ગીર સોમનાથ જિલ્લામાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ હેઠળ હસ્નાવદર ખાતે ખેડૂત તાલીમ કેમ્પ યોજાયો
ગીર સોમનાથ જિલ્લામાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ હેઠળ હસ્નાવદર ખાતે ખેડૂત તાલીમ કેમ્પ યોજાયો
--------
ઈણાજ, ઉંબા, ઉમરાળા, ઉકડિયા અને હસ્નાવદરના ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતીની સમજ
---------
ગીર સોમનાથ, તા.૧૯: રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિની ઝૂંબેશ વેગવાન બની છે. ગામેગામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની સમજ આપવા માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિના સેમિનાર આયોજીત કરવામાં આવી રહ્યાં છે. જેમાં પાંચ ગામના ખેડૂતોને એકત્ર કરી એક જ જગ્યાએથી પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. આ જ્ઞાનના આધારે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિની સમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આવી જ એક તાલીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસ્નાવદર ગામે યોજાઈ હતી. જેમાં ઈણાજ, ઉંબા, ઉમરાળા, ઉકડિયા અને હસ્નાવદરના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી હતી.
વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે હસ્નાવદર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી? તેની શરૂઆત કઈ રીતે કરવી? અને તેનો વિસ્તાર કઈ રીતે કરવો તેની અથથી લઈ ઈતિ સુધીની સમજ આપવામાં આવી હતી.
એગ્રીકલ્ચરલ ટેક્નીકલ મેનેજમેન્ટ એજન્સી, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી તાલીમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ધીરજ ગઢિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીનો તફાવત, પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ માટેના ઉપાયો, પ્રાકૃતિક કૃષિમાં પાયાના ખાતરની જરૂરિયાત, સહજીવન પાકો તેમજ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
બ્લોક ટેક્નોલોજી મેનેજર શ્રી હર્ષાબહેન વાળાએ પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આધારસ્તંભો એવા બીજામૃત, જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના અનુભવો આ પ્રસંગે વર્ણવ્યા હતાં. ઉપસ્થિત ખેડૂતોએ આ તાલીમથી પ્રાકૃતિક કૃષિ વિશેની પોતાની સમજમાં વધારો થયો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ તાલીમમાં સહાયક ટેક્નોલોજી મેનેજર શ્રી નીરવભાઈ ગૌસ્વામી સહિત ઈણાજ, ઉંબા, ઉમરાળા, ઉકડિયા અને હસ્નાવદર ગામના ખેડૂતો તેમજ આત્મા, બાગાયત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.