‘કેજરીવાલ ન તો મળવા આવ્યા કે ન ફોન કર્યો’:માલીવાલે કહ્યું- તેમની સામે મારી સાથે મારપીટ થઈ, છતાં પણ મદદ ન કરી, હું આનાથી દુઃખી
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી. માલીવાલે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, આજ સુધી કેજરીવાલે ન તો મને ફોન કર્યો, ન તો મને મળવા આવ્યા, ન તો ક્યાંય મારી મદદ કરી. આ સમયે આખી પાર્ટી બિભવ કુમારની સાથે ઉભી છે. આવી સ્થિતિમાં, હું ખૂબ જ દુખી છું કારણ કે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય ધરાવતા કેજરીવાલે મારા મુદ્દા પર મારું સમર્થન કરવું, મારા માટે સ્ટેન્ડ લેવું અથવા મારા મુદ્દા પર વાત કરવી જરૂરી નથી માન્યું. તેમણે વધુમાં કહ્યું કે કેજરીવાલના ડ્રોઈંગ રૂમમાં તેમને માર મારવામાં આવ્યો, પરંતુ તેઓ બચાવવા આવ્યા ન હતા. ઉલટાનું કોઈ બચાવવા આવ્યું ન હતું. માલીવાલે એમ પણ કહ્યું હતું કે કોર્ટની બહાર તેમને ખોટી રીતે દોષિત ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેજરીવાલના PA પર સ્વાતિ પર હુમલો કરવાનો આરોપ
રાજ્યસભા સાંસદ માલીવાલે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના PA બિભવ કુમારે 13 મેના રોજ તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ મામલામાં 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી. બિભવ કુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. ઘટનાના બીજા દિવસે, 14 મેના રોજ AAP નેતા સંજય સિંહે કબૂલાત કરી હતી કે સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી આવાસ પર ગેરવર્તણૂક કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું, 'દિલ્હીના સીએમએ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે. તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. જ્યાં સુધી સ્વાતિ માલીવાલ જીનો સંબંધ છે, તેમણે દેશ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે. તેઓ વરિષ્ઠ અને જૂના નેતાઓમાંના એક છે. અમે તેમની સાથે છીએ. સરકારી કર્મચારી સાથે મારપીટના કેસમાં બિભવને બરતરફ કરાયા માર્ચ 2024માં બિભવને મુખ્યમંત્રીના અંગત સચિવના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. વિશેષ સચિવ વિજિલન્સ વાયવીવીજે રાજશેખરે આદેશ જારી કર્યો હતો કે બિભવની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. તેમની નિમણૂક માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેથી આ નિમણૂક ગેરકાયદેસર અને રદબાતલ જાહેર કરવામાં આવી છે. રાજશેખરે 2007ના કેસના આધારે આ આદેશ આપ્યો હતો. હકીકતમાં, 2007માં બિભવ પર સરકારી અધિકારી પર કથિત રીતે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તૈનાત મહેશ પાલે બિભવ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેના ત્રણ સહયોગીઓ સાથે મળીને ફરિયાદી (જાહેર સેવક)ને તેની ફરજ બજાવતા રોક્યા, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી. મહેશે 25 જાન્યુઆરી 2007ના રોજ નોઈડા સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.