આજી નદીના કાંઠેથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી: પ્રેમ પ્રકરણમાં લોથ ઢળી - At This Time

આજી નદીના કાંઠેથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી: પ્રેમ પ્રકરણમાં લોથ ઢળી


આજી નદીના કાંઠેથી મોડી રાતે બે દિવસ પહેલાં ગુમ થયેલ 21 વર્ષીય યુવકની હત્યા કરાયેલ લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડી કમ્પોઝ લાશની ઓળખ મેળવી ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થોરાળા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી યુવકને મોતને ઘાટ ઉતારનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી છે.
વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, રાજકોટના નવા થોરાળામાં ગોકુલપરા શેરી નં.1 ની પાછળ રહેતો નીતિન ઉર્ફે નિખિલ પરસોતમભાઈ સોલંકી (ઉ.વ.21) ગઈ તા.20 ના પોતાના ઘરે જમી રાતે 11 વાગ્યે ઘરેથી બજારમાં ગયો હતો. જે મોડી રાત સુધી ઘરે આવ્યો ન હતો. જે બાદ સવારે પરિવારજનોએ ફોન કરતાં તે ફોન ઉપાડતો ન હતો.
બાદમાં સાંજે તેનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. જેથી યુવાનના પિતા પરસોતમભાઈ થોરાળા પોલીસ મથકે પહોંચ્યા હતાં અને પુત્ર ગુમ થયાની નોંધ કરાવી હતી. જે બાદ પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પાડોસીએ યુવાનના પરિવારજનોને જણાવ્યું હતું કે, ગઈ તા.20 ના નીતિન બે યુવકો સાથે ઝઘડો કરતો હતો અને બાદમાં તેઓ ત્રણેય ઝઘડો કરતાં કરતાં આજી નદી તરફ ગયાં તેવું જોવા મળ્યું હતું.
જેથી યુવાનના પરિવારજનોએ આજી નદીના કાંઠે તપાસ હાથ ધરતાં નવા થોરાળામાં ગૌશાળા સામે આજી નદીના કાંઠેથી એક લાશ મળી આવી હતી. જેમના કપડા પરથી પરીવારજનોએ પુત્રને ઓળખી કાઢ્યો હતો. બાદમાં 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.
જરૂરી કાર્યવાહી કરી ડી કમ્પોઝ થયેલ લાશને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ ધીરૂભાઇ ઉર્ફે કિશન પરસોતમભાઈ સોલંકીની ફરીયાદ પરથી થોરાળા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં એક આરોપી કરણ હેમંત રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી મનોજ પ્રવિણ મકવાણા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, મૃતક નીતિનને આરોપી મનોજ અને કરણ સાથે ગઈ તા.20 ની રાતે ઝઘડો થયાં બાદ ત્રણેય આજી નદીના કાંઠે ગયાં હતાં અને મનોજ અને કરણે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.
પીઆઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મૃતકને પત્ની સાથે છૂટાછેડા થયાં બાદ તેમની સાથે આરોપી મનોજને સબંધ હોય જે મામલે અવારનવાર ઝઘડો થતો હતો. જે હત્યા સુધી પહોંચ્યાંનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આજી નદીના કાંઠેથી યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવતાં મૃતકના પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો. વધુમાં મૃતક નીતિનના ભાઈ ધીરૂ ઉર્ફે કિશને જણાવ્યું હતું કે, તેઓ બે ભાઈ છે. જેમાં નીતિન નાનો હતો. બંને ભાઈઓ અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે.
તેમનો ભાઈ અને આરોપી મનોજ, કરણ ત્રણેય ગાઢ મિત્રો હતાં. ગઈ તા.20 ના ત્રણેય સાથે બેસી દારૂ પીધો હતો અને બાદમાં ત્રણેય વચ્ચે ગાળો બોલવા મામલે ઝઘડો થયો હતો અને બાદમાં બનાવ હત્યા સુધી પહોંચ્યો હતો. બાદમાં આરોપી કરણ ચાલીને ચોટીલા નીકળી ગયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.