સોમવારથી મનપાની જુદી જુદી ત્રણ આવાસ યોજનામાં 70 દુકાનોની હરાજી : તિજોરીમાં કરોડોની આવક ઠલવાશે
રાજકોટ મહાપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં બનાવવામાં આવેલી આવાસ યોજનાઓ સાથે બનતા કોમ્પ્લેક્ષ અંતર્ગત વધુ 70 દુકાનોની હરાજી સોમવારથી શરૂ થવા જઇ રહી છે અને મનપાને વધુ ત્રણ ટાઉનશીપમાંથી કરોડોની દુકાનની આવક થશે. આ દુકાનોની અપસેટ કિંમત 8.30 લાખથી 26.30 લાખ સુધીની નિયત કરવામાં આવી છે.
રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં મનપાએ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ લાઇટ હાઉસ પ્રોજેકટ બનાવ્યો છે. વડાપ્રધાને ખુલ્લા મુકેલા આ પ્રોજેકટનું જીજાબાઇ ટાઉનશીપ નામકરણ કરવામાં આવ્યું છે. તા.30ના સોમવારે 9 કલાકે અહીં બનેલ 14 દુકાનોની હરાજી રાખવામાં આવી છે. 13.48 ચો.મી.થી 15.14 કારપેટ ચો.મી.ની દુકાનો બનેલી છે. જેની કિંમત 9.40 લાખથી 13.20 લાખ જેટલી અપસેટ નકકી કરવામાં આવી છે. મવડી પાળ રોડ પર આવેલ સેલેનીયમ હાઇટસ સામે કોર્પો.એ શિવ ટાઉનશીપ બનાવી છે.
આ ટાઉનશીપમાં 22 દુકાનની હરાજી તા. 1-11ને બુધવારે સવારે 9 કલાકે રાખવામાં આવી છે. જેમાં 16.12 ચો.મી. કાર્પેટ એરીયાથી ર7.68 કાર્પેટ એરીયાની દુકાનો છે. તેમાં અપસેટ કિંમત 15.30 લાખથી 26.30 લાખ નકકી કરવામાં આવી છે. આ જ રીતે 150 ફુટ રીંગ રોડ પર દ્વારકાધીશ હાઇટસ સામે બનાવવામાં આવેલ શહીદ સુખદેવ ટાઉનશીપમાં તા. 3-11ને શુક્રવારે સવારે 9 વાગ્યે 34 દુકાનોની જાહેર હરાજી રાખવામાં આવી છે.
આ આવાસ યોજના હેઠળના કોમ્પ્લેક્ષમાં 15.39 ચો.મી.થી 53.04 ચો.મી. કાર્પેટ એરીયાની દુકાનો બનાવવામાં આવી છે જેમાં અપસેટ કિંમત સાડા આઠથી 8.60 લાખ જેવી બનાવવામાં આવી છે.આવાસ યોજનાના હપ્તા અને તે સિવાય દુકાનો વેંચીને થતી આવક પણ મનપા માટે આવકનું મોટુ સાધન બન્યા છે અને કોર્પો.ની આવકમાં મહત્વનો હિસ્સો ધરાવે છે તે ઉલ્લેખનીય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.