કમલ હાસન અને અક્ષય કુમારની ફિલ્મની પિટાઈ:ગ્લોબલ માર્કેટમાં ‘કલ્કી 2898 એડી’ની કમાણી 890 કરોડ રૂપિયા સુધી પહોંચી
શુક્રવારે કમલ હાસનની ફિલ્મ 'ઇન્ડિયન 2' અને અક્ષય કુમારની ફિલ્મ 'સરફિરા' થિયેટરમાં રિલીઝ થઇ ચુકી છે. જો આપણે કમલ હાસન અને અક્ષય કુમારની અગાઉની રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર નાખીએ તો તેની સરખામણીમાં 'ઈન્ડિયન 2' અને 'સરફિરા'નું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ નિરાશાજનક છે. તો બીજી તરફ પ્રભાસની 'કલ્કી' એ શુક્રવારે એટલે કે 16માં દિવસે 5 કરોડ 25 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ બાજુ 'કલ્કી'ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 890 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2' એ ડિરેક્ટર શંકરની 1996માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઈન્ડિયન'ની સિક્વલ છે. તો અક્ષય કુમારની ફિલ્મ 'સરફિરા' તમિળ ફિલ્મ 'સૂરરાય પોત્રુ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે, જેમણે મૂળ ફિલ્મ બનાવી હતી. કમલ હાસનની 'ઈન્ડિયન 2' પહેલાં ફિલ્મ 'વિક્રમ' રિલીઝ થઈ હતી. પ્રથમ દિવસે તમામ ભાષાઓમાં આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 32.05 કરોડ રૂપિયા હતું. તે જ સમયે, ફિલ્મ 'ઇન્ડિયન 2'નું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 26 કરોડ રૂપિયા હતું. આ વર્ષની શરૂઆત અક્ષય કુમારે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'થી કરી હતી. આ ફિલ્મનું પહેલા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન 15.65 કરોડ રૂપિયા હતું. જ્યારે 'સરાફિરા'એ પહેલા દિવસે માત્ર 2 કરોડ 40 લાખ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી'એ ઘરેલુ બોક્સ ઓફિસ પર બીજા સપ્તાહમાં સારી કમાણી કરી હતી. લેટેસ્ટ આંકડાઓ અનુસાર, શુક્રવારે એટલે કે 16માં દિવસે ફિલ્મે 5 કરોડ 25 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મની કુલ કમાણી 548.60 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 890 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.