બાઇડન કેમ બન્યા ‘રણછોડદાસ’:પીછેહટનો નિર્ણય લેવા કોણે મજબૂર કર્યા, દેશ-વિદેશમાંથી આવી પ્રતિક્રિયા; ‘કમલા હેરિસને હરાવવી સરળ હશે’: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રવિવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. આ સાથે તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. બાઇડને ભારતીય-આફ્રિકન મૂળની કમલા હેરિસના નામની ભલામણ એવા સમયે કરી છે જ્યારે જૂનના અંતમાં તેમના રિપબ્લિકન હરીફ અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ડિબેટમાં તેમનાં ખરાબ પ્રદર્શન બાદ તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઘણા નેતાઓના દબાણનો સામનો કરી રહ્યા હતા. ઘણા ડેમોક્રેટ્સ છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી બાઇડન પર રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવા દબાણ કરી રહ્યા હતા. બાઇડને ગઈ કાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "આજે હું કમલા હેરિસને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનાવવા માટે મારું સંપૂર્ણ સમર્થન અને સહકાર આપવા માગું છું." ડેમોક્રેટિક પાર્ટી માટે એકજૂથ થઈને ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે.'' બીજી બાજુ, રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની બાઇડનની જાહેરાતની થોડી જ મિનિટો પછી, ટ્રમ્પે 'CNN' સાથેની વાતચીતમાં જો બાઇડનને "અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ" કહ્યા. ચૂંટણીમાંથી પીછેહટની જાહેરાત પહેલાં શું થયું?
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, રવિવારે જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાના હટી જવા વિશે જણાવ્યું હતું. આ પછી, જો બાઇડને વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ જેફ ઝિએન્ટ્સ અને તેમના ચૂંટણી પ્રચારના પ્રમુખ જેન ઓ'મેલી ડિલન સાથે વન-ટુ-વન બેઠક કરી. આ પછી ઝિએન્ટ્સે બપોરે 1:45 વાગ્યે જો બાઇડનના ચૂંટણી પ્રચાર સ્ટાફ અને વ્હાઇટ હાઉસના સ્ટાફની બેઠક બોલાવી, જેથી અમેરિકી રાષ્ટ્રપતિ તેમને તેમના નિર્ણય વિશે જણાવી શકે. ચીફ ઓફ સ્ટાફે રવિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે વ્હાઇટ હાઉસના સમગ્ર સ્ટાફની સામે આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્હાઈટ હાઉસના સલાહકાર સ્ટીવ રિચેટી, વરિષ્ઠ અભિયાન સલાહકાર માઈક ડોનિલોન, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એની ટોમસિની સાથેની ઘણી બેઠકો પછી બાઇડને આ સપ્તાહના અંતે આ નિર્ણય લીધો હતો. જો બાઇડન રણછોડ કેમ બન્યા?
27 જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચેની ડિબેટમાં બાઇડનની હાર પછી, યુએસ રાષ્ટ્રપતિપદની રેસમાંથી તેમની હકાલપટ્ટી માટે તેમના પક્ષમાં માગ વધી હતી, જ્યારે યુએસ રાષ્ટ્રપતિએ તેમના પ્રદર્શન માટે જેટ લેગ અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને કારણભૂત ગણાવી હતી. રોઇટર્સ અનુસાર ગયા અઠવાડિયે બાઇડનની પાર્ટીની અંદર જ તેમના અભિયાનના વિરોધમાં અવાજ ઊઠવા લાગ્યો. 36 ડેમોક્રેટ્સ સાંસદોએ જાહેરમાં બાઇડનને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી બહાર થવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બાઇડનની માનસિક સ્થિતિ હવે ચૂંટલી લડવા યોગ્ય રહી નથી. આટલું જ નહીં, સત્તાધારી ડેમોક્રેટ સાંસદોએ બાઇડનના ફરી ચૂંટણી લડવા સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, તેમને ડર છે કે જો બાઇડન ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો તે માત્ર વ્હાઇટ હાઉસ જ નહીં પરંતુ સંસદ પર પણ નિયંત્રણ ગુમાવી શકે છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે બાઇડને છેલ્લી ઘડીએ પોતાનો વિચાર બદલી નાખ્યો કારણ કે તેમનો શનિવાર રાત સુધી રેસમાંથી બહાર નીકળવાનો કોઈ ઈરાદો નહોતો. અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના ટોચના સલાહકારો સાથે અનેક બેઠકો બાદ રવિવારે બપોરે આની જાહેરાત કરી હતી. રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડનની ઘોષણા પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે બાઇડન ચોક્કસપણે આ પદ માટે લાયક નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથસોશિયલ પર પોસ્ટ કરતા, ટ્રમ્પે બાઇડનને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા અને કહ્યું કે બાઇડનની આસપાસના લોકો, તેમના ડૉક્ટરો અને મીડિયા પણ જાણતા હતા કે તે (બાઇડન) રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે લાયક નથી. અમે તેમના રાષ્ટ્રપતિ બનવાથી આપણે ઘણું સહન કર્યું છે, પરંતુ તેમના આ પદ પર રહેવાથી જે નુકસાન થયું છે તેનું અમે ટૂંક સમયમાં સમારકામ કરીશું. અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું. કમલા હેરિસને હરાવવાનું સરળ હશે!
ટ્રમ્પે કહ્યું કે તેઓ જૂઠાણા અને ફેક ન્યૂઝના આધારે જ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યાં, તેઓ પોતાના બેઝમેન્ટમાંથી પણ બહાર નથી આવ્યાં. ડોક્ટરો અને મીડિયા સહિત તેમની આસપાસના દરેક જણ જાણતા હતા કે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે સક્ષમ નથી. તેમણે કહ્યું કે, જુઓ કે તેમણે આપણા દેશનું શું કર્યું છે, લાખો લોકો આપણી સરહદ પાર કરી રહ્યા છે, જેમની ન તો તપાસ થઈ રહી છે અને ન તો પગલાં ભર્યાં છે. ઘણા જેલ અને માનસિક આરોગ્ય સંસ્થાઓમાંથી આવી રહ્યા છે. આતંકવાદીઓ રેકોર્ડ સંખ્યામાં આવી રહ્યા છે. ઉપરાંત, બાઇડનના સ્થાને કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના તેમના સમર્થન પર, ટ્રમ્પે કહ્યું કે બાઇડન કરતાં કમલા હેરિસને હરાવવાનું સરળ હશે. બાઇડનની રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત બાદ રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સે તેમને સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન કમલા હેરિસ તેમની સાથે રહ્યાં હતાં. છેલ્લાં ચાર વર્ષોમાં, હેરિસ પણ એવા લોકોમાં હતા જેમણે બાઇડન સાથે દેશની સરહદો ખોલવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ નિષ્ફળતાઓ દરમિયાન તે બાઇડનની સાથે રહ્યાં. તેમણે બાઇડનના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ જૂઠું બોલવાનું ચાલુ રાખ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું અમેરિકાને બચાવવા તૈયાર છીએ. અમે ડેમોક્રેટ પાર્ટી જે પણ પસંદ કરે તેનો સામનો કરવા તૈયાર છીએ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બાઇડનના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો બાઇડનની ગણના અમેરિકાના સૌથી અસરકારક રાષ્ટ્રપતિઓમાં થાય છે. આ ઉપરાંત, તે મારા પ્રિય મિત્ર અને પાર્ટનર પણ રહ્યા છે. આજે આપણે એ પણ યાદ રાખવાની જરૂર છે કે તેઓ દેશભક્ત રહ્યા છે. ઓબામાએ કહ્યું કે હું જાણું છું કે જો બાઇડન ક્યારેય કોઈ પડકાર સામે પીછેહઠ કરતા નથી. પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાને લઈ તેમણે આ મુશ્કેલ સમયમાં ઉમેદવારીની મશાલ નવા વ્યક્તિને સોંપવાનું નક્કી કર્યું છે. તેમણે આ નિર્ણય રાષ્ટ્રીય હિતમાં લીધો છે. આ નિર્ણય તેમના દેશ પ્રત્યેના પ્રેમ અને સમર્પણનો પુરાવો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડને કોરોના સમયગાળા દરમિયાન તેમની અવાજની નીતિઓથી લઈને લાખો નવી નોકરીઓ ઊભી કરવા અને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સુધીનું ઉત્તમ કામ કર્યું છે. રાષ્ટ્રપતિ બાઇડને અત્યાર સુધી જે પણ સિદ્ધિઓ હાંસલ કરી છે તેમાં અમે તેમની સાથે ઊભા છીએ. અમે તેમના સ્થાને રાષ્ટ્રપતિ માટે કમલા હેરિસને ટેકો આપવાના તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને હેરિસને મદદ કરવા માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ પણ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી ખસી જવાના બાઇડનના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે બાઇડન એક દેશભક્ત અમેરિકન છે જે હંમેશાં રાષ્ટ્રને આગળ રાખે છે. તેમની દૃષ્ટિ, મૂલ્યો અને નેતૃત્વના વારસાએ તેમને અમેરિકન ઇતિહાસના સૌથી પ્રભાવશાળી રાષ્ટ્રપતિમાં સ્થાન આપ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન કિઅર સ્ટારમેરે કહ્યું કે બાઇડને અમેરિકનોના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે બાઇડને અમેરિકનોના હિતમાં આ રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. હું રાષ્ટ્રપતિના નિર્ણયનો આદર કરું છું અને હું તેમના રાષ્ટ્રપતિપદના બાકીના સમયગાળા દરમિયાન સાથે મળીને કામ કરવા આતુર છું. હું જાણું છું કે રાષ્ટ્રપતિ બાઇડન અમેરિકન લોકોનું શ્રેષ્ઠ હિત જે માને છે તેના આધારે તેમનો નિર્ણય લીધો હશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.