સટ્ટામાં હારી જતા 25 લાખનું દેણું થઈ ગયું જેથી લોકોના એટીએમ બદલી ઠગાઈ કરતો
મનપાના ક્લાર્કને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂ. 40 હજાર ઉપાડી લેનાર મૂળ યુપીના દિપકસિંહ સંતોષસિંહ સેંગારને એલસીબી ઝોન - 1ની ટીમે દબોચ્યો હતો. આરોપીએ રટણ કર્યું હતું કે, સટ્ટામાં હારી જતા 25 લાખનું દેણું થઈ ગયું જેથી લોકોના એટીએમ બદલી ઠગાઈ કરતો હતો. તેની પાસેથી રૂ.25000 રોકડા અને 4 એસબીઆઈના એટીએમ કબ્જે કરાયાં છે.
રાજકોટ મનપાના સિનિયર કલાર્ક ધર્મેન્દ્રસિંહ નારસિંહ ઝાલા(ઉ.વ.56, રહે, સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, જામનગર રોડ)એ શહેરના એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તા. 28ના તેનો પગાર જમા થતા તે બાઈક લઈને ત્રિકોણબાગથી આગળ જવાહર રોડ ઉપર જીમખાના એસ.બી.આઈ. બેંકના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયા હતા.
ત્યાં ભીડ હોવાથી તે લાઈનમાં ઉભા રહ્યાં હતાં. તેનો વારો આવતા તેણે અંદર જઈ કાર્ડ એ.ટી.એમ.માં નાખ્યું હતું. પરંતુ પૈસા નહી ઉપાડતા તેણે બેંકમાં જઈને પુછતા ત્યાંથી બીજી વખત પ્રયાસ કરવા જણાવાયું હતું. આથી તેણે ફરી એ.ટી.એમ.માં જઈ પૈસા ઉપાડવા પાસવર્ડ નાખતા હતા ત્યારે તેની પાછળ ઉભેલા અજાણ્યા શખ્સે તેને લાવો તમારૂ એ.ટી.એમ. હું પૈસા કાઢી આપું કહેતા તેણે કાર્ડ આપ્યું હતું.
તે શખ્સથી પણ પૈસા નહી ઉપડતા તેને કાર્ડ પરત આપી દીધું હતું. બાદમાં તેણે ફરી બેંકમાં જઈને વાત કરતા કાર્ડ તેનું નહી પરંતુ અન્ય કોઈનું હોવાનું જાણવા મળતા મદદ કરવાના બહાને અજાણ્યા શખ્સે કાર્ડ બદલાવી લીધું હોવાની જાણ થઈ હતી. તેમજ થોડીવાર કટકે કટકે કુલ રૂ. 40 હજાર ઉપાડી ગયા હતા.
આ કિસ્સામાં એલસીબી ઝોન-1ની ટીમે તપાસ હાથ ધરતા દિપકસિંહ સંતોષસિંહ સેંગાર (ઉ.વ.36, રહે, તીરૂપત્તી પાર્ક, મોરબી રોડ, મુળ યુ.પી.) નામના શખ્સને દબોચી લીધો હતો. આરોપીએ કબુલાત આપી હતી કે, ગઇ તા.28/10/2024 ના રોજ ત્રિકોણબાગ જીમખાના બ્રાંચ ખાતેના એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. મા રૂપીયા ઉપાડવા આવેલ આધેડ ઉમરના વ્યક્તિ પાસેથી રૂપીયા ઉપાડવાની મદદના બહાને ચાલાકીથી એ.ટી.એમ. બદલી એ.ટી.એમ.ના પીન નંબર જાણી રૂ.40,000/- ઉપાડેલ ઉપરાંત ગઇ તા.29/10/2024 ના રોજ રૈયા ટેલીફોન એક્સચેન્જ ખાતેના એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માં રૂપીયા ઉપાડવા આવેલ વ્યક્તિ પાસેથી રૂપીયા ઉપાડવાની મદદના બહાને ચાલાકીથી એ.ટી.એમ. બદલી એ.ટી.એમ.ના પીન નંબર જાણી રૂ.28,000 ઉપાડેલ.
આશરે એક મહિના પહેલા શાપર (વે.) ખાતે ના એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માં રૂપીયા ઉપાડવા આવેલ વ્યક્તિ પાસેથી રૂપીયા ઉપાડવાની મદદના બહાને ચાલાકીથી એ.ટી.એમ. બદલી એ.ટી.એમ. પીન નંબર જાણી રૂ.3000 ઉપાડેલ. એ સિવાય આશરે બે મહિના પહેલા પેડક રોડ રાજકોટ ખાતેના એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માં રૂપીયા ઉપાડવા આવેલ વ્યક્તિ પાસેથી રૂપીયા ઉપાડવાની મદદના બહાને ચાલાકીથી એ.ટી.એમ. બદલી એ.ટી.એમ. પીન નંબર જાણી રૂ.4000 ઉપાડેલ હતા. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં એલસીબી ઝોન 1ના પીએસઆઈ બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ. ભરતભાઈ વાઘેલા, હેડ.કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ.રવીરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ફરજમાં રહ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.