પૈસા લઈ મરી મસાલાના ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર શરૂ કર્યો હતો. જોકે, ધંધો નહીં ચાલતા તે તમામના પૈસા ચૂકવ્યા વિના સુરત પરત આવી ગયો હતો અને અહીં મિત્રો સાથે મળી નવો ધંધો શરૂ કરવા મથામણ કરતો હતો. તે માટે જ તેણે અગાઉ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ ભાવનગરના ઉમરાળાના ઓજવદરમાં રહેતા તેમજ ખેતીકામ કરતા મિત્ર લાલજી ઓધાભાઇ બગદારીયાને સુરત બોલાવ્યો હતો.પ્રતિક ગત સવારે લાલજી અને અન્ય એક મિત્ર દિનેશ મકવાણા સાથે મિત્ર જૂપીન ધડૂકની વરાછા તાપ્તી ગંગા આર્કેડમાં આવેલી કાપડની દુકાને ગયો હતો.ત્યાં અન્ય મિત્ર કિશન વીરડીયા આવતા તમામ મિત્રો નાસ્તો કરતા હતા ત્યારે કોઈકનો ફોન આવતા પ્રતિક બહાર ગતો હતો. થોડીવારમાં સિક્યુરિટી ગાર્ડે આવી પ્રતિકને બે જણા લઈ જાય છે તેવું કહેતા તમામ મિત્રોએ બહાર જઈ જોયું તો મોઢા પર રૂમાલ બાંધીને બે યુવાન તેને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા. લાલજીએ કારનો નંબર નોંધી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા વરાછા પોલીસ હરકતમાં આવી હતી અને કારના નંબર તેમજ ટોલનાકાના સીસીટીવી ફૂટેજના આધારે કાર અમદાવાદ તરફ જતી નજરે ચઢતા વડોદરા અને અમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે વાસદ ચોકડી પાસે કારને આંતરી પ્રતિકને મુક્ત કરાવી રાજકોટના બે યુવાન જય હસમુખભાઈ પટેલ અને હિરેન રણછોડભાઈ પટેલની ધરપકડ કરી હતી.પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પ્રતિકે મરી મસાલાના ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર શરૂ કરવા તેમની પાસેથી રૂ.28 લાખ લીધા હતા. પણ ધંધો નહીં ચાલતા તેણે પૈસા પરત કર્યા નહોતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.