પોરબંદર પાસે સર્જાયેલા અકસ્માતમાં યાત્રાળુની ભાજપના કાર્યકર દ્વારા કરાઇ મદદ - At This Time

પોરબંદર પાસે સર્જાયેલા અકસ્માતમાં યાત્રાળુની ભાજપના કાર્યકર દ્વારા કરાઇ મદદ


*પોરબંદર પાસે સર્જાયેલા અકસ્માતમાં યાત્રાળુની ભાજપના કાર્યકર દ્વારા કરાઇ મદદ*

*પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી હોય તેવા ૩૦ જેટલા યાત્રાળુઓને હોસ્પિટલ નજીકના રત્નસાગર હોલમાં આરામ કરવાની તથા ભોજનની વ્યવસ્થા કરી અપાઈ: ઈજા નહીં પામેલા ૨૨ લોકોને પણ ઘટનાસ્થળે ભોજનના પાર્સલ મોકલી અપાયા: ભાજપના કાર્યકર રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા માનવસેવાકાર્ય યોજાયુ*

પોરબંદરના ત્રણ માઇલ નજીક બાયપાસ પાસે પાણીના ટેન્કર અને યાત્રાળુ બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૩૫ જેટલા લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે લવાયા હતા તેઓ પૈકી મોટાભાગનાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી હતી તેથી તેમને આરામ કરવાની અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તે ઉપરાંત ઇજા નહીં પામેલા ૨૨ લોકોને પણ ઘટનાસ્થળે ભોજનના પાર્સલ મોકલી અપાયા હતા.

પોરબંદર બાયપાસ રોડ ઉપર કેદાર હોટલ પાસે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામના યાત્રાળુઓની બસ દ્વારકા અને હર્ષદ દર્શન કરીને સોમનાથ જતી હતી ત્યારે પાણીના ટેન્કર સાથે બસ અથડાતા ૩૫ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી અને તેમાં બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બસના ડ્રાઇવરને ગંભીર ઇજા હોવાથી હાયર સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા ભાજપના કાર્યકર રામદેવભાઈ મોઢવાડીયા તાત્કાલિક ભાવસિંહજી હોસ્પિટલે દોડી ગયા હતા. નરેશભાઈ થાનકી અને દુષ્યંતભાઈ મહેતા સહિત આગેવાનો પણ સાથે રહ્યા હતા અને ઈજા પામેલ લોકોને સારવાર અપાવવામાં મદદ કરી હતી.

પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ મોટી ઉંમરની બહેનો અને વૃધ્ધો પણ હતા તેથી ખારવાસમાજના અગ્રણી માજી વાણોટ હરજીવનભાઈ કોટીયા અને સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાએ તાત્કાલિક રત્નસાગર હોલ ખોલાવી ત્યાં આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી તથા ભોજનની વ્યવસ્થા રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા કરી આપવામાં આવી હતી.

અકસ્માત સ્થળે ઇજા નહીં પામેલા બાવીસ જેટલા લોકોને પણ ભોજનની વ્યવસ્થા રામદેવભાઈ મોઢવાડીયાએ કરી આપી હતી અને ભોજનના પાર્સલની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આમ પોરબંદરમાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં આગેવાનો મદદ માટે ખડે પગે રહેતા તેમની કામગીરીને પણ સૌએ બિરદાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.