વડોદરા: બોટાદ લઠ્ઠાકાંડમાં વોન્ટેડ જટુભા રાઠોડ સાવલીથી ઝડપાયો - At This Time

વડોદરા: બોટાદ લઠ્ઠાકાંડમાં વોન્ટેડ જટુભા રાઠોડ સાવલીથી ઝડપાયો


વડોદરા,તા.27 જુલાઈ 2022,બુધવારબોટાદ લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા માટે ગુજરાત પોલીસે કમર કસી છે. ગતરોજ લઠ્ઠાકાંડ બાદ નાસતા ફરતા જટુભા રાઠોડને ગઇ કાલે સાવલી પાસેથી પકડી લેવામાં આવ્યો છે. જેની પુછપરછ બાદ આ મામલે વધુ ખુલાસા થાય તેવું માનવામાં આવી રહ્યું છે.બોટાદના લઠ્ઠાકાંડ બાદ સરકાર અને પોલીસ તંત્ર હચમચી ગયું છે. લઠ્ઠાકાંડમાં 41 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો હાલ સારવાર હેઠળ છે. ઘટના સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ રાજકીય મોરચે ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગતરોજ મામલામાં કેમીકલનો જથ્થો પુરો પાડનાર બેની ધરપકડ કરવામાં આવી હતી. અને અન્ય એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેવામાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. લઠ્ઠાકાંડ બાદથી ભાગતો ફરતો જટુભા રાઠોડને ગઇ કાલે સાવલી પોલીસે સાવલાની પ્રથમપુરા ગામેથી દબોચી લીધો છે.વડોદરા જિલ્લા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જટુભા લાલુભા રાઠોડ (રહે. રાણપુરા, બોટાદ) પ્રથમપુરા ગામમાં રહેતા તેના એક સંબંધીના ઘરે આવ્યો હતો. જે બાદ જિલ્લા એસપીએ આ અંગે ટીમ બનાવી તેને દબોચી લેવા ટીમ સક્રિય કરી હતી. સાવલી પોલીસના 35 જેટલા કર્મીઓની ટીમે પ્રથમપુરા ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે જટુભાને દબોચી લેવામાં આવ્યો હતો. જટુભાની દબોચી લીધા બાદ મોડી રાત્રે બોટાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે જટુભા પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. જટુભાની પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું કે, તેના વિરૂદ્ધમાં બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. જેથી પોલીસ ધરપકડ ટાળવા માટે તે સાસરીમાં પ્રથમપુરા ગામે બપોરે આવી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.