કર્ણાટકમાં વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 13નાં મોત:4 ઘાયલ, કારમાં 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા, ડ્રાઈવર ઝોકું આવતા અકસ્માત સર્જાયો
કર્ણાટકના હાવેરી જિલ્લામાં વાન અને ટ્રક વચ્ચેની અથડામણમાં બે બાળકો સહિત 13 લોકોનાં મોત થયા છે. ચાર ઘાયલ છે. વાનમાં 17 લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું કે, અકસ્માત સવારે 3.45 વાગ્યે થયો હતો. જ્યારે હાવેરી જિલ્લાના બ્યાદાગી ખાતે હાઈવેની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે વાન અથડાઈ હતી. ચાર ઘાયલોમાંથી બે ICUમાં દાખલ છે. હાવેરીના એસપી અંશુ કુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર વાનમાં સવાર તમામ લોકો ચિંચોલી માયમ્મા દેવસ્થાનથી શિવમોગા પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી વાને ટ્રકને ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર સૂઈ જવાના કારણે અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતની 2 તસવીરો... પોલીસે કહ્યું- ટક્કર એટલી જોરદાર હતી કે કેટલાક મૃતદેહો ફસાઈ ગયા
પોલીસે જણાવ્યું કે અથડામણની અસર એટલી જોરદાર હતી કે કેટલાક મૃતદેહો વાનના તૂટેલા ભાગોમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની મદદથી તેઓને બચાવી લેવાયા હતા. મૃતકોની ઓળખ નાગેશ, વિશાલાક્ષી, આદર્શ, અર્પિતા, પરશુરામ, ભાગ્ય, પુણ્ય, મનસા, રૂપા, સુભદ્રા બાઈ, મંજુલા બાઈ અને મંજુલા તરીકે થઈ છે. હજુ એકની ઓળખ થઈ નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું- કર્ણાટકના હાવેરી જિલ્લામાં બસ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક શ્રદ્ધાળુઓનાં મોતના સમાચાર દુઃખદ છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.