સિરામિક બ્રાન્ડ ક્યુટોનના 25થી વધુ સ્થળો પર ITના દરોડા
- અગ્રવાલ ગ્રુપની અમદાવાદની ઓફિસે રેડ પાડ્યા બાદ મોરબીમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુંઅમદાવાદ, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવારરાજકોટમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના બે જુદા-જુદા કારખાનામાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. IT વિભાગે ગુજરાતમાં લોકપ્રિય સિરામિક બ્રાન્ડ ક્યુટોનના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજકોટ ઈન્કમટેક્સ વિભાગની આગેવાની હેઠળ મંગળવારે સવારે સર્ચ ઓપરેશન અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ, મોરબી અને વડોદરામાં કંપનીની મુખ્ય કચેરીઓ અને રહેઠાણોના વિવિધ સ્થળોએ 200થી વધુ IT અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. IT વિભાગે આજે વહેલી સવારથી એકસાથે અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના ઢુવા અને વઘાસિયા પાસે આવેલ Qutone Ceramicના કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા છે. અગ્રવાલ ગ્રુપની અમદાવાદની ઓફિસે રેડ પાડ્યા બાદ મોરબીમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મંગલુનિયા અને રાજીવ અડલાખાના રહેણાક સ્થળોની તપાસ કરવામાં આવી છે. જોકે, ITની આ રેડ દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.Qutoneની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. તેની પ્રોડક્ટ લાઈનમાં માર્બલ્સ, સ્ટોનવેર, વોલ ટાઈલ્સ અને અન્યનો સમાવેશ થાય છે. જૂન 2022માં કંપનીએ ઉત્પાદનોની નવી સિરીઝ લોન્ચ કરી અને એક અધિકૃત નિવેદન આપ્યું કે, આ નવી પ્રોડક્ટના લૉન્ચ સાથે Qutone તેની આવક 500 કરોડથી વધીને 750 કરોડ થવાની અપેક્ષા રાખે છે.2008માં અમદાવાદ ખાતે શરૂ થયેલી કયુટોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર ફિલ્મ અભિનેતા અનિલ કપૂર છે. મોરબી સિરામિકનું હબ ગણાય છે અને અનેક સિરામિક કંપનીઓએ તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિલ્મ હસ્તીઓને રાખ્યા છે. અમદાવાદ, મોરબી અને રાજકોટ આ ત્રણેય શહેરોમાં વહેલી સવારથી દરોડાની કામગીરીથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં દરોડા હોવાથી પ્રથમ તબક્કે અમદાવાદ ઈન્કમટેકસનું આ ઓપરેશન હોવાનું બહાર આવ્યું હતું પરંતુ આ મેગા સર્ચ ઓપરેશન રાજકોટ ઈન્કમટેક્સ વિભાગે લીડ કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.