રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ૩૧ ઓગસ્ટ સુધી સધન ઝાડા નિયંત્રણ પખવાડીયા ની ઉજવણી કરાશે
રાજકોટ તા. ૨૪ જુલાઈ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટ દ્રારા રાજકોટ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો-૧ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-પ૪ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો-૧ર,આયુષ્માન આરોગ્ય મંદિર ૩૪૭ અને તેમના વિસ્તારના ગામોમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ સધન ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે
બાળકોમાં ઝાડાના કારણે થતા મરણનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને નિયંત્રિત કરવા માટે વર્ષ ર૦૧૪ થી ‘‘સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું (આઈ.ડી.સી.એફ.)ની ઉજવણી શરૂ કરાઇ છે. આ વર્ષે પણ ૩૧ ઓગષ્ટ, ર૦ર૪ સુધી આ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો એકમાત્ર ઉદ્દેશ બાળકોમાં ઝાડાના કારણે થતા મૃત્યુનો દર વધુમાં વધુ નીચે લઈ જવાનો છે. આ દરમિયાન ઝાડાની બીમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સ્તરે સજાગતા કેળવવાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ઝાડાની બીમારીની સારવાર, ઓ.આર.એસ. ઝીંક કોર્નર વગેરે બનાવી લોકજાગૃતિના વિવિધ પગલાંઓ લેવામાં આવનાર છે.
દેશમાં વર્ષે ૧.ર૦ લાખથી વધારે બાળકો ઝાડાના કારણે મૃત્યુ પામે છે. આ મૃત્યુ મોટે ભાગે ઉનાળા અને ચોમાસાના મહિનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને આર્થિક રીતે પછાત પરિવાર ઝુંપડ પટ્ટીઓ, સ્લમ વિસ્તારના બાળકો સૌથી વધારે ઝાડાના રોગથી પ્રભાવિત થાય છે. ઝાડાના કારણે થતા તમામ મૃત્યુને અટકાવવા ઓ.આર.એસ. (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) ઝીંક ટેબલેટ અને સાથે સાથે બાળકોને પૂરતો સ્વચ્છ પોષણયુક્ત પૌસ્ટિક આહાર પ્રદાન સુનિશ્ચિત કરવાથી શરીરમાંથી પાણી અને જરૃરી ક્ષારોનું પ્રમાણ જાળવી શકાય છે. સ્વચ્છ પાણી, સ્તનપાન, યોગ્ય પોષણ આહાર તેમજ સ્વચ્છ વાતાવરણ, હાથ ધોવાની આદત દ્વારા પણ ઝાડાનો ફેલાવો અટકાવી શકાય છે.
આશા બહેનો દ્વારા પાંચ વર્ષથી ઓછી વય જુથના બાળકોના ઘરે ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. જનસમુદાય માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જાગૃતિ કેળવવા માટે આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં આ અંગે જનસમુદાયમાં જાગૃતિ લાવવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ રાજકોટ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો..પી.કે.સિંધે જણાવ્યું છે.
સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ૦ થી ૫ વર્ષના બાળકોના ઝાડાને કારણે થતાં મૃત્યુ અટકાવવાનો છે. બાળમૃત્યુના કારણમાં ૧૫ ટકા ઝાડા રોગ ભાગ ભજવે છે. આ દરને શૂન્ય કરવાનો છે અને બાળકોને ઝાડાની સારવારમાં ઓ.આર.એસ. અને ઝીંકનો વપરાશ વધારવો તેમજ ૫ વર્ષથી નાના બાળકોમાં થતા ઝાડાના નિયંત્રણ અને સારવારને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
ઝાડાની સારવાર માટે જનજાગૃત્તિ ફેલાવવા સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા દરમિયાન લોકોને કેટલાક સુચનોની અમલવારી કરવા જિલ્લા પંચાયત, રાજકોટ દ્રારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંધે જણાવ્યું હતું કે, બાળકોને ઝાડા થયા હોય ત્યારે ઓ.આર.એસ. અને ઝીંકની સારવાર માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીીશકાશે. ઝાડા દરમિયાન ઓ.આર.એસ. અને ઝિંકની ગોળીઓ આપવા જરુરી છે. ઝાડા દરમિયાન માતાનું દૂધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખવું જોઈએ અને ૧૪ દિવસ સુધી બાળકને ઝિંકની ગોળીઓ આપવી જોઈએ. બાળકોને ઝાડાની સારવાર રૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળીનો ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે જે બાળકને ઝાડામાંથી ઝડપથી સાજું કરી દે છે. બાળકના મળનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવો જોઇએ. સ્તનપાન ચાલુ રાખવું અને વધારે માત્રામાં પ્રવાહી ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી પણ આપવાનું ચાલુ રાખવું જોઇએ. શુધ્ધ (ચોખ્ખું) પાણીનો પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.