આજે પાલિકા તંત્ર દ્વારા મહુડી ભાગોળ વિસ્તારનાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા – ઝુંબેશ યથાવત
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
[ ઈતિહાસમાં પહેલીવાર આટલો લાંબો સમય ડભોઈ નગર દબાણો મુકત ]
થોડાં દિવસો પહેલાં ડભોઈ નગરપાલિકાના તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.જેમા મોટાં પાયે ગેરકાયદેસરના દબાણો અને બાંધકામો દૂર કરી નગરને દબાણ મુક્ત કરાયું હતું. પાલિકા તંત્રની આ કડક કામગીરીની પ્રશંસા પણ થવા પામી હતી. નગરનાં ઈતિહાસમાં પ્રથમવાર નગર આટલાં બધાં દિવસો સુધી દબાણ મુક્ત રહેવા પામ્યું હતું.
થોડા સમયના વિરામ બાદ આજરોજ ડભોઇ નગરનાં મહુડી ભાગોળ વિસ્તારની બહારનાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. અગાઉ હાથ ધરવામાં આવેલી કામગીરીમાં આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભાં કરાયેલાં એક શોપિંગ સેન્ટરના બાંધકામને દૂર કરી દાખલા રૂપ કડક કામગીરી કરાઈ હતી. આજે પણ કેટલીક જગ્યાએ આવા ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવાયા હતા. ડભોઈ નગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ કર્તા પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ દબાણ શાખાની ટીમે કુલ ૫૦૦ ઉપરાંત ગેરકાયદેસર લારી - ગલ્લાઓ, દબાણો દૂર કર્યા હતા અને આ સમગ્ર કામગીરી દરમિયાન પાલિકાની ટીમે રૂપિયા ૨ લાખ ઉપરાંત દંડની વસુલાત કરવામાં આવી હતી.
હાલમાં ચાલતી ચર્ચાઓ મુજબ દબાણો દૂર થતાં ડભોઇ નગરના મુખ્ય માર્ગો હાલની દ્રષ્ટિએ મોકળા જણાઈ આવ્યા હતા. જેને કારણે રાહદારીઓને સુગમતા ઊભી થઈ હતી. પરંતુ ડભોઇ નગરમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે તો શું નગરપાલિકા આ યથાવત પરિસ્થિતિમાં રહેલા આ ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર કરશે એ નગરજનો કાગડોળે રાહ જોઈને બેઠા છે. આમ તો ડભોઈ નગરપાલિકાએ આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં ખૂબ જ સહસિકતા બતાવી છે. પરંતુ એ કેટલા સમય સુધી યથાવત રહે છે તે પણ જોવું રહયું ? જો આવા ગેરકાયદેસર દબાણો - બાંધકામો હરમહંમેશ માટે દૂર કરવામાં આવે તો ચોક્કસપણે ડભોઇ નગરની રોનક બદલાઈ જશે. આ સમગ્ર દબાણો હટાવવા માટે ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન અને સૂચના મુજબ પાલિકાનાં કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જે ટીમનાં ઈનચાર્જ સંજયભાઈ ઈનામદાર સહિતના કર્મચારીઓએ સફળતાપૂર્વક આ દાખલા રૂપ કડક કામગીરી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.