લાખેણું લાઠી
'' લાખેણું લાઠી ''
કલાપીનગર લાઠીની માટીમાં આજે પણ કલાપીના લાખો કણ મૌજુદ છે, અને એ કણ લાઠીના દરેક માણસોના જીવનમાં બહુ સાહજીકતા થી પ્રવેશી ગયા છે. એટલે જ તો લાઠીને લાખેણું નગર કહેવામાં આવે છે. આ સંસ્કાર નગરી બહુ ભવ્ય ભૂતકાળ ધરાવે છે, અહીં સોમનાથની સખાતે પ્રથમ શહીદી વહોરનાર વીર હમીરજી ગોહીલથી લઈને વીર દેદરમલ જેવા મહાન પુરુષો પાક્યા છે, દેદાની યાદ માં આજે પણ દીકરીઓ મોળાકાત નાં વ્રત કરીને દેદાની સ્મૃતિઓ તાઝી રાખે છે. તો વીર ચાંપરાજ વાળાનો દેહ પણ લાઠીમાં આવીને પરમ શાંતિ પામ્યો છે. સમય સમયે ગાંગલી ઘાંચણ કે લાલિયો ભૂત આ નગરની પાણીની સમસ્યા દુર કરવા મદદે આવ્યા છે, પૂજ્ય. મોરારી બાપુને તુલસીદાસ કૃત રામાયણની ચોપાઈઓ શુદ્ધ છંદોમાં ગાતા કરનાર પણ અહીના રામજીરામ બાપુ હતા, નવરાત્રીમાં નવ દિવસ પ્રેમ, શૌર્ય અને ભક્તિરસ થી તરબોળ આખ્યાનો અહી જ ભજવતા હતા, તો મહાન ચિત્રકાર અને રાજવી પરિવારના કુમાર મંગલસિંહજી અને હાલના ઠાકોરસાહેબ ઓફ લાઠી, કીર્તિકુમારસિંહજીએ ચિત્રકળા ક્ષેત્રમાં લાઠીનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે, સમર્થ નાટ્યકાર શ્રી, કાંતિ મડિયા એ કલા ક્ષેત્રે બહુ મોટું અને ગૌરવપૂર્ણ પ્રદાન કર્યું છે, તો સિનેમા માં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા ભજવીને શ્રી શ્રીકાંત સોની બહુ નામના કમાયા છે. લોકસાહિત્ય ક્ષેત્રે શ્રી,વલ્લભભાઈ રીબડીયાનું પ્રદાન બહુ મોટું છે, શ્રી, હરિકૃષ્ણ વ્યાસ એ 'કરોકે' સાઉન્ડ અને ગુજરાતી લઘુ-લીપીની શોધ લાઠી માં જ કરી હતી, બીજા વિશ્વ યુદ્ધ વખતે મોટી મોટી આગબોટ સ્ટીમરોને તોડી પાડે એવા 'ટોર્પિડો ' ની શોધ કરી હતી, અને અમેરિકાના તે સમયના પ્રમુખ શ્રી, થીઓડોર રુઝવેલ્ટ એ આની નોંધ લઈને બ્રિટિશ સરકારને માહિતી આપી હતી, પછી તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ પણ હરીકૃષ્ણ ભાઈને મળવા આવેલા, લાઠીની માધ્યમિક સ્કુલમાં એ સમયે ઈંગ્લીશ 5 ધોરણનું ભણતર ભણવવામાં આવતું હતું અને તેમના વૈજ્ઞાનિક તરીકે ના અભ્યાસ અને સંશોધનપૂર્ણ લેખો તે સમયે કુમાર માસિકમાં નિયમિત છપાતા, રાજવી પરિવારના મુંબઈ પોલીસ કમિશ્નર શ્રી, પ્રવીણસિંહજીના દીકરા શ્રી, જનકકુમારસિંહજી ગોહિલ એ ગુજરાતના પ્રથમ એર- માર્શલ બન્યા અને 1945-ના વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની વાયુસેના માં નોંધપાત્ર યોગદાન આપ્યું, સાહિત્ય ક્ષેત્રે, ઠાકોરસાહેબ શ્રી, પ્રહલાદસિંહજી ગોહિલ, કવિશ્રી, ધૈર્યચંદ્ર બુદ્ધ, મહાસુખભાઈ રાણપુરા, મનસુખભાઈ ઉપાધ્યાય, એ લાઠી ને બહુ લાડ લડાવ્યા, લાઠી માં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી, ઇતેશભાઈ મેહતા અને મિત્રો સામાજિક, સાસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃતિને જોશભેર કરી રહ્યા છે, તો આધ્યાત્મિક ક્ષેત્રે આ યુગનાં દિવાકર બનીને યુવાનોના જીવનને પ્રકાશિત કરવાનું ઉમદા કાર્ય પૂજ્ય,નમ્રમુની મહારાજ સાહેબે કર્યું, વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિભાવ ને સદાય હિલોળા લેતો રાખનાર દ્વારકેશ બાવાશ્રી, નું યોગદાન પણ મહામુલું છે. માથેરાન માં મીની ટ્રેન શરુ કરનાર દાઉદી વોહરા સમાજના આદમજી પીરભાઈ અને મુંબઈમાં વળિયા, સંઘવી, ભાયાણી, મડિયા, લાઠીયા, પરિવારોએ તો ગુજરાતમાં ધોળકિયા, ધોળિયા, ગુજરાતી, શંકર, નાવડિયા, ડેર, ડાંગર, રીબડીયા, પાડા, હૂમલ, મકવાણા, રાણા,ભાયાણી, પટેલ પરિવારોએ લાઠીનું નામ રોશન કર્યું છે....
ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરવાની મૂળ પરિકલ્પના જ કવિ કલાપીની હતી અને તે માટે તેમણે 1898,99 માં 100- જેટલા સાક્ષરોની એક યાદી બનાવીને પરિષદનું અધિવેશન ભરવાની તૈયારીમાં હતા અને અચાનક તેમનું દેહાવસાન થયું પછી, એ સ્વપ્ન 1933માં લાઠીના રાજવી શ્રી, પ્રહલાદસિંહજી એ પૂરું કર્યું અને સાહિત્ય પરિષદ લાઠીમાં ભરાઈ એ પછી તો અનેકવાર સાહિત્યના અનેક પ્રકારના આયોજનો થતા રહ્યા છે. અને ગુજરાતના મોટાભાગના સુપ્રસિદ્ધ સારસ્વતોએ લાઠીની માટીને પવિત્ર કરી છે, મૂર્ધન્ય કવિ શ્રી, ઉમાશંકરભાઈ જોશી લાઠી પધાર્યા ત્યારે રેલ્વે સ્ટેશને ઉતરીને લાઠીની માટી માથે ચડાવીને એક સરસ કાવ્ય 'લાઠી સ્ટેશને' રચ્યું જે લાઠીની માટીની મહત્વ સમજાવે છે.....
પણ લાઠીને પારાવાર પ્રેમ કરનાર અને લાઠીના ઉત્કર્ષ માટે સદાય પોતાનું મહતમ યોગદાન આપનાર તો શ્રી, મનજીભાઈ ધોળકિયા અને શ્રી, ગોવિંદભાઈ ધોળકિયા, આ બન્ને હીરા ઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તો ખરા પણ વતન પ્રેમી પણ એટલાજ શેઠશ્રી, મનજીભાઈ એ ભવાની જેમ્સ ની સ્થાપના કરી પછી લાઠીના કોઈપણ જ્ઞાતિના કોઈપણ યુવાનને પોતાની કંપનીમાં બહુ મીઠો આવકાર આપીને રોજગારી પૂરી પાડી, લાઠીમાં કંપનીની બ્રાંચ ખોલીને વતનમાં રહીને કામ કરનાર કારીગરો માટે બહુ મોટું આવકનું સાધન ઉભું કરી દીધું તો સુરત અમદાવાદ, ભાવનગર, મુંબઈ, અને હોંગકોંગ સુધી લાઠીના માણસોને કામ પર લગાવીને બહુ મોટું પ્લેટફોર્મ પણ આપ્યું, તમારામાં ઈમાનદારી થી મહેનત કરવાની અને આગળ વધવાની ધગશ હોય તો ભવાનીજેમ્સ યોગ્યતાના ધોરણે તમને બહુ ઝડપી આગળ વધવાની તક આપે છે, કોઈનું શોષણ નહિ પણ સૌની કદર અને કિંમત કરી જાણતા મનજીભાઈ સાચા અર્થમાં હીરા અને માણસ પારખું ઝવેરી છે, પોતાને મળેલી અઢળક સફળતાનો સદ ઉપયોગ કરીને તેમણે લાઠીની કાયા પલટ કરી નાખી, આજે લાઠીમાં તમને ક્યાંય ગરીબી કે બેકારી જોવા નહિ મળે, ભવ્ય પ્રવેશદ્વારો સાફ સુથરા રસ્તાઓ અને ચેક ડેમ અને ગાગડીયાના ગાળ કઢાવ્યા તો જીર્ણ થઇ ગયેલું કલાપી તળાવ ઊંડું કરાવીને પાણીની સમસ્યાનો કાયમી અંત લાવી દીધો, લાઠી ઠાકોરસાહેબ શ્રી, કીર્તિકુમારસિંહજી ગોહિલ આ માટે મનજીભાઈને હંમેશાં દિલથી યાદ કરે અને અભિનંદન આપે, કે અમારે રાજકોટમાં હમેશા પાણીની તકલીફ રહે છે. પણ લાઠી લીલું લહેર દેખાય છે, આ માટે મનજીભાઈની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રીતિ જવાબદાર છે. વતન પ્રત્યે મોહબ્બત તો બધાને હોય પણ પોતાની તિજોરી ખોલીને વતનની કાયા પલટ કરી નાખનાર વતન પ્રેમી તો મનજીભાઈ જેવા લાખો માં એક હોય !! આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ ને આર્થીક સહયોગ આપીને મનજીભાઈએ લાઠીના વિશ્વપ્રસિદ્ધ કવિ કલાપી અને વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર કાંતિ મડિયા ની યાદમાં દર વર્ષે એવોર્ડ શરુ કરાવ્યા અને એ રીતે સારસ્વતો અને કલાકારોનું યોગ્ય સન્માન કરાવીને લાઠીને બહુ મોટી ગરિમા બક્ષી છે, સંસ્કાર નગરી લાઠી આજે યુરોપના કોઈ ગામ જેવું દેખાય છે, પેવર બ્લોકના પાકા રસ્તાઓ, સર્કલો, બાગ, બગીચા, શાળાઓ, હોસ્પિટલ, થી લઈને દેવાલયો, એમ્બ્યુલન્સ સેવા, કારખાનાઓ બધું જ ભવ્ય દેખાય છે, મનજીભાઈ લાઠીની મુલાકાતે આવે ત્યારે લાઠીના પડતર પ્રશ્નો અને વિકાસના કામોને વેગ મળે છે, પોતે જાતે દરેક કામમાં રસ લઈને માર્ગદર્શન આપે, લાઠી નગર પાલિકા પણ હરકતમાં આવી જાય અને ફટાફટ કામો શરુ થઇ જાય છે, આની પાછળ તેમનો વતન પ્રેમ અને નિષ્ઠા છે. સખત પરિશ્રમ કરીને શૂન્ય માં થી સર્જન કરનાર અરે મોટું એમ્પાયર ખડું કરનાર મનજીભાઈ અને તેમના ધર્મપત્ની લાભુબેન પણ માયાળુ સ્વભાવના છે, લાઠીના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે માતૃશ્રી, રળિયાતબેન રૂડાભાઈ ધોળકિયા ટ્રસ્ટ દ્વારા લાભુબેન કલાપી હાઇસ્કુલ ના બાળકોને અને શિક્ષકોને ઉપયોગી થાય છે....
એક રીતે જોઈએ તો લાઠી બહુ ભાગ્યશાળી છે, જ્યાં એક એક થી ચડિયાતા વતનપ્રેમી નરરત્નો પાક્યા છે, જેમનું લાઠીના સામાજિક, આર્થિક વિકાસમાં બહુ મોટું યોગદાન છે. મા, માતૃભાષા, અને માતૃભુમીનું ઋણ માણસ ક્યારેય ચૂકવી શકતો નથી, પણ આ ઋણમુક્ત થવા લાઠીના લાખેણા માણસોના પ્રયત્નોને દિલથી સલામ કરવી પડે ! - રિપોર્ટ. નિલેશ રામાવત લીલીયા
8780732640
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.