હોનારતના 45 વર્ષ.આજે પણ હોનારતની તસવીરો મોરબીવાસીઓનું હૈયું હચમચી નાખે છે!
મચ્છુ હોનારતના 45વર્ષ: વર્ષ 1979માં આજના દિવસે બનેલી ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-દુનિયાના લોકોને હચમચાવી દીધા હતા. જળપ્રલયની દુનિયાની મોટી ઘટનાઓના ઇતિહાસમાં આ હોનારતનો પણ સમાવેશ થાય છે.
મોરબીઃ વર્ષ 1979માં બનેલી મચ્છુ હોનારને આજે 45વર્ષ થઈ ગયા છે. જોકે, આ પછી પણ એ દિવસે જે ઘટના બની હતી તેની તસવીરો આજે પણ લોકોને હચમચાવી દે તેવી છે. આંખના પલકારામાં જળપ્રલયે મોરબીને સ્મશાન ભૂમિ બનાવી દીધી હતી. 11મી ઓગસ્ટ 1979ની મરછુ જળપ્રલય દુર્ઘટનાની આજે વરસી છે. આ ઘટના બન્યા પછી જે તસવીરો સામે આવી હતી તે ભલભલાનું હૃદય દ્રવી ઉઠે તેવી તારાજી સર્જાઈ હતી.વિશ્વની મોટી જળહોનારતોમાં જેની ગણના થાય છે તેવી મોરબીની મચ્છું જળહોનારતની આજે 45મી વરસી છે. 11 ઓગસ્ટ, 1979નો દિવસ ભયાનક, ગોઝારો અને સમગ્ર ગુજરાત અને મોરબીવાસીઓ જેને કદી નહી ભૂલી શકે તેવો પ્રલયકારી હતો. આ દિવસે મચ્છુ-2 ડેમના પાણી પોતાની મર્યાદા ઓળંગી મોતની તબાહી બની સમગ્ર મોરબી પર ક્રૂર રીતે ત્રાટક્યા હતા. જળપ્રલયે સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતી મયૂર નગરીને એક ઝાટકે તહસ નહસ કરી નાખી હતી. હજારો માસૂમ જિંદગીઓને એ પૂરે પોતાના વહેણમાં સમાવી મોરબીને ભયાનક સ્મશાનમાં ફેરવી નાખ્યું હતું.જળપ્રલયના દિવસે પાણીના 30-30 ફૂટ ઊંચા પાણીના મોજા આવ્યાં હતા, આખા શહેરમાં પાણી પ્રસરી ગયાં હતા. જોત જોતામાં તો મચ્છુના આ પૂરે એક વિનાશક રૂપ ધારણ કરીને આખું મોરબી શહેર તબાહ કરી નાખ્યું હતું. પૂર બાદ આખા શહેરમાં ઠેર-ઠેર પડેલા સેંકડો મૃતદેહો જોવા મળતા હતાં. વીજળીના થાંભલાઓ અને એના તાર ઉપર લટકતી માનવ અને પશુઓની લાશો એ પૂરની ભયાનકતા અને વિનાશને દર્શાવતા હતાં. જ્યાં જુઓ ત્યા બસ હજારો માનવ અને જાનવરોના કોહવાઇ ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો અને કાટમાળ જોવા મળતો હતો. પોતાના સ્વજનોને શોધતા તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓ કુદરતના આ પ્રકોપ આગળ નિઃસહાય બની ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.