પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પી.એસ.ગઢવીએ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું - At This Time

પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પી.એસ.ગઢવીએ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું


પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પી.એસ.ગઢવીએ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું
--------------
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજા પણ બાઈક રેલીમાં જોડાયાં
--------------
મતદાન જાગૃતિના પોસ્ટરો સાથે અવશ્ય મતદાન કરવાનો પ્રેરક સંદેશ અપાયો
----------------
ગીર સોમનાથ,તા.૧: લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોઈપણ મતદાર પોતાનાં મતદાનનાં અધિકારથી વંચિત ન રહી જાય અને જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકલ્પ સાથે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે.

આજે સાંજે વેરાવળ બાર એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભૂવન રોડ ખાતે આવેલ કોર્ટ બિલ્ડીંગ ખાતેથી પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના અધિકારીઓ અને વકીલો જોડાયા હતાં.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજશ્રી પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું કે, ચૂંટણી એ એક પર્વ છે. લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું જરૂરી છે.

આ અવસરે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકતંત્રના પાયા સમા ન્યાયતંત્ર, વહીવટીતંત્ર અને પોલીસતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તે ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સમાજનો તમામ વર્ગ સહભાગી થાય તે માટે નાગરિકોને જાગૃત કરવાની જવાબદારી પ્રબુદ્ધ નાગરિકોની છે. મતદાન જાગૃતિનો સંદેશો છેવાડાના નાગરિકો સુધી પહોંચે આ માટે ચૂંટણીતંત્ર સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

કાયદાના રખેવાળ એવા વકીલો દ્વારા લોકશાહીના મહામૂલા પર્વને અનુસંધાને રાજ્યના છેવાડાના નાગરિક પણ ચૂંટણીના મહાપર્વમાં જોડાય તે અંગે જાગૃતિ આવે અને યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત સર્વેએ ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સંકલ્પ લીધો હતો.

આ બાઈક રેલી રાજેન્દ્રભૂવન ખાતે આવેલ કોર્ટ બિલ્ડિંગથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ તેમજ ટાવર ચોકથી થઈ પાટણ દરવાજા પોલીસ સ્ટેશને પૂર્ણ થઈ હતી.

આ બાઈક રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા, સરકારી વકીલ શ્રી કેતનસિંહ વાળા, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી સૂર્યકાંત સવાણી સહિત ન્યાયજગત સાથે સંકળાયેલા લોકો જોડાયાં હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.