રશિયાની જેલમાં ISISના આતંકવાદીઓએ ગાર્ડ્સને બંધક બનાવ્યા:બદલામાં બિનશરતી મુક્તિની માંગણી, જેલની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા - At This Time

રશિયાની જેલમાં ISISના આતંકવાદીઓએ ગાર્ડ્સને બંધક બનાવ્યા:બદલામાં બિનશરતી મુક્તિની માંગણી, જેલની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા


રશિયાના રોસ્તોવ શહેરની જેલમાં બંધ આતંકી સંગઠન ISISના છ આતંકીઓએ ગાર્ડને બંધક બનાવી લીધા છે. તેમને છોડવાના બદલામાં તેઓ પોતાની મુક્તિની માંગ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, તેમની વચ્ચે કેટલાક એવા આતંકી છે જેમને આતંકવાદ ફેલાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. રશિયન ફેડરલ પેનિટેન્ટરી સર્વિસે કહ્યું કે જેલમાં કામ કરતા તેના બે કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે. જો કે સ્થિતિ કાબુમાં છે અને જેલ રાબેતા મુજબ કાર્યરત છે. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ISISના આતંકવાદીઓએ ત્યાંથી સુરક્ષિત રીતે જવાની મંજુરી અને એક કાર માગી છે. રશિયન રાજ્ય મીડિયા આરઆઈએએ અહેવાલ આપ્યો છે કે મામલાને ધ્યાનમાં રાખીને, જેલની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ISISની ખુરાસન વિંગે કર્યો હતો આતંકી હુમલો, 150 લોકો માર્યા ગયા
આ પહેલા 22 માર્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો થયો હતો. આ ISIS દ્વારા જ કરવામાં આવ્યું હતું. આર્મી યુનિફોર્મ પહેરેલા પાંચ આતંકવાદીઓએ ક્રોકસ સિટી હોલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, બોમ્બ વિસ્ફોટ કર્યા અને ભાગી ગયા. આ હુમલામાં લગભગ 150 લોકોના મોત થયા હતા. હુમલાની જવાબદારી લેતા, આતંકવાદી સંગઠને કહ્યું હતું કે, "ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક મોટા મેળાવડા પર હુમલો કર્યો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. હુમલા બાદ અમારા આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું હતું કે રશિયા બદલો લેશે. આતંકવાદીઓ આતંકની ભાષા જ સમજે છે. જ્યાં સુધી આતંકવાદીઓ સાથે તેમના પરિવારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ તપાસનો કોઈ અર્થ નથી. ISISએ રશિયા પર શા માટે હુમલો કર્યો?
BBCએ પોતાના રિપોર્ટમાં નિષ્ણાતોને ટાંકીને લખ્યું હતું કે- આ હુમલો ISISની ખુરાસન વિંગ એટલે કે ISIS-K દ્વારા કરવામાં આવ્યો હતો. ISIS-K નું નામ ઉત્તરપૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સંગઠન સૌપ્રથમ 2014માં પૂર્વી અફઘાનિસ્તાનમાં સક્રિય થયું હતું. ત્યારબાદ તેમાં જોડાવા માટે રશિયન આતંકવાદી જૂથોના ઘણા આતંકીઓ સીરિયા પહોંચ્યા. તેઓ પુતિન અને તેમના પ્રચારનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે પુતિનની સરકાર ચેચન્યા અને સીરિયામાં હુમલા કરીને મુસ્લિમો પર અત્યાચાર ગુજારે છે. સોવિયેત યુગ દરમિયાન રશિયા દ્વારા અફઘાનિસ્તાનમાં મુસ્લિમો પર આવા જ અત્યાચારો આચરવામાં આવ્યા હતા. પુતિન 18 માર્ચે 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. આ મોટો આતંકવાદી હુમલો 5 દિવસ પછી થયો છે. હાલ પુતિને હુમલા અંગે કોઈ નિવેદન આપ્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.