ઓવૈસીના સવાલ પર જયશંકરનો જવાબ:રશિયન સૈન્યમાં 91 ભારતીય, 8નાં મોત, 69ની વાપસીની રાહ - At This Time

ઓવૈસીના સવાલ પર જયશંકરનો જવાબ:રશિયન સૈન્યમાં 91 ભારતીય, 8નાં મોત, 69ની વાપસીની રાહ


વિદેશમંત્રી એસ.જયશંકરે શુક્રવારે લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રશિયન સેનામાં અત્યાર સુધીમાં 91 ભારતીય ભરતી થયા. તેમાંથી 8ના મોત થયા છે જ્યારે 14ને રશિયાએ મુક્ત કર્યા છે, તેમાંથી કેટલાંક ભારત આવી ગયા છે અને અન્ય લોકો માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હજુ પણ 69 ભારતીયોની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. હૈદરાબાદના એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારતીયોની સ્થિતિ વિશે પૂછતાં જયશંકરે આ જવાબ આપ્યો હતો. ઓવૈસીએ એ પણ પૂછ્યું કે ભારતીયોને છેતરીને રશિયા મોકલનારા આરોપીઓ સામે શું કાર્યવાહી કરાઈ છે. જો રશિયન સેના ભારતીયોને પરત નહીં કરે તો શું ભારત આ મામલે વિરોધ કરશે? તેના જવાબમાં જયશંકરે કહ્યું કે ઘણા કિસ્સાઓમાં એવા સંકેતો મળ્યા છે કે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં જોડાવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ચારના મૃતદેહ ભારત લવાયા
રશિયામાંથી 4 મૃતદેહ ભારત પરત મોકલાવાયા છે. બેનાં ડીએનએ સેમ્પલ રશિયા મોકલવામાં આવ્યાં છે. જેમના ડીએનએ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેઓ હરિયાણા અને પંજાબના રહેવાસી હતા. ગુજરાતની એક વ્યક્તિના પરિવારે રશિયામાં અંતિમ સંસ્કાર કરવાની અપીલ કરી હતી, જ્યારે યુપીની એક વ્યક્તિના અવશેષોને ભારત પરત લાવવામાં આવશે. જયશંકરે કહ્યું કે રશિયાનો દાવો છે કે તેમની સેનામાં જોડાનારા યુવાનોએ પહેલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને પુટિન સાથેની મુલાકાત દરમિયાન મુદ્દો ઉઠાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.