કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે બહુમત મળ્યો:1976 ડેલિગેટ્સે સમર્થન આપ્યું; કાશ્મીર મામલે PAKનું સમર્થન કરતા સાંસદોએ પણ સાથ આપ્યો - At This Time

કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે બહુમત મળ્યો:1976 ડેલિગેટ્સે સમર્થન આપ્યું; કાશ્મીર મામલે PAKનું સમર્થન કરતા સાંસદોએ પણ સાથ આપ્યો


​​​​​અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઈડન બહાર થયાના 24 કલાકની અંદર કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નોમિનેશન માટે બહુમત મેળવી લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે અત્યાર સુધીમાં 4 હજારમાંથી 1976 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. 1-7 ઓગસ્ટ સુધી, ડેમોક્રેટ્સ નોમિનેશન માટે મતદાનનો પ્રથમ રાઉન્ડ યોજશે. રાષ્ટ્રપતિ જો બાઈડન 2024ની રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થયા પછી કમલા હેરિસે પ્રથમ વખત લોકોને સંબોધન કર્યુ હતું. વાઇસ પ્રેસિડેન્ટ હેરિસે રાષ્ટ્રપતિના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડને માત્ર ચાર વર્ષમાં એટલું કામ કર્યું છે કે જેટલું ઘણા રાષ્ટ્રપતિ બે કાર્યકાળમાં પૂર્ણ કરી શક્યા નથી. કમલા હેરિસ પેરિસ ઓલિમ્પિક પહેલાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન એથ્લેટ્સ માટે એક સન્માન સમારોહમાં પહોંચ્યા હતાં. કોવિડ પોઝિટિવ હોવાને કારણે બાઈડન આ પ્રસંગે હાજર રહ્યા નહોતા. કમલા હેરિસે ચૂંટણી બાબતની કોઈ વાત કરી નહીં
હેરિસે કહ્યું કે જ્યારે તે એટર્ની જનરલ હતા ત્યારે તે સ્વર્ગસ્થ બ્યુ બાઈડનને મળ્યા હતા. તેમણે જ પહેલીવાર તેમના પિતા વિશે જણાવ્યું હતું. તેનાં વખાણ કરતાં તે ક્યારેય થાકતાં નહોતાં. વર્ષો પછી, મેં જાતે જોયું કે રાષ્ટ્રપતિ બાઈડન અમેરિકાના લોકો માટે દરરોજ કેવી રીતે લડાઈ લડે છે. અમેરિકા અને તેના લોકો માટે તેમના હૃદયમાં ગાઢ પ્રેમ છે. અમે તેમના દેશ પ્રત્યેની તેમની સેવા માટે ખૂબ જ આભારી છીએ. હેરિસે કહ્યું કે બાઈડન આજે અહીં હોત, પરંતુ બીમારીને કારણે અહીં આવી શક્યા નથી. રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ હેરિસે પોતાના પ્રથમ ભાષણમાં ચૂંટણી સંબંધિત કોઈ વાત કરી ન હતી. હિલેરી ક્લિન્ટને કમલાનું સમર્થન કર્યુ હતું
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. હિલેરી ક્લિન્ટન 2016માં ડેમોક્રેટિક પાર્ટી તરફથી યુએસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતાં. ત્યારે તેઓ ટ્રમ્પ સામે હારી ગયાં હતાં. હિલેરી ક્લિન્ટને સોશિયલ મીડિયા પર લખ્યું, “હું કમલા હેરિસને લાંબા સમયથી ઓળખું છું. તેણી એક પ્રતિભાશાળી વકીલ રહી છે. કમલા હેરિસ દોષિત ગુનેગાર ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્વતંત્રતા છીનવતા 'પ્રોજેક્ટ 2025'ના એજન્ડા સામે લડશે. જો કે, તેઓ આ કામ એકલા કરી શકે તેમ નથી. હિલેરીએ દેશના લોકોને કમલા હેરિસનું સમર્થન કરવાની અપીલ કરી હતી. કમલા હેરિસે ટેકો મેળવવા માટે 10 કલાક ફોન પર વાત કરી
CNNના એક સુત્રને ટાંકીને કહ્યું કે બાઈડન તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સમર્થન મેળવવા માટે 10 કલાક લોકો સાથે વાત કરી. આ દરમિયાન હેરિસે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન તેમજ પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સાથે પણ વાત કરી હતી. પાકિસ્તાન સમર્થક એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝે કાશ્મીર પર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પને હરાવવા માટે અમારી પાર્ટી અને દેશ એક થાય તે પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય ડેમોક્રેટિક સાંસદ કોરી બુશ અને ઇલ્હાન ઓમરે પણ હેરિસને સમર્થન આપ્યું છે. કમલા હેરિસ હજુ સુધી પાર્ટીના ઉમેદવાર બન્યાં નથી
જો બાઈડનથી લઈને હિલેરી ક્લિન્ટન સુધીના દરેકે કમલા હેરિસની ઉમેદવારીને ટેકો આપ્યો હોવા છતાં તેનો અર્થ એ નથી કે તે ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર છે. બીબીસીના અહેવાલ અનુસાર, ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે હજુ પણ ઘણા ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આડે લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીમાં નવા ઉમેદવારની પસંદગી કેવી રીતે થશે તે અંગે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 19 ઓગસ્ટથી ડેમોક્રેસી પાર્ટીનું સંમેલન
બાઈડન મેદાનમાંથી હટી ગયા છે, પરંતુ જાન્યુઆરી 2025 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેશે. તેઓ આ અઠવાડિયે રાષ્ટ્રને સંબોધન કરશે. તમામની નજર શિકાગોમાં 1-7 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન પર છે. જેમાં પાર્ટીના 4 હજાર પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરવા માટે એકઠા થશે. સંમેલન પહેલાં ઉમેદવારની પસંદગી વર્ચ્યુઅલ થઈ શકે તેવી પણ શક્યતા છે. જો કોઈ ડેમોક્રેટ કમલાને પડકારવા માંગે છે, તો તેણે 600 પ્રતિનિધિઓની સહી સાથે દાવો કરવો પડશે. સંમેલનમાં બહુમત સમર્થન મેળવવું આવશ્યક છે. કમલાની ઉમેદવારીને ગવર્નર ગેવિન ન્યૂઝમ, વિટમર, બેશર અને સેપિયો તરફથી પડકાર મળી શકે છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી બાઈડન-કમલાના નામે રૂ. 2007 કરોડ દાન એકત્ર કરવામાં આવ્યું હતું. હવે કમલાને બાઈડનનું સમર્થન મળ્યા બાદ તે ચૂંટણીમાં તેનો ઉપયોગ કરી શકશે તે નિશ્ચિત છે. ટ્રમ્પને હરાવીને ભારતીય મૂળની કમલા બનશે રાષ્ટ્રપતિ, 4 કારણો જેના કારણે ટ્રમ્પની લહેર પલટી શકે છે પોતાનું નામ પાછું ખેંચતા બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની પસંદગી કરી છે. જો કે, કમલાના નામ પર પાર્ટીની મંજૂરીની મહોર હજુ લગાડવાની બાકી છે. કમલા ઉંમરમાં બાઈડેન કરતાં ઘણાં નાનાં છે. તેઓ વિપક્ષના હુમલાઓનો સામનો કરવામાં માહેર છે અને અશ્વેત મતદારો તેમજ મહિલાઓમાં તેમનો ભારે પ્રભાવ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.