વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે બસમાંથી મહિલા મુસાફરના ત્રણ લાખના દાગીના ચોરાયા - At This Time

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે બસમાંથી મહિલા મુસાફરના ત્રણ લાખના દાગીના ચોરાયા


વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરમાં વધુ બે ચોરીની ઘટનાઓ સામે આવી છે .જાંબુઆ બ્રિજ પાસે  હોટલમાં ચા નાસ્તો કરવા ઊભેલી બસમાંથી અજાણ્યો તસ્કર મહિલા મુસાફરના ત્રણ લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થઈ જવા પામ્યો છે. તો વળી બાવચાવાળ વિસ્તારમાં બંધ મકાનનો લાભ ઉઠાવી પાછળના દરવાજાની સાંકળ ખોલી ઘરમાં ઘૂસેલો તસ્કર રૂ.40 હજારની કિંમતના દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો.આ અંગેની વિગત એવી છે કે, સુરતના રહેવાસી ભગવતીબેન તેલી ગત 15 મી એપ્રિલના રોજ મંદિરની પ્રતિષ્ઠા માટે રાજસ્થાન ગયા હતા. જ્યાંથી પરત સુરત માટે આશાપુરી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બીજી મેના રોજ ચા નાસ્તો કરવા બસ વડોદરાના જાંબુઆ બ્રિજ પાસેની બાબા રામદેવ હોટલ પર ઉભી રહી હતી. આ દરમિયાન તેઓ પોતાનું બેગ બસમાં મૂકી શૌચાલય ગયા હતા. જ્યાંથી પરત આવતા પર્સમાંથી રૂપિયા ત્રણ લાખ ની કિંમત ધરાવતા સોનાની બુટ્ટી ,સોનાનો હાર, સોનાનું બાજુબંધની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં બાવચાવાડ વિસ્તારમાં વિધવા જીવન ગુજારતા શોભાબેન કહાર છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 20 ઓગસ્ટના રોજ તેઓ મકાનના મુખ્ય દરવાજાને લોક મારી ભિલોડીયા ગામ ખાતે સંબંધીના ખબર અંતર પૂછવા ગયા હતા. જ્યાંથી પરત ફરી પોતાની પાસે રહેલી ચાવી વડે લોક ખોલી ઘરમાં જોતા સામાન વેરવિખેર નજરે ચડ્યો હતો. અને પાછળનો દરવાજો ખુલ્લો જણાય આવ્યો હતો. તપાસ કરતા અજાણ્યો તસ્કર પાછળના દરવાજાની સાંકળ ખોલી રૂ.40 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.