ઝારખંડમાં રાજકીય ઘમાસાણ : સોરેન પર લટકતી તલવાર
રાંચી, તા.૨૭ઝારખંડમાં મુખ્યમંત્રી હેમતં સોરેનના વિધાનસભાના સભ્યપદ પર લટકતી તલવારના પગલે રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. રાજ્યમાં શાસક ગઠબંધન સરકારને ભાજપ ઝામુમોના ધારાસભ્યોને તોડીને ઝારખંડમાં રાજકીય અસ્થિરતા પેદા કરે તેવો ડર છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાન વચ્ચે શનિવારે સીએમ હાઉસમાં મહાગઠબંધનના ધારાસભ્યોની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. ત્યાર પછી ધારાસભ્યોને ત્રણ બસોમાં ભરીને ખૂંટીમાં એક રિસોર્ટમાં લઈ જવાયા છે. સરકારની અનિશ્ચિતતા વચ્ચે રિસોર્ટમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા,મીડિયાને પણ પ્રવેશનો ઈનકાર ઃ સોરેને લાતૂરાત ડેમમાં બોટિંગનો આનંદ માણ્યોઝારખંડમાં હેમંત સોરેન મુખ્યમંત્રીની ખુરશી જવાની સંભાવનાઓને જોતા પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે ખૂંટીની એક રિસોર્ટમાં લઈ ગયા છે. આ પહેલાં રાંચીના સીએમ આવાસ પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી મુખ્યમંત્રી હેમંત સોરેન ત્રણ લકઝરી બસમાં ધારાસભ્યોને લઈને રવાના થયા હતા. બસની પહેલી સીટ પર મુખ્યમંત્રી સોરેન બેઠા હતા. આ સિવાય બસમાં સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, મંત્રી જોબા માંઝી, ધારાસભ્ય કુમાર જયમંગલ ઉર્ફ અનૂપ સિંહ પણ દેખાય છે.બીજીબાજુ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસે મુખ્યમંત્રી હેમંત સોરેનને ધારાસભ્ય પદેથી અયોગ્ય ઠેરવવાનો આદેશ શનિવારે ચૂંટણી પંચને મોકલી આપ્યો હોવાનું રાજભવનના સૂત્રોનું કહેવું છે. હવે ચૂંટણી પંચ ઝારખંડના વિધાનસભા અધ્યક્ષને હેમંત સોરેનને વિધાનસભાના સભ્ય તરીકે રદ કરવાનો આદેશ મોકલે તેવી સંભાવના છે. ખનના પટ્ટાના એક કેસમાં લાભના પદ માટે હેમંત સોરેનને ચૂંટણી પંચે ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરતાં સોરેન પર તલવાર લટકી રહી છે. આવા સમયમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો), કોંગ્રેસ અને રાજદની ગઠબંધન સરકારને ભાજપ તરફથી હોર્સ ટ્રેડિંગ કરી તેના ધારાસભ્યોને તોડવામાં આવે તેવી આશંકા છે.ઝારખંડમાં ૮૧ સભ્યોની વિધાનસભામાં શાસક ગઠબંધનના ૪૯ ધારાસભ્ય છે. સૌથી મોટા પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના ૩૦, કોંગ્રેસના ૧૮ અને રાજદના એક ધારાસભ્ય છે. ગૃહમાં મુખ્ય વિપક્ષ ભાજપના ૨૬ ધારાસબ્ય છે. હેમંત સોરેન પોતાના ધારાસભ્યોને લઈને ખૂંટીમાં એક રિસોર્ટમાં પહોંચતા આ આશંકાઓને બળ મળ્યું છે. ગઠબંધન ધારાસભ્યો અંગે આગળની રણનીતિ પર ચર્ચા કરવા સીએમ આવાસમાં બેઠક યોજાઈ હતી. ગઠબંધન સરકારના ધારાસભ્યોને ખૂંટી જિલ્લામાં એક રિસોર્ટમાં પહોંચ્યા પછી સરકારની અનિશ્ચિતતાઓ વચ્ચે હેમંત સોરેને લતરાતૂ ડેમમાં બોટિંગનો આનંદ માણ્યો હતો. ધારાસભ્યોને લઈ જતી ત્રણ બસો સાથે અનેક અન્ય વાહનો પણ આ કાફલામાં સામેલ હતા. ડીસી, એસપી સહિત મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો ધારાસભ્યોની ચોકી કરી રહ્યા છે. પોલીસ અન્ય કોઈપણ વ્યક્તિને રિસોર્ટ સુધી પહોંચવા નથી દઈ રહી. પત્રકારોને પણ રિસોર્ટ સુધી પહોંચવાની મંજૂરી અપાઈ નથી. હેમંત સોરેનની મુખ્યમંત્રી તરીકેની ખુરશી જવાની સંભાવનાના કારણે ધારાસભ્યોને બચાવવા આ તૈયારી કરાઈ છે. ગૃહમાં ફ્લોર ટેસ્ટની જરૂર પડે તો પહેલા ધારાસભ્યોને વ્હિપ જાહેર કરાશે. ત્યાર પછી તેમને રાંચી લઈ જવાશે. હકીકતમાં હેમંત સોરેનને રાંચી જિલ્લાના અનગડા બ્લોકમાં ૦.૮૮ એકર જમીનનો પટ્ટો ખનન માટે મળી હતી. જોકે, ભાજપે રાજ્યપાલને મળીને આ લાભના પદનો કેસ બને છે અને સીએમ પોતાના નામથી ખનન પટ્ટો લઈ શકે નહીં તેવો દાવો કર્યો હતો. ત્યાર પછી હેમંત સોરેને ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૨ના લીઝ સરન્ડર કરી દીધી હતી. ભાજપની ફરિયાદ પછી ચૂંટણી પંચે તપાસ પછી તેનો રિપોર્ટ રાજ્યપાલને મોકલ્યો હતો અને હેમંત સોરનેનને ધારાસભ્ય પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા અને રાજ્યપાલને ભલામણ કરી હતી.હેમંત સોરેન પાસે માત્ર ૩૬ ધારાસભ્ય : ભાજપનો દાવોઝારખંડમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે અને સત્તા જવાના જોખમથી હેમંત સોરેન પોતાના ધારાસભ્યોને લઈને ખૂંટીમાં રિસોર્ટ પહોંચી ગયા છે ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે બસમાં માત્ર ૩૬ ધારાસભ્યો જ છે. તેમણે કહ્યું કે, બંધારણીય પદ પર બેઠેલા મુખ્યમંત્રી ટપોરીની જેમ સીટી વગાડી રહ્યા છે. આ જ કોંગ્રેસ સમર્થિત શાસન છે. હેમંત સોરેન ગમે તેટલા પ્રયત્નો કરે સીએમ આવાસની બેઠકમાં માત્ર ૩૩ ધારાસભ્યો જ પહોંચ્યા છે. જોકે, સોરેન સરકાર ફરીથી બનાવવાની થાય તો તેમને ઓછામાં ઓછા ૪૧ ધારાસભ્યોની જરૂર પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.