સરકારી યોજનાઓના લાભાર્થીઓનુ જીવનધોરણ ઉંચુ લાવવામાં ગરીબ કલ્યાણ મેળાઓ નિર્ણાયક સાબિત થયા છે -કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ - At This Time

સરકારી યોજનાઓના લાભાર્થીઓનુ જીવનધોરણ ઉંચુ લાવવામાં ગરીબ કલ્યાણ મેળાઓ નિર્ણાયક સાબિત થયા છે -કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ


સરકારી યોજનાઓના લાભાર્થીઓનુ જીવનધોરણ ઉંચુ લાવવામાં ગરીબ કલ્યાણ મેળાઓ નિર્ણાયક સાબિત થયા છે -કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૬૧ લાભાર્થીઓને ૨૩.૩૩ કરોડની સહાય ચુકવાઈ :મુખ્યમંત્રી ના કાર્યક્રમમાં ઓનલાઇન સામેલ થતા જામનગરના નાગરિકો

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓનુ જીવનધોરણ ઉંચુ લાવવામાં નિર્ણાયક સાબિત થયા છે.

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શૃંખલા અન્વયે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત"ના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રના સક્રિય પ્રયાસોને લીધે લાભાર્થીઓને પારદર્શક રીતે સરકારી યોજનાઓના લાભો મળી રહ્યા છે. મંત્રી રાઘવજીભાઈએ વર્ષ ૨૦૦૯ થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલા ગરીબ કલ્યાણ મેળાઓની આંકડાકીય માહિતી આપતાં ઉમેર્યું હતું કે અત્યાર સુધી યોજાયેલા કુલ ૧૩ શ્રેણીના ગરીબ કલ્યાણ મેળાઓમાં ૧ કરોડ ૬૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૩૬ હજાર ૮૦૦ કરોડના લાભો હાથો-હાથ મળી શક્યા છે. આ વર્ષની ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શ્રેણી અંતર્ગત આજે રાજ્યના ૩૩ જિલ્લા તથા ૨ મહાનગરપાલિકા મળી કુલ ૩૫ સ્થળોએ એકી સાથે ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યા છે, જેમાં રાજ્ય સરકારની વિવિધ ૨૪૧ યોજનાઓના ૪૦ લાખથી વધુ લોકોને રૂ. ૫૯૧૧ કરોડની સહાય ચુકવવામાં આવશે.

રાજ્ય સરકારના જરૂરિયાતવાળા નાગરિકોને મદદરૂપ થવાના આશયને પરિપૂર્ણ કરવા માટે યોજાઈ રહેલા આ ગરીબ કલ્યાણ મેળાથી રાજ્યના નાગરિકો આર્થિક ઉન્નતિ કરી શકશે, એવો આશાવાદ વ્યક્ત કરતાં મંત્રી રાઘવજીભાઈએ લાભાર્થીઓને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ સાધવા અનુરોધ કર્યો હતો.
મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા આમંત્રિતોના હસ્તે
જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૬૧ લાભાર્થીઓને જુદી-જુદી ૧૪ સરકારી યોજનાઓની રૂ. ૨૩.૩૩ કરોડની સહાય ચુકવાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આ પ્રસંગે જીવંત પ્રસારણ કરાયું હતું, જેમાં જામનગરના નાગરિકો સામેલ થયા હતા.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા આમંત્રિતોના હસ્તે દિપ પ્રાગટયથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો હતો.

સ્વાગતગીત બાદ આમંત્રિતોનુ શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ કર્યું હતું. મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ઉપસ્થિતોનું સ્વાગત કઠોળની ટોપલીથી કરાયું હતું.
ગરીબ કલ્યાણ મેળા અને પાણી પુરવઠા યોજના અંગેની ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓએ તેમના પ્રતિભાવોમાં રાજ્યસરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.લોકસાહિત્ય કલાકાર હરિદેવ ગઢવી તથા સાથીઓએ આ પ્રસંગે લોકડાયરો રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરાયેલા વિવિધ વિભાગોના સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર, કલેક્ટર બી.કે. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, હાપા એ.પી.એમ.સી.ના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એ. ઝાલા, પ્રાંત અધિકારી ઓ, વિવિધ વિભાગના અધિકારી ઓ, અગ્રણી ઓ,હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.