યોગ ભગાવે રોગ-સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર કરાશે રાજકોટ ખાતે "૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી - At This Time

યોગ ભગાવે રોગ-સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર કરાશે રાજકોટ ખાતે “૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી


તા.૨૧ જૂનના રોજ ઐતિહાસિક વિરાસત ઉપલેટાના ટાવરવાળી શાળા ખાતે જિલ્લા તથા ગાંધી મ્યુઝિયમ ખાતે મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની થશે ઉજવણી
૦૦૦૦૦૦ સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી જોડાશે ૦૦૦૦૦૦
રાજકોટ તા.૨૦ જૂન- યોગ ભગાવે રોગ....આદિયોગી શિવ દ્વારા સપ્તર્ષિઓને અપાયેલું યોગનું જ્ઞાન આજે વિશ્વના ખૂણે- ખૂણે પહોંચ્યું છે. ભારતીય દર્શન શાસ્ત્રનો આ ભાગ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના ફળસ્વરૂપે વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ૨૧ જૂન ૨૦૧૫થી આ દિવસ દર વર્ષે નવી થીમ સાથે વિશ્વના દેશોમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષ 'સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શ્રીનગર ખાતે રાષ્ટ્રકક્ષાની ઉજવણી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિને ગુજરાત ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ભારત-પાકીસ્તાન સરહદને અડીને આવેલ નડાબેટ ખાતે રાજ્ય સરકારના રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત રાજ્ય અને બોર્ડર સિક્યોરીટી ફોર્સના સહ આયોજનમાં યોજાનાર છે. ગુજરાતના ૩૧૨ મુખ્ય સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે. જેમાં રાજકોટ જિલ્લો પણ ઉમંગથી જોડાશે.
રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકાકક્ષા, નગરપાલિકાકક્ષા તેમજ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મહાનગરપાલિકા કક્ષાએ શહેરમાં પાંચ સ્થળો રેસકોર્ષ, નાનામવા ચોક, ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને જીજાબાઈ સ્વીમીંગ પુલ ખાતે યોગનુ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટની ઐતિહાસિક વિરાસત એવી ઉપલેટાની ટાવરવાળી શાળા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથી તરીકે સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોશ્રી, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ કલેકટરશ્રી રાજકોટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટ, વગેરે તેમજ મહાનગરપાલિકા ક્ક્ષાના કાર્યક્રમમાં મેયર શ્રી નયનાબેન પેઢડિયા તેમજ તમામ કોર્પોરેટરશ્રીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી, નાયબ કમિશનરશ્રી તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આજના સમયે અતિ ઝડપી જીવનશૈલીમાં યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાથી તન અને મન બંનેને સ્વસ્થ રાખી શકાય છે, જેથી રાજકોટ જિલ્લાની તમામ જનતાને આ ૨૧મી જુનના ભવ્ય કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ સહભાગી થવા જિલ્લા વહિવટી તંત્ર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦૦
દિવ્યા


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.