રાજકોટમાં ઠંડીએ વધુ એકનો લીધો ભોગ: 49 વર્ષીય આધેડનું ઠુંઠવાઈને મોત
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કડકડતી ઠંડી પડી રહી છે જેને કારણે જનજીવન સાવ ઠપ્પ જેવું થઈ ગયું છે. આજથી ઠંડીમાં થોડો ઘટાડો થવાને કારણે લોકોને રાહત મળી છે આમ છતાં આટલી ઠંડી પણ અમુક લોકો સહન કરી શકતા ન હોવાને કારણે તેમણે જીવનથી હાથ ધોવા પડી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે અને ઠંડીએ વધુ એકનો ભોગ લીધો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી ઠંડીથી ઠુંઠવાઈ ગયેલી હાલતમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. શૈલેષ જગદીશભાઈ ભટ્ટ (ઉ.વ.49) નામના આધેડ કે જેઓ છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન જીવતા હતા તેમને ગતરાત્રે ભારે ઠંડી લાગતાં તેમણે પોતાના ભાઈ કેતનને ફોન કરીને પોતાને બહુ જ ઠંડી લાગી રહી હોવાની ફરિયાદ કરી હતી. દૂર્ભાગ્યવશ મૃતકના ભાઈ કેતનને પણ બહુ ઠંડી લાગી રહી હોવાથી તેઓ ભાઈના ઘેર આવી શક્યા નહોતા.
આજે સવારે 8 વાગ્યે તેઓ તેમના ભાઈ શૈલેષ ભટ્ટના ઘેર પહોંચ્યા ત્યારે તેમણે દરવાજો ખખડાવ્યો હતો. જો કે ઘણા લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં દરવાજો ન ખુલતાં કેતનને શંકા ગઈ હતી અને તેણે તાત્કાલિક દરવાજો તોડી નાખ્યો હતો. અંદર જઈને જોતાં જ તેમના ભાઈ શૈલેષ ભટ્ટ ઠુંઠવાઈ ગયેલી હાલતમાં પડેલા હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડાયા હતા.
જો કે તે પહેલાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. મૃતક શૈલેષ ભટ્ટ ત્રણ ભાઈમાં વચેટ છે. તેઓ અપરિણીત હતા અને ગોકુલધામ આવાસ યોજનામાં જ લાંબા સમયથી એકલવાયું જીવન જીવતા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતના શિયાળામાં અનેક લોકોના ઠંડીથી ઠુંઠવાઈ જવાને કારણે મૃત્યુ નિપજ્યા છે છતાં હજુ પણ અનેક લોકો એવા છે જેઓ રાતવાસો રસ્તા ઉપર જ કરતા હોય છે ત્યારે તેમના ઉપર પણ મોતનું જોખમ ઝળુંબી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.