UNએ ઈઝરાયલને બ્લેકલિસ્ટ કર્યું:ગાઝામાં બાળકો પર થતા અત્યાચાર જોઈને લીધો નિર્ણય, નેતન્યાહુએ કહ્યું- આમ કરવાથી UN ઈતિહાસમાં બ્લેકલિસ્ટ થયું - At This Time

UNએ ઈઝરાયલને બ્લેકલિસ્ટ કર્યું:ગાઝામાં બાળકો પર થતા અત્યાચાર જોઈને લીધો નિર્ણય, નેતન્યાહુએ કહ્યું- આમ કરવાથી UN ઈતિહાસમાં બ્લેકલિસ્ટ થયું


ગાઝામાં થયેલા હુમલાઓ વચ્ચે ઈઝરાયલ પર માનવાધિકાર ભંગના આરોપોને ધ્યાનમાં રાખીને યુએનએ તેને બ્લેકલિસ્ટ કરી દીધું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયલ સિવાય સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ હમાસ અને પેલેસ્ટિનિયન જેહાદને 'લિસ્ટ ઓફ શેમ'માં સામેલ કર્યા છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના કાર્યાલયે તેના વાર્ષિક અહેવાલ સાથે આ સૂચિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પછી ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્દાનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. યુદ્ધ વચ્ચે ગાઝામાં બાળકો પર થઈ રહેલા અત્યાચારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાદીમાં પ્રથમ વખત ઈઝરાયલ અને હમાસનો ઉમેરો થયો છે. નેતન્યાહુએ કહ્યું- આવું કરીને UN ઇતિહાસમાં બ્લેકલિસ્ટ થયું
આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, "યુએનએ હમાસના વાહિયાત દાવાઓના આધારે આ યાદીમાં અમારું નામ ઉમેર્યું છે. આમ કરીને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈતિહાસમાં પોતાને બ્લેકલિસ્ટ કરી દીધા છે. નેતન્યાહુએ કહ્યું, "ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) સમગ્ર વિશ્વમાં સૌથી માનવીય સેના છે. યુએનનો કોઈ નિર્ણય આ વાસ્તવિકતાને બદલી શકે નહીં." બીજી તરફ યુએનમાં પેલેસ્ટાઈનના પ્રતિનિધિ રિયાદ મન્સૂરે કહ્યું છે કે ઈઝરાયલને શરમની યાદીમાં સામેલ કરવાથી ઈઝરાયલના હુમલામાં મૃત્યુ પામેલા બાળકોને બીજું જીવન ન મળી શકે. તેમ છતાં, ઇઝરાયલના અત્યાચારો સામે વિરોધ નોંધાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ગયા વર્ષે આ યાદીમાં રશિયાનો ઉમેરો થયો હતો
ઈઝરાયલ અને હમાસ ઉપરાંત અત્યાર સુધી રશિયા, અફઘાનિસ્તાન, ઈરાક, મ્યાનમાર, સીરિયા, યમન, સોમાલિયા, આઈએસઆઈએસ અને અલકાયદાના નામ યુએનની યાદીમાં સામેલ છે. ગત વર્ષે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન બાળકો પર થયેલા અત્યાચારને ધ્યાનમાં રાખીને રશિયાને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પહેલા ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના વિવાદ વચ્ચે યુએનના રિપોર્ટમાં ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી તેઓ આ યાદીમાં ક્યારેય ઉમેરાયા નથી. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 37 હજાર 700 પેલેસ્ટાઈનનાં મોત થયા છે. જેમાં 15 હજાર 571 બાળકોનો સમાવેશ થાય છે. ગાઝામાં દુષ્કાળનો ખતરો, 23 લાખ લોકો ભૂખમરાની આરે
યુએનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ દ્વારા ખોરાક, પાણી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પ્રતિબંધના કારણે ગાઝામાં માનવીય સંકટ વધ્યું છે. ગાઝાના ઘણા ભાગોમાં દુકાળનો ભય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, યુનિસેફે અહેવાલ આપ્યો હતો કે 10 માંથી 9 પેલેસ્ટિનિયન બાળકો યુદ્ધની વચ્ચે ગંભીર ખોરાકની ગરીબીમાં જીવી રહ્યા છે. યુએન અનુસાર, ગાઝાની 23 લાખથી વધુ વસ્તી ભૂખમરાની આરે છે. સૌથી ખરાબ સ્થિતિ યુદ્ધ વચ્ચે જન્મેલા બાળકોની છે. એપ્રિલમાં, ગાઝાની હોસ્પિટલોમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 30 બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.