ગુજરાત પોલીસ અકાદમી કરાઇ: દીક્ષાંત પરેડ સમારોહ ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો
ગુજરાત પોલીસ અકાદમી કરાઇ: દીક્ષાંત પરેડ સમારોહ
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો
પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથોસાથ સંવેદનશીલ હોવું પણ જરૂરી : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
• ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી
• પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનની ભાવના અભિનંદનીય
• દિક્ષાંત સમારોહમાં ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર તાલિમાર્થીઓને દિક્ષા અપાઇ
• ગૃહ રાજ્યમંત્રીશ્રીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓને ટ્રોફીથી નવાજ્યા
ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર મળી ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ નથી, કુદરતી આપત્તિઓ અને હોનારતના સમયે ફ્રન્ટ ફૂટ પર કામ કરી અનેક જીવન બચાવનાર ફોર્સ છે. આ ગૌરવવંતી ફોર્સમાં જોડાવવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્તમાન ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી હોવાથી બંનેનો સમન્વય પોતાની કામગીરીમાં કરવા મંત્રીશ્રીએ સૌ દિક્ષાર્થીઓને સૂચન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમાજ રક્ષા માટે પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનોની ભાવના અભિનંદનીય છે. ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર તાલિમાર્થીઓને દિક્ષા આપવામાં આવી હતી. જેમાં ૯૬ મહિલા અને ૨૩૬ પુરુષ દીક્ષાર્થીનો સમાવેશ થાય છે.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આજે શપથ લેનારા ૩૩૨ પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
આ અવસરે ગુજરાત પોલીસ અકાદમી કરાઈના આચાર્ય શ્રી અભય ચુડાસમાએ દીક્ષાર્થીઓને શપથ લેવડાવ્યા હતા તેમજ અધિક પોલીસ મહાનિદેશક, તાલીમ સુશ્રી નિરજા ગોટરૂ દ્વારા વિગતવાર તાલીમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ દીક્ષાંત પરેડ સમારોહમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઇના ઉપાચાર્ય સુશ્રી સુજાતા મજમુદાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત દીક્ષાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.