વાયરીંગ કામ કરવા મામલે ઈલેકટ્રિશ્યન પર ત્રણ શખ્સનો જીવલેણ હુમલો: યુવકની હાલત ગંભીર - At This Time

વાયરીંગ કામ કરવા મામલે ઈલેકટ્રિશ્યન પર ત્રણ શખ્સનો જીવલેણ હુમલો: યુવકની હાલત ગંભીર


પેડક રોડ પર આવેલ વાલ્મીકી આવાસ યોજનાના કવાર્ટરમાં મહિલાના ઘરમાં વાયરીંગ કામ કરવા ગયેલા યુવકને અહી કેમ વાયરીંગ કામ કરવા કેમ આવ્યો કહી ત્રણ શખ્સોએ યુવકને પકડીને લોખંડના દરવાજા સાથે માથુ અથડાવતા બેભાન થઈ ગયો હતો. સારવારમાં ખસેડાયેલા યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી એક શખ્સને સકંજામાં લઈ અન્યની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે વાલ્મીકી આવાસ યોજના કવાર્ટર પેડક રોડ પર રહેતા ઉષાબેન હિંમતભાઈ ગરીયલ એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કેવીન રાઠોડ, મયુર રાઠોડ, રહે. બંને વાલ્મીકી આવાસ યોજનાના કવાર્ટર, પેડક રોડ અને શૈલેષ પરમાર રહે. રુખડીયાપરાનું નામ આપતા બી ડીવીઝન પોલીસે આઈપીસી (324, 323) સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ ઘરકામની મજુરીકામ કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો મોટો પુત્ર અપરણીત છે અને તે છુટક ઈલેકટ્રીકનું કામ કરે છે.
ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તેણીને તેનો નાનો પુત્ર રિક્ષામાં ઘરે મુકવા આવેલ હતો તે દરમ્યાન એલ બીલ્ડીંગના ગેટ પાસે પહોંચતા લોકો એકઠા થયેલ હતા.
જેથી તેણીએ પુછતા જાણવા મળેલ કે એલ બિલ્ડીંગમાં રૂમ નં.1માં ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા મિતલબેન બાબુભાઈ પરમારના મકાનમાં તેમનો પુત્ર દેવાંગે વાયરીંગ કામ કરેલ હોય જેમાં તેજ બિલ્ડીંગમાં ત્રીજા માળે રહેતા કેવીન મયુર અને રૂખડીયાપરામાં રહેતો શૈલેષ ત્યાં ધસી ગયેલ અને દેવાંગને કહેવા લાગેલ કે તે મિતલબેનનું વાયરનું કામ શુંકામ કર્યુ? જેથી દેવાંગે કહેલ કે મને આ કામની મજુરીના પૈસા આપ્યા છે એટલે કર્યુ છે તેમ કહેતા ત્રણેય શખ્સો ગાળો બોલી મારામારી કરવા લાગેલ તેમજ કેવીન અને મયુરે દેવાંગને પકડી તેનું માથુ લોખંડના ગેટ સાથે અથડાવા લાગેલ હતા જેથી દેવાંગને કપાળના ભાગેથી લોહી નીકળવા લાગેલ હતું છતાં પણ આરોપીઓ તેને ઉપરના માળે વધુ માર મારવા લઈ ગયેલ હતા.
બાદમાં ફરિયાદી અને તેનો નાનો પુત્ર સહીતના લોકો ઉપરના માળે પહોંચતા ત્રણેય શખ્સો નાસી છુટયા હતા. બાદમાં અર્ધબેભાન થઈ ગયેલ પુત્રને 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવેલ હતો. હાલમાં યુવક જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.
બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી એક આરોપીને સકંજામાં લઈ અન્યની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.