આ શહેર સુરેન્દ્રનગર છે કે ગાયનગર
- અજરામર ટાવરથી બસ સ્ટેન્ડ સુધીનાં મેઈન રોડ ઉપર જાણે ઢોરવાડો ચાલતો હોય તેમ સંખ્યાબંધ ઢોરનો અડીંગોસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના શહેરીજનો અનિયમીત પાણી વિતરણ, બિસ્માર અને ભંગાર રસ્તા, વિજળીનાં ડીંડવાણા સહિતની અનેક સમસ્યા વેઠી રહ્યાં છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર તંત્રએ જાણે ઢોરવાડા શરૂ કર્યા હોય તેમ સંખ્યાબંધ ઢોર અડીંગો જમાવતા હોય તેવા દ્રશ્યો પ્રતિદિન જોવા મળે છે. તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે આ શહેર સુરેન્દ્રનગર છે કે ગાયનગર. શહેરનાં મુખ્યમાર્ગો પર અડીંગો જમાવતા ઢોર ક્યારેક યુધ્ધે ચઢતા રાહદારીઓ અડફેટે આવતા ઇજાગ્રસ્ત થતા હોવાના બનાવોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવારૂપ અને જોખમી બની રહી છે. સુરેન્દ્રનગરનાં ટાવરથી બસસ્ટેન્ડ સુધીનાં મેઈન રોડ ઉપર જ અંદાજે ૧૫૦ થી વધુ ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોવાની બુમરાણ ઉઠી છે, પણ તંત્રના કાન સુધી પહોંચતી નથી.રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફીકને અડચણ, જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્ય સરકારનો ઉધડો લેતા સરકારના આદેશ બાદ ઠેર-ઠેર ઢોર પકડ ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે સુરેન્દ્રનગરનાંં મુખ્યમાર્ગો પર બેસી રહેતા રખડતા ઢોરનો મુદો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગર શહેરનાં ટાંકીચોક, જવાહર ચોક, વાડીલાલ ચોક, દીપુભાનો ચોક, ૮૦ ફુટ રોડ, રતનપર-વઢવાણ-જોરાવરનગર નવા જંકશન રોડ, ટી.બી હોસ્પીટલ રોડ, દાળમીલ રોડ સહીતનાં અનેક મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાં વર્ષોથી રખડતા ઢોર રસ્તા પર અડીંગો જમાવતા હોવાની સમસ્યા છે. શહેરનાં અજરામર ટાવરથી બસસ્ટેન્ડ સુધીનાં હાર્દ સમાન મુખ્ય રોડ ઉપર તો સવારથી સાંજ સુધી અંદાજે ૧૫૦થી વધુ ઢોર જોવા મળે છે. ખાસ કરીને, મેઈન રોડ પરની શાક માર્કેટ, કારીગરની હોટલ અને બસસ્ટેન્ડ નજીક ઢોરના ટોળા બેસેલા જોવા મળે છે. આવી જ હાલત શહેરનાં ૮૦ ફુટ રોડની છે. ગોકુળ હોટલથી છે ક ભકિતનંદન સર્કલ સુધીના રોડ ઉપર ઠેરઠેર ઢોરના અડીંગા જોવા મળે છે. ખાસ કરીને, અલ્ટ્રાવિઝન સ્કુલથી દેશળભગતની વાવ સુધીમાં ઢોરના ટોળેટોળા બેસેલા જોવા મળે છે. તેના કારણે વાહનચાલકો-રાહદારીઓને રોડ પરથી પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડે છે. તો કયારેક યુધ્ધે ચડતા ઢોરને કારણે રાહદારીઓ અડફેટે આવી જવાનો સતત ભય રહે છે. ભુતકાળમાં ઢોરે અડફેટે લેતા માનવમૃત્યુના બનાવો પણ બન્યા છે. મેઈન રોડ ઉપરની શાકમાર્કેટ પાસે તો મુશ્કેલ પરિસ્થિતી ઉભી થાય છે. એકબાજુ રોડની વચ્ચે રેલીંગ નાંખી દ્વિ-માર્ગી રસ્તો બનાવતા રોડ સાંકડો બન્યો છે, તો બીજી બાજુ શાકભાજી વેચતા લારીઓવાળા અડધો રસ્તો રોકીને ઉભા હોય છે. ઉપરથી ઢોરનો જમેલો હોય છે. શાકભાજી વાળા સડેલા શાકભાજી રોડ ઉપર નાંખતા હોવાથી તે ખાવા રોડ ઉપર રખડતા ઢોર શાકભાજી લેવા આવતી મહિલાઓને અડફેટે લઈ લેશે તેવો ડર રહે છે. ત્રણ દિવસથી ઢોર પકડ ડ્રાઈવ ચાલુ છે : ચીફ આફિસરસુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તેમ ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં કહ્યુ કે, રખડતા ઢોર પકડવા માટે ૧૦ માણસોની ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૫ આખલા પકડવામાં આવ્યા છે. અધિકારીઓ અને પદાધિકારીઓ નિકળે ત્યારે તેમને રોડ પર ઢોર દેખાતા નથીશહેરનાં મેઈન રોડ ઉપર બસસ્ટેન્ડથી ટાવર સુધીમાં અનેક જગ્યાએ ઢોરના અડીંગા જોવા મળે છે. શાકમાર્કેટ પાસે તો ઢોરનો જમેલો થતો હોય છે. દુઃખની બાબત એ છે કે, ટાવર પાસે જિલ્લા કલેકટર કચેરી, નગરપાલિકા, જિલ્લા પંચાયત વિગેરે સરકારી કચેરીએ જવા માટે આ મેઈન રોડનો વધુ ઉપયોગ થાય છે. અધિકારીઓ-પદાધિકારીઓ દરરોજ આ રોડ પરથી પસાર થાય છે, પરંતુ તેમની આંખે રસ્તા પરના ઢોર નજરે પડતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.