જગદીપ ધનખડ આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે, માર્ગરેટને 346 મતોથી હરાવ્યા
- 725માંથી ધનખડને 528, માર્ગરેટને 182 મત મળ્યા- વિપક્ષના કેટલાક સાંસદોએ એનડીએના ઉમેદવારને મત આપ્યા હતા : પરાજય બાદ માર્ગરેટ અલ્વાનો દાવોનવી દિલ્હી : પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે. ધનખડને કુલ ૭૨૫માંથી ૫૨૮ મત મળ્યા હતા. તેઓએ ૩૪૬ મતોથી વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. લોકસભા મહાસચિવ ઉત્પલ કે સિંહે ચૂંટણીના પરીણામોની જાણકારી આપતા કહ્યું હતું કે માર્ગરેટ અલ્વાને આ ચૂંટણીમાં ૧૮૨ મત મળ્યા હતા. જ્યારે ધનખડને ૫૨૮ મત મળ્યા હતા. જ્યારે ૧૫ મતોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ધનખડની જીતની જાહેરાત બાદ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિ પદે જીત બદલ જગદીપ ધનખડને તેમના નિવાસ સ્થાને જઇને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ જગદીપ ધનખડને મુલાકાત લઇને શુભેચ્છા આપી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ધનખડને શુભેચ્છા પાઠવી હતી. લોકસભાનાા મહાસચિવ ઉત્પલ કુમારસિંહે જણાવ્યું હતું કે રાજ્યસભા અને લોકસભાના કુલ ૭૮૦ સભ્યો મતદાર તરીકે સામેલ હતા. જેમાંથી ૭૨૫ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમા ૯૨.૯૪ ટકા મતદાન થયું હતું. દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કેંન્દ્રીય મંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યંુ હતું. સમગ્ર પ્રક્રિયા સવારે ૧૦ વાગ્યે શરૂ થઇ હતી અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા મતદાન કરનારાઓમાં સામેલ રહ્યા જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વ્હીલચેર પર સંસદ ભવન મત આપવા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. ચૂંટણીમાં હાર બાદ વિપક્ષના ઉપરાષ્ટ્રપતી પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ કહ્યું હતું કે કેટલાક વિપક્ષના સાંસદો દ્વારા પણ એનડીએના ઉમેદવાર ધનખડને મત આપવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદે સેવા આપી ચુકેલા ધનખડ રાજસ્થાનના વતની છે. રાજસ્થાનના દિગ્ગજ નેતા ભૈરવસિંહ શેખાવત બાદ રાજસ્થાનથી આ પદ મેળવનારા ધનખડ બીજા નેતા બન્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.