જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર:તેમાં 19 ઉમેદવારોના નામ; સોપોરથી આતંકવાદી અફઝલ ગુરુનો ભાઈ પણ અપક્ષમાંથી ચૂંટણી લડશે
કોંગ્રેસે સોમવારે (9 સપ્ટેમ્બર) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી હતી. જેમાં આરએસ પુરા-જમ્મુ દક્ષિણથી પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ રમણ ભલ્લા, બસોહલીથી ચૌધરી લાલ સિંહ અને બિશ્નાહ (SC)થી પૂર્વ NSUI ચીફ નીરજ કુંદનને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 34 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી પણ ફાઈનલ થઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સ 51 અને કોંગ્રેસ 32 સીટો પર ચૂંટણી લડશે. 5 બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈ થશે. CPI(M) અને પેન્થર્સ પાર્ટીને 2 બેઠકો મળી છે. પ્રથમ 2 યાદીમાં 15 નામ જાહેર કરાયા હતા
કોંગ્રેસે ગયા સપ્તાહે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. રિયાસીથી મુમતાઝ ખાનને ટિકિટ આપવામાં આવી છે. ઈફ્તાર અહેમદને રાજૌરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર જામવાલને શ્રી માતા વૈષ્ણોદેવીથી ટિકિટ આપવામાં આવી છે. તારિક હમીદ કારાને સેન્ટ્રલ શાલટેંગથી ટિકિટ આપવામાં આવી છે. શવિદ અહેમદ ખાનને થન્નામોન્ડીથી ટિકિટ આપવામાં આવી છે, મોહમ્મદ શાહનવાઝ ચૌધરીને સુરનકોટથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પાર્ટીએ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બર, બીજો તબક્કો 25 સપ્ટેમ્બર અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરે થશે. આ પછી 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આતંકવાદી અફઝલ ગુરુનો ભાઈ પણ મેદાનમાં
સંસદ હુમલાના ગુનેગાર મોહમ્મદ અફઝલ ગુરુના ભાઈ એજાઝ ગુરુ તે 30 ઉમેદવારોમાં સામેલ છે જેમણે સોપોર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે નોમિનેશન ભર્યું છે. તે અપક્ષમાંથી ચૂંટણી લડશે. 2014માં યોજાઈ હતી છેલ્લી વિધાનસભા ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપ અને પીડીપીએ ગઠબંધન સરકાર બનાવી હતી. 2018માં ગઠબંધન તૂટ્યા પછી સરકાર પડી ગઈ હતી. આ પછી રાજ્યમાં 6 મહિના (એ સમયે જમ્મુ-કાશ્મીર બંધારણ મુજબ) રાજ્યપાલ શાસન હતું. આ પછી રાષ્ટ્રપતિશાસન લાગુ થયું. 2019ની લોકસભાની ચૂંટણી રાષ્ટ્રપતિશાસન દરમિયાન યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફર્યું હતું. આ પછી 5 ઓગસ્ટ, 2019એ ભાજપ સરકારે કલમ 370 નાબૂદ કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત કર્યું. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.