તા.25ના રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન - At This Time

તા.25ના રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન


રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 લોકોના પરિવારને ન્યાય માટે ત્રણ દિવસના ઉપવાસના ગઈકાલે કોંગ્રેસે પૂર્ણ કર્યા હતા. છેલ્લા દિવસે જીજ્ઞેશ મેવાણી, ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, લાલજી દેસાઈ અને પાલ આંબલીયાને પીડિતોના પરિવાર દ્વારા પારણાં કરાવવામાં આવ્યા હતા. આ તકે 25મીએ રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે પીડિત પરિવારોને ન્યાય માટે આગામી તારીખ 15 જૂનના રોજ પોલીસ કમિશ્ર્નર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને ત્યારબાદ પીડિતોની પ્રથમ માસિક પુણ્યતિથિ એટલે કે 25મી જૂને રાજકોટના લોકોને હાથ જોડીને વિનંતી કરવામાં આવશે કે રાજકોટ બંધ રાખવામાં આવે. જે પછી પણ ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીના ઘરે ઘેરાવ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની માગ છે કે પીડિતોના પરિવારને 1 કરોડની સહાય ચૂકવવામાં આવે અને તટસ્થ અધિકારીઓની સીટની રચના કરવામાં આવે. જેનાથી દોઢ વર્ષમાં પરિવારોને ન્યાય મળી રહે અને જવાબદાર તમામને કડક સજા થાય.
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ 15થી 20 તાલુકામાંથી એક-બે લોકો રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારના સમર્થન માટે આવ્યા છે. અગ્નિકાંડમાં ભીનું સંકેળવામાં લાગ્યા છે એટલા માટે જ કહીએ છીએ કે આ સીટ ભીનું સંકેલો સમિતિ છે. તેમણે જણાવ્યું હતું કે, હાલની સીટ પર કોઈ જ વિશ્વાસ નથી.
આ ઉપવાસ આંદોલનનો છેલ્લો દિવસ હતો. જોકે અમારી લડત ચાલુ રહેશે અમારી ટીમ સમગ્ર રાજકોટ શહેરમાં ફરી વળશે. લગભગ 15મી જૂને રાજકોટ શહેર પોલીસ કમિશેનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને રાજય સરકાર અમારી માંગણીઓને લઈને શું વિચારે છે તેવો સવાલ કરવામાં આવશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.